રાજકોટ
News of Tuesday, 11th September 2018

ગોંડલ પાસે ગોડાઉનમાંથી બારોબાર જીરૂ વેચી નાખી કરોડોની ઠગાઈ

સ્ટાર એગ્રી વેરહાઉસીંગ એન્ડ કોલેટરોલ મેનેજમેન્ટ પ્રા.લી.ના મેનેજર સુદેશ શર્માએ કલ્પેશ વઘાસીયા (જસદણ), પ્રવિણ પંચાલ (સુરત), ભાવિન ગોસાઈ (રાજકોટ), રૂષિત દેસાઈ તથા ભુપત દેસાઈ (સુરત) સામે પોલીસમાં ફરીયાદ કરીઃ બેંક અને કંપની સામે છેતરપીંડી અંગે એલસીબી દ્વારા તપાસનો ધમધમાટ : કલ્પેશ અને પ્રવીણે ગોડાઉન ભાડે રાખી બેંકમાંથી ૨.૪૯ કરોડની લોન લીધી'તીઃ ત્યાર બાદ સ્ટાર એગ્રોના સુપરવાઈઝર સાથે સાંઠગાંઠ કરી જીરૂની ગુણીઓમાં ભુસ્સો મીકસ કરી સારા જીરૂ હોવાનો ખોટો રીપોર્ટ બનાવી બેંકમાંથી લોન લીધી'તી બાદમાં ગોડાઉનમાંથી ૩૮.૪૦ લાખનું જીરૂ બારોબાર વેચી નાખ્યું

રાજકોટ, તા. ૧૧ :. ગોંડલ નજીક જામવાડી જીઆઈડીસીમાં આવેલ ગોડાઉનમાંથી ૫ શખ્સોએ બારોબાર જીરૂનો જથ્થો વેચી નાખી ૧.૩૯ કરોડની છેતરપીંડી કરતા ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ થઈ છે. કરોડોની આ છેતરપીંડીના બનાવ અંગે રૂરલ એલસીબીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ સ્ટાર એગ્રી વેરહાઉસીંગ એન્ડ કોલેટરોલ મેનેજમેન્ટ પ્રા.લી.ના એરીયા મેનેજર સુદેશ રમેશભાઈ શર્મા રે. રાજકોટએ આરોપી કલ્પેશ જયંતીભાઈ વઘાસીયા રે. જસદણ, પ્રવિણ દલસુખભાઈ પંચાલ રહે. સુરત, ભાવિન કૈલાશપરી ગોસાઈ રહે. રાજકોટ, રૂષિત ભૂપતભાઈ દેસાઈ તથા ભૂપત કેસાભાઈ દેસાઈ રહે. બન્ને સુરત સામે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદના જણાવ્યા મુજબ આરોપીઓએ અગાઉથી જ ગુન્હાહીત કાવતરૂ કરી બેંકમાંથી લોન મેળવી તે રૂપિયા પચાવી પાડવાના ઈરાદે આરોપી નં. ૧ તથા ૨નાએ અલગ અલગ ખેડૂતોના નામે ગોંડલ તાલુકાના જામવાડી જીઆઈડીસી ખાતેના જયંતીભાઈ ગોવિંદભાઈ સાટોડીયાના ગોડાઉનમાં જીરૂની ગુણીઓ સ્ટોર કરવા માટે ભાડે રાખેલ અને આ ગોડાઉનમાં જીરૂ સ્ટોર કરવા માટે એકસીસ બેંક જસદણ તથા એકસીસ બેંક ગોંડલમાંથી ૨.૪૯ કરોડની લોન લીધી હતી. આ લોન મળ્યા બાદ આરોપી નં. ૧ તથા ૨ દ્વારા ફરીયાદીની કંપનીના સુપરવાઈઝર કે જે આરોપી નં. ૩ છે તેની સાથે સાંઠગાંઠ કરી ગોડાઉનમાં સારૂ જીરૂની ગુણીઓ રાખવાના બદલે તેમા ભુસ્સો મીકસ કરી જીરૂની ગુણીઓ રાખી બેંક તથા સ્ટાર એગ્રો કંપની સાથે રૂ. ૧.૩૯ કરોડની છેતરપીંડી કરી હતી. ગોડાઉનમાં સ્ટોર કરવામાં આવેલ તમામ જીરૂ સારી કવોલીટીનું છે તેવી સાબિત કરવા સ્ટાર એગ્રો કંપનીના કર્મચારી આરોપી નં. ૩ પોતે સ્ટાર એગ્રો કંપનીના કર્મચારી હોય અને ગોડાઉનમાં રહેલ જીરૂની જવાબદારી તેની હોય તેવુ જાણવા છતા કંપની સાથે વિશ્વાસઘાત કરી સારા જીરૂના સેમ્પલ આપી ગોંડલની લેબમાં ટેસ્ટીંગ કરાવી ખોટા સીઆઈએસ રીપોર્ટ તૈયાર કરી આ રીપોર્ટ ખોટા હોવાનું જાણવા છતા તે રીપોર્ટ મુંબઈ ખાતે આવેલ હેડ ઓફિસે મોકલી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો અને સ્ટોક રીસીપ્ટ બનાવી લોનની રકમ આરોપી નં. ૧ તથા ૨નાઓને મેળવવામાં મદદ કરેલ અને બાદમાં ગોડાઉનનું ભાડુ આરોપી નં. ૧ દ્વારા નહી ચુકવાતા ગોડાઉન માલિકે તાળુ મારી દીધેલ. જેથી તેમા રાખેલ સારો માલ કાઢી લેવા માટે આરોપી નં. ૧ નાએ તેના માણસો દ્વારા ગોડાઉનના તાળા તોડાવી ગેરકાયદેસર પ્રવેશ કરી ૪૦૦ ગુણી જીરૂ કિંમત રૂ. ૩૮.૪૦ લાખની ચોરી કરાવી બારોબારી વેચી નાખેલ અને આ કામમાં આરોપી નં. ૪ તથા ૫નાએ જીરૂ વેચવામાં મદદગારી કરી ગુન્હો કર્યો હતો.

આ ફરીયાદ અન્વયે તાલુકા પોલીસે આઈપીસી ૪૦૬, ૪૨૦, ૪૦૯, ૪૫૪, ૪૫૭, ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૩૮૦ તથા ૧૨૦-બી મુજબ ગુન્હો દાખલ કર્યો હતો. આ કરોડોની ઠગાઈ અને ચોરીના બનાવની તપાસ રૂરલ એલસીબીના ઈન્ચાર્જ પી.આઈ. જે.એમ. ચાવડા કરી રહ્યા છે.

(3:52 pm IST)