રાજકોટ
News of Tuesday, 11th September 2018

ભારતીનગરમાં જીજ્ઞેશ રાઠોડને ધોકાવી અર્ધનગ્ન કરી વિડીયો ઉતારી ફેસબૂક પર પોસ્ટ કરનારા ૧૦ પકડાયા

પારકી પરણેતર હીના વસાણી સાથે સેવા કરારથી રહેતાં યુવાનને હીનાના પતિ સહિતનાએ સમાધાનની વાત કરવા બોલાવી માર માર્યો'તો

રાજકોટ તા.૧૧: સહકાર રોડ પર પર પારકી પરણેતર સાથે સેવાકરારથી રહેતાં લુહાર શખ્સને આ પરિણીતાના પતિ સહિતનાએ ઘરે બોલાવી બેફામ ધોકાવી અર્ધનગ્ન કરી ફેસબૂક પર વિડીયો વાયરલ કર્યાના બનાવમાં  પરિણીતાએ પોતાના જ પતિ-સાસરિયા સામે ફરિયાદ કરી છે. સામે તેણીના પ્રેમી લુહાર શખ્સ સામે તેણીની દિકરીએ જ પોકસો હેઠળ ફરિયાદ નોંધાવતા ચકચાર જાગી હતી. આ અંગેના ગુનામાં ભકિતનગર પોલીસે ૧૦ લોકોની ધરપકડ કરી છે.

 સહકારનગર રોડ પર પીપળીયા હોલ પાસે કૃષ્ણજી સોસાયટીમાં રહેતો જીજ્ઞેશ કિશોરભાઇ રાઠોડ નામનો લુહાર યુવાન ત્રણેક મહિના પહેલા ભારતીનગરની કડીયા પરિણીતા હીના રાજેશ વસાણી (ઉ.૩૭)ને તેણીના માવતર માંડવી (કચ્છ) ખાતેથી ભગાડી લાવ્યો હતો અને હાલમાં બંને સેવાકરારથી સાથે રહેતાં હોઇ આ બાબતના મનદુઃખનું સમાધાન કરવા માટે તા. ૬ના રાત્રે સાડા અગિયારેક વાગ્યે હીના વસાણી અને જીજ્ઞેશને તેના પતિ રાજેશ કનૈયાલાલ વસાણી સહિતનાએ ભારતીનગર-૪માં બોલાવ્યા બાદ રાજેશ સહિત ૧૦ જણાએ ટોળકી રચી હીના વસાણી અને જીજ્ઞેશ રાઠોડ એમ બંનેને ઢીકા-પાટુ-લાકડી-પાઇપથી બેફામ માર મારી ગાળો દઇ પથ્થરમારો કરી જીજ્ઞેશને માથામાં ઇજા પહોંચાડી હતી. તેમજ બે મહિલાએ જીજ્ઞેશને પકડી રાખી એક શખ્સે જીજ્ઞેશનું પેન્ટ ઉતારી નાંખ્યું હતું. તેમજ બાદમાં રોડ પર ચલાવી તેનું મોબાઇલમાં શુટીંગ કરી લીધુ હતું અને બાદમાં ફેસબૂક પર કુલ પાંચ બિભત્સ વિડીયો વહેતા કરી દીધા હતાં અને છેડતીનો કોઇ બનાવ બનેલ ન હોવા છતાં ફેસબૂક પર ખોટી વિગતો-વિડીયો પોસ્ટ કરી દીધા હતાં. આ મામલે વાત પાોલીસ કમિશ્નરશ્રી સુધી પહોંચતા પરિણીતાના પતિ સહિત ૧૦ વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો. હીના અને જીજ્ઞેશ સેવા કરારથી રહેતાં હોઇ અને પુત્રનો કબ્જો હીનાને મળ્યો હોઇ તે બાબતે તેનો પતિ અવાર-નવાર ઝઘડા કરતો હતો. આ બાબતનું સમાધાન કરવા માટે તેને અને હીનાને પતિ રાજેશ સહિતનાએ ઘરે બોલાવી માર માર્યો હતો. જીજ્ઞેશને અર્ધનગ્ન કરી માર મારી રોડ પર ચલાવી વિડીયો ઉતારી પાંચ વિડીયો ફેસબૂક પર પોસ્ટ કરી દીધા હતાં.

ભકિતનગર પોલીસે આઇપીસી ૩૪૨, ૩૨૩, ૫૦૪, ૩૩૭, ૨૯૩, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો હતો. આ ગુનામાં રાજેશ કનૈયાલાલ વસાણી (ઉ.૪૩-રહે. ભારતીનગર-૪), કનૈયાલાલ ઉર્ફ કનુભાઇ ધીરજલાલ વસાણી (ઉ.૬૪),  ભાવનાબેન રાજેશભાઇ હરિભાઇ ચોટલીયા (ઉ.૫૦-રહે. કેવડાવાડી-૨૨/૨૩), ધારા ઉર્ફ ધારકી હિતેષ સોરઠીયા (ઉ.૩૨-રહે. તિરૂપતી સોસાયટી-૭), સોનલ સંદિપ બેલડીયા (ઉ.૨૯-રહે. સંત કબીર રોડ ભગીરથ સોસાયટી-૯), સાગર રાજેશભાઇ ચોટલીયા (ઉ.૩૨-રહે. કેવડાવાડી-૨૨/૨૩), સંદિપ વેલજીભાઇ બેલડીયા (ઉ.૩૨-રહે. ભગીરથ સોસાયટી-૯), ભરત કનૈયાલાલ વસાણી (ઉ.૩૯-રહે. ભારતીનગર-૪), હર્ષ ભરતભાઇ વસાણી (ઉ.૩૯-રહે. ભારતીનગર-૪) તથા પરેશ હરિલાલ લાખાણી (ઉ.૩૨-રહે. કડીયાવાડ-૫ જામનગર)ની ધરપકડ કરી છે.

પી.આઇ. વી. કે. ગઢવી, નિલેષભાઇ મકવાણા સહિતે વધુ તપાસ હાથ ધરી છે.

(3:50 pm IST)