રાજકોટ
News of Wednesday, 11th September 2019

કાલે જિલ્લા પંચાયતની સામાન્ય સભા 'સામાન્ય' બની રહેશે!

મુખ્યમંત્રી રાજકોટ હોવાથી બાગીઓએ ગાંધીનગર જવાનું માંડી વાળ્યું: અવિશ્વાસ દરખાસ્તનો : મામલો હજુ જામતો નથીઃ કોંગીના નિશાન પર ચૂંટાયેલા બધા સભ્યોને વ્હીપ અપાશે

રાજકોટ, તા. ૧૧ :. જિલ્લા પંચાયતની સામાન્ય સભા આવતીકાલે સવારે ૧૧.૩૦ વાગ્યે પંચાયતના સભાખંડમાં પ્રમુખ શ્રીમતી અલ્પાબેન અર્જુનભાઈ ખાટરિયાની અધ્યક્ષતામાં મળનાર છે. થોડા દિવસ પહેલા બાગીઓએ રાજકીય ધોકો પછાડવાનો પ્રયાસ કરેલ પરંતુ તેમા હજુ ખાસ સફળતા જણાતી નથી. આજે બાગી જુથ ગાંધીનગર મુખ્યમંત્રીને મળવા જનાર હતુ. મુખ્યમંત્રી ખુદ આજે રાજકોટ આવ્યા હોવાથી ગાંધીનગર જવાનું માંડી વાળ્યુ છે. કેટલાક સભ્યો રાજકોટમાં તેમને મળે તેવી શકયતા છે. કાલની સામાન્ય સભા સામાન્ય રીતે જ પુરી થઈ જાય તેવા અત્યારના સંજોગો છે.

દર ૩ મહિને સામાન્ય સભા બોલાવવાની પ્રણાલીકા મુજબ આવતીકાલે પ્રમુખે સભા બોલાવી છે. જેમાં ૪ સભ્યોએ ૧૪ પ્રશ્નો પૂછયા છે. કેટલાક મુદ્દાઓ પર વહીવટી તંત્રને ભીંસમાં લેવા અમુક સભ્યો વિચારી રહ્યા છે. તંત્ર ચૂંટાયેલા સભ્યોને ગાંઠતુ નથી તેવી ફરીયાદ ગાંધીનગર સુધી પહોંચી છે. કાલની સામાન્ય સભામાં આ બાબતનો પડઘો પડે તેવી સંભાવના છે. ૧૪ પ્રશ્નોની ચર્ચા બાદ તૂર્ત સામાન્ય સભા પૂર્ણ થઈ જશે.

કોંગ્રેસે પૂર્વ સાવચેતીના પગલા રૂપે ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના તમામ બાગી સભ્યોને વ્હીપ આપવાનું નક્કી કર્યુ છે. બાગીઓ કાલે સામાન્ય સભામાં આવશે કે નહિ ? અથવા આવે તો શું વલણ લેશે ? તે જાહેર કર્યુ નથી. એકંદરે કોઈ અણધાર્યા સંજોગો ન થાય તો કાલની સામાન્ય સભા સામાન્ય જ બની રહેશે. પ્રમુખ-ઉપપ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્તની વાત લાંબા સમયથી ચાલે છે પરંતુ હજુ કોઈ નક્કર કાર્યવાહી દેખાતી નથી.

(3:47 pm IST)