રાજકોટ
News of Tuesday, 11th September 2018

ચરસના ૪ સોદાગરો ૧૪ દિ' રિમાન્ડ પરઃ પોલીસ જયપુર અને કાશ્મીર સુધી લંબાવશે તપાસનો દોર

જંગલેશ્વરના મહેબૂબ ઠેબા, ઇલ્યાસ સોરા, જાવેદ દલ અને ઇલ્યાસ લોયાની વિસ્તૃત પુછતાછઃ મુળ સુધી પહોંચવા મથામણઃ કાશ્મીરનો યાકુબખાન જુનાગઢ તરફના પટેલબાપુ મારફત જંગલેશ્વરના મહેબૂબને 'માલ' પહોંચાડતો હતોઃ પટેલબાપુ પાસે માદક પદાર્થ આવે એટલે તે 'સામાન આવી ગયો' કહી મહેબૂબને બોલાવી ચરસ આપી દેતોઃ ૨૦૦ થી ૪૦૦ સુધીમાં ચરસની ગોળીઓ વેંચાતીઃ ભકિતનગર પીઆઇ વી. કે. ગઢવી અને ટીમ દ્વારા વિશેષ તપાસનો ધમધમાટ

રાજકોટ, તા. ૧૧: શહેર એસઓજી અને ભકિતનગર પોલીસની ટીમે જંગલેશ્વરમાંથી રૂ. ૮૧,૩૨,૦૦૦ના ૮ કિલો ૧૩૨ ગ્રામ ચરસ સાથે ચાર શખ્સો જંગલેશ્વર-૧૩/૧૯માં રહેતાં મહેબૂબ ઓસમાણભાઇ ઠેબા (ઉ.૩૭), જંગલેશ્વર-૫ના ઇલ્યાસ હારૂનભાઇ સોરા (ઉ.૨૬), જંગલેશ્વર-૧૩/૧૯ના જાવેદ ગુલમહમદ દલ (ઉ.૩૯) અને જંગલેશ્વર-૧૧ના રફિક ઉર્ફ મેમણ હબીબભાઇ લોયા (ઉ.૫૫)ને ઝડપી લેતાં આ ચરસ છેક કાશ્મીરથી યાકુબખાન નામના શખ્સે સપ્લાય કર્યાની વિગતો બહાર આવતાં પોલીસ તપાસનો દોર જયપુર અને કાશ્મીર સુધી લંબાવશે. આ ચારેયના ૧૪ દિવસના રિમાન્ડ મંજુર થયા છે. યાકુબખાને જુનાગઢ તરફના પટેલબાપુ નામના મુસ્લિમ શખ્સ મારફત આ માદક પદાર્થ જંગલેશ્વરના મહેબૂબ સુધી પહોંચાડ્યાની વિગતો પણ બહાર આવતાં પટેલબાપુને પણ દબોચી લેવા દોડધામ શરૂ થઇ છે.

આણંદમાં નાર્કોટીકસ બ્યુરોએ એક શખ્સને ઝડપી લેતાં તેણેે રાજકોટમાં તાજેતરમાં ૩ કિલો ચરસ મોકલ્યુ હોવાની કબુલાત આપી હતી. બ્યુરો પાસે અધકચરા નામો અને મોબાઇલ ફોનના નંબર આવ્યા હોઇ તેના આધારે  નાર્કોટીકસ બ્યુરોના અમદાવાદ યુનિટના સુપ્રીટેન્ડન્ટ હરીઓમ ગાંધીએ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને જોઈન્ટ પોલીસ કમિશ્નર સિદ્ધાર્થ ખત્રીને માહિતી આપતાંડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઈમ  શ્રી જયદીપસિંહ સરવૈયા અને મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી બી.બી. રાઠોડ દ્વારા આ બાતમી સંદર્ભે સફળતા કેવી રીતે મેળવવી ? તે વિશે એક પ્લાન ઘડી કાઢવામાં આવ્યો હતો. આ પ્લાન અંતર્ગત એસઓજી પી.આઇ. એસ. અને. ગડુ તથા તેમની ટુકડી, ક્રાઈમ બ્રાંચના પીઆઈ હિતેશદાન ગઢવી અને ભકિતનગર પોલીસ ઈન્સ્પેકટર વી. કે. ગઢવી સહિતની ટીમે મોબાઇલ લોકેશનને આધારે જંગલેશ્વરમાં સર્ચ કર્યુ હતું અને સફળતા મળી હતી.

પોલીસે મહેબુબ ઓસમાણ ઠેબા, તેના સાગ્રીત ઈલિયાસ હારૂનભાઈ સોરા, મહેબૂબના ઉપરના મકાનમાં રહેતાં તેના બનેવી તેમજ મહેબૂબના મિત્ર રફીક ઉર્ફે મેમણને કુલ ૮ કિલો ૧૩૨ ગ્રામ ચરસ (૮૧ લાખ ૩૨ હજાર) ઉપરાંત ૭,૭૦૦ રોકડા અને ૩ મોબાઈલ ફોન સાથે પકડી લીધા હતાં.

ઝડપાયેલા ચારેય શખ્સો સામે એનડીપીએસ એકટની કલમ ૮ (સી), ૨૦-બી (ાંાં) સી તથા ૨૯ મુજબનો ગુન્હો ભકિતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાતાં ચારેય આરોપીઓનો કબ્જો સંભાળી પી.આઇ. વી. કે. ગઢવી અને ટીમે આગળની તપાસ શરૂ કરી ૧૪ દિવસની રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતાં ચારેયના ૧૪ દિવસના રિમાન્ડ મંજુર થયા છે.

પોલીસની પ્રાથમિક પુછતાછમાં મહેબૂબે એવી કબુલાત આપી હતી કે પોતે ચરસ પીવાનો બંધાણી હોઇ બાદમાં ધીમે-ધીમે પોતે જ આ પદાર્થ મંગાવતો થઇ ગયો હતો. અજમેર નજીક એક દરગારહના મુંજાવર થકી તેની ઓળખ કાશ્મીરના યાકુબ ખાન સાથે થઇ હતી. યાકુબે પોતે ચરસ પુરૂ પાડશે તેવી વાત કરતાં બંને વચ્ચે ડીલીંગ શરૂ થયું હતું અને બે મહિનામાં જ સાત-આઠ કિલો જેટલુ ચરસ તેણે સપ્લાય કર્યુ હતું. મહેબૂબને આ ચરસનો જથ્થો યાકુબનો રોટલીયો (ફન્ટર) જુનાગઢ તરફનો પટેલબાપુ તરીકે ઓળખાતો મુસ્લિમ શખ્સ આપી જતો હતો. પટેલબાપુ ગ્રીનલેન્ડ ચોકડી કે બીજા કોઇપણ સ્થળે પહોંચીને મહેબૂબને 'સામાન આવી ગયો છે' તેવું કોડવર્ડથી જણાવતો હતો અને પોતે કેવા કપડા પહેર્યા છે તેની માહિતી પણ આપતો હતો. તેના આધારે મહેબૂબ તેનો સંપર્ક કરતો હતો અને ચરસની ડિલીવરી મેળવી લેતો હતો.

મહેબૂબ અને તેના સાગ્રીતો આ ચરસની ગોળીઓ બનાવીને છુટક-છુટક તથા અમુક તમુક બંધાણીઓને સપ્લાય કરતાં હતાં. ગ્રાહક એવા ભાવ મુજબ ૨૦૦ થી માંડી ૪૦૦ સુધી ગોળી વેંચવામાં આવતી હોવાનું કહેવાય છે. ચારેય પાસેથી વિસ્તૃત વિગતો ઓકાવવા અને સમગ્ર નેટવર્કને ભેદવા પોલીસ જયપુર, કાશ્મીર તરફ તપાસ લંબાવે તેવી શકયતા છે.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, મનોહરસિંહ જાડેજા, એસીપી જયદિપસિંહ સરવૈયા, એસીપી બી. બી.રાઠોડની રાહબરીમાં પી.આઇ. વી. કે. ગઢવી, પીએસઆઇ પી.એમ. ધાખડા, નિલેષભાઇ મકવાણા, હેડકોન્સ. પ્રકાશભાઇ વાંક, મહેન્દ્રસિંહ ડોડીયા, ભાવેશભાઇ મકવાણા, વિક્રમભાઇ ગમારા, દેવાભાઇ ધરજીયા, વાલજીભાઇ જાડા, રાજેશભાઇ ગઢવી, હિતેષભાઇ અગ્રાવત સહિતની ટીમ વિશેષ તપાસ કરે છે. (૧૪.૬)

 

(11:45 am IST)