રાજકોટ
News of Thursday, 11th October 2018

પાણી ચોરી અટકાવવા ઝુંબેશ

વોર્ડ નં.૧૧ ના પંચશીલ સોસાયટીમાંથી ૧૧ ગેરકાયદે નળ કનેકશન કપાત

રાજકોટ, તા.૧૧: શહેરની પ્રવર્તમાન પાણીની પરિસ્થિતિને ધ્યાને રાખી શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્તિ અટકાવવા  મ્યુ. કમિશનર બંછાનિધિ પાનીના આદેશ અનુસાર ભૂતિયા નળ જોડાણ શોધી જરૂરી કાર્યવાહી કરવા ચેકિંગ ઝુંબેશનો ચલાવવામાં આવી રહી છે, જેમાં આજે ગુરુવારે શહેરના વોર્ડ નં.૧૧માં આવેલા પંચશીલ સોસાયટીમાંથી રાજકોટ મહાનગરપાલિકાની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરતા ૧૧ ગેરકાયદે નળ કપાત કરવામાં આવ્યા હતા.

આ અંગે કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ શહેરના વોર્ડ નં.૧૧ના પંચશીલ સોસાયટીના લોકોની ફરિયાદ આવતા રાજકોટ મહાનગરપાલિકાની ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો, સર્વે દરમ્યાન પંચશીલ સોસાયટી શેરી નં.૧ માંથી ચાર અન અધિકૃત નળ કનેકશન અને પંચશીલ સોસાયટી શેરી નં.૨ માંથી સાત અન અધિકૃત નળ કનેકશન જોડાણો કપાત કરવામાં આવ્યા હતાં. આ ઉપરોકત કામગીરી વેસ્ટ ઝોનના ડે. એન્જીનીયર એમ. બી. ગાવિત, આસી. એન્જી. જયેશ ગોહેલ અને સંજય ટાંક તથા તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

(3:31 pm IST)