કુવાડવા નજીક 'હિટ એન્ડ રન': શિવનગરના પટેલ પ્રોૈઢ વલ્લભભાઇ ડોબરીયાનો ભોગ લેવાયો
વાંકાનરે ચોકડીની હોટલેથી બાઇકમાં પેટ્રોલ પુરાવવા જતાં'તા ને અજાણ્યો બોલેરોનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયોઃ લેઉવા પટેલ પરિવારમાં અરેરાટી
રાજકોટ તા. ૧૧: કુવાડવા નજીક ભગીરથ પેટ્રોલ પંપ પાસે અજાણ્યો બોલેરો કારનો ચાલક બાઇકને ઠોકરે લઇ ભાગી જતાં બાઇક ચાલક માંડા ડુંગર પાસે શિવનગરમાં રહેતાં પટેલ પ્રોૈઢનું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે. કુવાડવા પોલીસે 'હિટ એન્ડ રન'ના આ બનાવમાં ભાગી ગયેલા બોલેરો ચાલકની શોધખોળ હાથ ધરી છે.જાણવા મળ્યા મુજબ શીવનગર-૨માં રહેતાં વલ્લભભાઇ આંબાભાઇ ડોબરીયા (ઉ.૫૬) નામના લેઉવા પટેલ પ્રોૈઢ સાંજે કુવડવાના ભગીરથ પેટ્રોલ પંપ પાસે બાઇક હંકારીને જતાં હતાં ત્યારે અજાણી બોલેરોનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ૧૦૮ મારફતે તેમને સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. ૧૦૮ના ઇએમટીએ જાણ કરતાં વલ્લભભાઇના પુત્ર સંજયભાઇ ડોબરીયા (ઉ.૩૨) સહિતના પરિવારજનો હોસ્પિટલે દોડી આવ્યા હતાં. કુવાડવાના પીએસઆઇ વી. પી. આહિર, એએસઆઇ ફતેહસિંહ સોલંકી, જેન્તીભાઇ વાવડીયા સહિતના સ્ટાફે હોસ્પિટલે અને ઘટના સ્થળે જઇ જરૂરી કાર્યવાહી કરી હતી. સંજયભાઇની ફરિયાદ પરથી અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. મૃત્યુ પામનારને સંતાનમાં બે પુત્ર છે. પુત્રને કુવાડવામાં વાંકાનેર ચોકડીએ ચાની હોટલ છે. વલ્લભભાઇ ત્યાંથી બાઇકમાં પેટ્રોલ પુરાવવા જવા નીકળ્યા હતાં અને કાળ ભેટી ગયો હતો. મોભીના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. (૧૪.૫)