રાજકોટ
News of Friday, 11th September 2020

સમરસ હોસ્ટેલના ૮ બ્લોકમાં ૨૦૦૦ બેડની કોવિડ હોસ્પિટલ બની શકે તેવી સુવિધા

શહેર-જીલ્લાના લોકોને કોરોનાથી બચાવવા રાજ્ય સરકારનું આગોતરૂ આયોજન : ૫૧૨ બેડ પર સેન્ટ્રલી ઓકિસજનની સુવિધા આપવાની નેમઃ ૨૩૨ બેડનું કાર્ય પુર્ણ

રાજકોટ તા.૧૧ : રાજકોટ શહેર જિલ્લાના નાગરિકોને કોરોનાની વૈશ્વિક મહામારીથી બચાવવા અને સંક્રમિત નાગરિકોને આધુનિક સારવાર અર્થે રાજય સરકારના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોવિડ ૧૯ની સારવાર માટે ભવિષ્યની જરૂરિયાતને ધ્યાને લઇ આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટમાં PDU હોસ્પિટલની ૫૬૩ બેડની અદ્યતન સુવિધા બાદ હવે જયાં કોરોનાના લક્ષણો વિનાના દર્દીઓને દેખરેખ રાખવામાં આવતી હતી તે સમરસ હોસ્ટેલના આઠ બ્લોકમાં હાલની ૧,૦૦૦ બેડની વ્યવસ્થા બાદ જરૂર પડયે વધુ ૧૦૦૦ બેડની અદ્યતન ડેડીકેટેડ કોવીડ હોસ્પિટલ સુસજજ  થઈ શકે તેવી સુવિધા છે.દરદીઓની સારવારની ગુણવત્તા ઉચ્ચતમ  કરવા માળખાકીય કામગીરી યુદ્ઘના ધોરણે   આરંભવામાં  કરવામાં આવી છે.

સમરસ હોસ્ટેલ ખાતે આવશ્યક સેવાઓ તેમજ મેઇન્ટેન્સ-સિવિલ સંબંધી કામગીરી રાજકોટ શહેર માર્ગ-મકાન વિભાગ દ્વારા સુપેરે પાર પાડવામાં આવી રહી છે.  

રાજકોટના કાર્યપાલક ઈજનેરશ્રી એન.કે કામદારે જણાવ્યું હતું કે સમરસ ખાતે પાણી, વિવિધ લાઇનોનુ ફીટીંગ  અને બિલ્ડીંગ સંબંધિત કામગીરી માટે ટીમો બનાવીને જરૂરિયાત મુજબ દરેક સેવાઓ કાર્યરત કરવામાં આવી રહી છે. નાયબ કાર્યપાલક ઇજનેર શ્રીમતી રાજેશ્વરીબેન નાયર, આસિસ્ટન્ટ એન્જિનિયર શ્રી પારસ કોઠીયા એ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે સમરસમાં  ગર્લ્સ હોસ્ટેલ વિભાગમાં ગ્રાઉન્ડ ફલોર સાથે ૯ માળના બે બ્લોકમાં  સેન્ટ્રલી ઓકિસજન માટે ઇન્સ્ટોલેશન કામગીરી ચાલુ છે. કુલ ૫૧૨ બેડમાં આ સુવિધા ઊભી કરવાની નેમ સાથે ૨૩૨ બેડમાં તો આ કામ પૂર્ણ થઇ ગયું છે. દર્દીઓની સારવાર પણ શરૂ થઈ ગઈ છે.

દર્દી અને તેના સગા માટે કોમ્યુનિકેશન તેમજ દરેક માળની જરૂરિયાતની માહિતીની આપ-લે માટે  મોબાઈલ અપાયા છે . આ મોબાઈલ કંટ્રોલ રૂમમાં  અને  દરેક ફલોર પર એક એક મોબાઇલ  ફલોર મેનેજર હસ્તક રહેશે. દરેક નવા દર્દીને એક  વેલકમ કીટ આપવામાં આવી રહી છે. જેમાં ન્હાવા ધોવાના સાબુ, નેપકીન, ટુવાલ, ટુથપેસ્ટ, બ્રશ સહિત છ વસ્તુની કિટ  છે.

કોરોનાની અદ્યતન સારવાર માટે પૂરતા મેડિકલ ઇકિવપમેન્ટ, સમર્પિત તબીબો પેરામેડિકલ સ્ટાફ,દર્દીઓની પરિવારની જેમ સારસંભાળ સહિતની વ્યવસ્થાઓનુ કાર્ય રાજય સરકારની દરદીઓ પ્રત્યેની સંવેદના અને પ્રજા વત્સલતાનું દ્યોતક છે.

(2:48 pm IST)