રાજકોટ
News of Thursday, 11th October 2018

૭૫ વર્ષના ડોશીનું સપનું છે અમેરીકા જવાનું, શું પૂરૂ થઈ શકશે?

વિદેહી એન્ટરટેઈનમેન્ટના દેવલ વોરા અને સૌમ્ય જોષીનો એક અનોખો પ્રયોગ : કલાપ્રેમીઓ માટે આવી રહ્યું છે નાટક 'યુનાઈટેડ સ્ટેટસ ઓફ પાડાની પોળ' ૨૭મીએ શો

રાજકોટ, તા. ૧૧ : વિદેહી એન્ટરટેઇન્મેન્ટ ના દેવલ વોરા, રાજકોટના સાહિત્ય - રસિકો માટે કંઈક નવું, કંઈક અનોખું  લાવવા સતત પ્રયત્નશીલ રહે છે. તેઓ એ લાવેલું , સૌમ્ય જોશી આલેખિત - દિગ્દર્શિત નાટક - 'આજ જાનેકી ઝિદ ના કરો' ને રાજકોટ વાસીઓ એ ભાવપૂર્વક પ્રચંડ પ્રતિસાદ આપ્યો . નાટક પૂરું થયા પછી સૌ દર્શકો ની તાળીઓ એ દિગ્દર્શક શ્રી સૌમ્ય જોશી અને કલાકારો જીજ્ઞા વ્યાસ અને જયેશ મોરે ને રાજકોટની કલાપ્રેમી જનતા અને સારા , પ્રયોગશીલ નાટકો ને આવકારવાની ખુલ્લા હૃદયની ભાવનાઓના કાયલ બનાવી દીધા !  માટે જ રાજકોટ ના  કલાપ્રેમી રસિકો માટે દેવલ વોરા , સૌમ્ય જોશીનો જ એક સાવ અનોખો પ્રયોગ લઇ ને ફરી આવી રહ્યા છે.

એક ૭૫ વર્ષની વિધવા ડોશી , ખાખરા ફરસાણ વેચી જીવન ગુજારે . ઉંમર ૭૫ ની પણ દિલ સપનાઓથી ભરેલું . વર્ષો થી સેવેલું એક જ સપનું - અમ્બેરિકા (America) જવાનું ! ડોશી એ અમેરિકા જવા ઊંધે કાંધ થઇ ને પ્રયત્નો ચાલુ કર્યા ને તેની આખી 'પાડાની પોળ' એની મદદમાં જોડાઈને પછી સર્જાય - સૌમ્ય જોશી લિખિત દિગ્દર્શિત ફેફસાંફાડ કોમેડી પ્રયોગશીલ નાટક - -  યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ પાડા ની પોળ.

એક કલાક ના આ કોમેડી નાટક માં ડોશી ને અમેરિકા પહોંચાડવા માટે તેની આખી પોળ જેનું નામે છે પાડા ની પોળ -કઈ રીતે મદદ કરે છે અને તેમાંથી કેવી કેવી કોમેડી રચાય છે તેનું ખુબ જ રસિક લેખન અને  નિરૂપણ સૌમ્ય જોશી એ કર્યું છે. અમિતાભ , ઋષિ કપૂર અભિનીત બોલિવૂડ ફિલ્મ ૧૦૨ નોટ આઉટના લેખક અને કેટલાયે સાવ જ હટકે નાટકોના લેખક દિગ્દર્શક -સૌમ્ય જોશી પાસેથી આવી હળવી કૃતિ લોકોને વધુ હળવા બનાવી દેવાની ગેરંટી સાથે જ આવતી હોય છે. કોમેડી નાટકો માં કોમેડી ગીતો વણી લઈને સૌમ્ય એ નાટક ને ખરેખર હસી હસી ને થકવી દે તેવું બનાવ્યું છે.

રાજકોટ માં શ્નયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ પાડાની પોળ વિદેહી એન્ટરટેઇન્મેન્ટ , ટીપોસ્ટ , પરીન લાઇફસ્ટાઇલ અને પરીન ટાટા મોટર્સ ના સહયોગ થી લાવી રહ્યું છે.

આગામી તા. ૨૭ ઓકટોબર , શનિવાર ના રોજ નાટક ના બે શા છે .  રાત્રે ૮.૩૦ કલાકે અને રાત્રે ૧૦ કલાકે  હેમુ ગઢવી હોલ મીની માં. નાટક ની ટિકટ માટે સંપર્કઃ  ૬૩૫૪૯૯૫૦૦૧. એડવાન્સ ટિકટ - ટીપોસ્ટ , રેસકોર્સ રિંગ રોડ, એ.જી. ઓફિસ પાસે, રાજકોટ ખાતેથી મેળી શકશે તેમ યાદીના અંતમાં જણાવાયું છે.(૩૭.૧૮)

(3:27 pm IST)