રાજકોટ
News of Thursday, 11th October 2018

શહેરની ૬ ટોપ મોસ્ટ હોટલોમાંથી ૭પ૮ કિલો અખાદ્ય ખોરાકનો નાશ

લા પીયાનોઝ પીઝા, સરોવર પોર્ટીકો, પ્લેટેનીયમ, પીઝા કેસ્ટલ, સ્મીથ કિચન, સેન્ટોસા મલ્ટી રેસ્ટોરન્સમાં નાયબ આરોગ્ય અધિકારી ડો.રાઠોડની ટીમના દરોડાઃ વાસી લોટ, ટમેટા ચીઝ, પીઝાના રોટલા, અખાદ્ય ચટણીઓ અને વાસી શાકભાજી અને ફળો સહિતની વસ્તુઓનો નાશ કરાયોઃ પ્લેટીનીયમ હોટેલને ૫૦૦૦નો દંડ

રાજકોટ, તા., ૧૧: સ્વચ્છતા સર્વેક્ષણ હેઠળ હોટલ અને રેસ્ટોરન્ટોમાં એઠવાડ સહિતના કચરાનો નિકાલની વ્યવસ્થા તેમજ હોટલો અને રેસ્ટોરન્ટોમાં પીરસાતા ખોરાકની ગુણવતાનું ચેકીંગ આજે નાયબ આરોગ્ય અધિકારીની ટીમ દ્વારા શહેરની ૬ ટોપ મોસ્ટ હોટેલોમાં કરાયું છે. આ ચેકીંગ દરમિયાન તમામ હોટલોમાંથી કુલ ૭પ૮ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો.

આ અંગે ડો.રાઠોડની યાદીમાં જણાવ્યા મુજબ આજે સવારે રામકૃષ્ણ મેઇન રોડ પર કમિશ્નર બંગલા સામે આવેલ પ્રફુલભાઇ કટારીયા અને શશીભાઇ દલસાણીયા દ્વારા સંચાલીત લા પીનોઝ પીઝામાં ચેકીંગ દરમિયાન મેંદાના લોટમાં ધનેડા, કેપ્સીકમ ટમેટો સોસ વગેરે ખુલ્લા જોવા મળતા આ સ્થળેથી કુલ ૩પ કિલો લોટ અને ૯૩ કિલો અખાદ્ય ચિજવસ્તુઓનો નાશ કરાયેલ તથા આ બાબતે સંચાલકોને નોટીસ અપાયેલ. ત્યાર બાદ લીમડા ચોકમાં આવેલ પ્રસિધ્ધ હોટલ સરોવર પોર્ટીકોમાં ચેકીંગ કરી આ સ્થળેથી લીલી ચટણી, અખાદ્ય ગ્રેવી, ઇડલી, તંદુરી રોટીનો લોટ વગેરે સહિત ૩પ થી ૪૦ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો. જયારે  કાલાવડ રોડ કોેટેચા ચોકમાં આવેલ પ્રફુલભાઇ સાહોલીયા, ગુંજન જોષી અને કમલેશ ગોસ્વામી સંચાલીત પીઝા ક્રેસ્ટલમાં ચેકીંગ હાથ ધરાતા ત્યાંથી પીઝા રોટલા, પાસ્તા, બ્રેડ, મન્ચુરીયન, ફ્રેન્ચ રાઇસ સહિત ૧૧૦ કિલો અખાદ્ય ચિજવસ્તુઓનો નાશ કરાયેલ. તેમજ મોટી ટાંકી ચોકમાં આવેલ સ્મીથ કીચન રેસ્ટોરન્ટમાંથી લાલ-લીલી ચટણી, ગ્રેવી, લેબલીંગ વગરની બેકરી પ્રોટેકટ, અખાદ્ય ઇડલી, વાસી લોટ વગેરે સહિત ૧૯૮ કિલો અખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કરાયો હતો.

આ ઉપરાંત યુનિવર્સિટી રોડ ઉપર આવેલ સેન્ટોસા મલ્ટી રેસ્ટોરન્ટમાંથી વાસી રાંધેલો ખોરાક, સડેલા શાકભાજી અને ફળ સહીત  ૧૩૮ કિલો અખાદ્ય પદાર્થનો નાશ કરી રેસ્ટોરન્ટ સંચાલકોને નોટીસ અપાઇ હતી. તેમજ જયુબેલી ચોક જવાહર રોડ પર આવેલ પ્લેટીનમ હોટલમાંથી વાસી રાંધેલો ખોરાક અને સડેલા શાકભાજી સહિત ૧૪૪ કિલો અખાદ્ય પદાર્થનો નાશ કર્યો હતો તેમજ રાંધેલા ખોરાકમાં ખોટુ ટેગીંગ કરવા બાબતે  હોટલ સંચાલકોને રૂ. પ૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

ઉપરોકત કામગીરી  મ્યુનીસીપલ કમિશ્નર  બંછાનીધી પાનીના આદેશથી નાયબ કમિશ્નરશ્રી ગણાત્રા, આરોગ્ય અધિકારી ડો.પંકજ પી.રાઠોડ, ડેઝીગ્રેટેડ ઓફીસર અમિત પંચાલના માર્ગદર્શન હેઠળ ફુડ સેફટી ઓફીસર વાઘેલાભાઇ, સરવૈયાભાઇ, કેતનભાઇ, મોલીયાભાઇ તથા પરમારભાઇ દ્વારા કરવામાં આવી હતી. વિશેષમાં નિયત સમયમાં કિચન વેસ્ટના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહી કરવામાં આવે તો બી.પી.એમ.સી. એકટની કલમ હેઠળ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. (૪.૧૪)

(3:28 pm IST)