રાજકોટ
News of Saturday, 11th August 2018

કોંગ્રેસીઓ કૌભાંડ ચૂકતા જ નથી, વાઘજીભાઇએ કયારેય ફરીયાદ કેમ ન ઉઠાવી ? : ચેતન રામાણી

રાજકોટ, તા. ૧૧ :  ત્રણ-ત્રણ વાર કોંગ્રેસમાંથી ધારાસભાની ચૂંટણી લડનાર વાઘજીભાઇ બોડા કોંગ્રેસી નથી તો પ્રદેશ કોંગ્રેસના ડેલીગ્રેટ તેમજ ટંકારા તાલુકા કોંગ્રેસના કારોબારી સંમેલનનને સંબોધનાર વાઘજીભાઇ બોડાનું કોંગ્રેસએ શા માટે રાજીનામું લીધું ? મગફળી કાંડના ભ્રષ્ટાચારમાં મોટાભાગના કોંગ્રેસીઓજ સામેલ છે. પરેશભાઇ ધાનાણી ખોટા આક્ષેપો કરી ભાજપ સરકારને બદનામ કરે છે. તેમ કૃષિ-ગ્રામિણ વિકાસ બેંકના ડીરેકટર ચેતન રામાણીએ જણાવ્યું છે.

સહકારી ક્ષેત્રના અગ્રણી ચેતન રામાણીએ મગફળી ભ્રષ્ટાચારના મામલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે યુ.પી.એ. ના ૧૦ વર્ષના શાસનમાં તમામ ક્ષેત્રે ભ્રષ્ટાચાર કરનાર કોંગ્રેસીઓ કયારેય કૌભાંડો કરવાનું વિસરતા નથી.

ભારત સરકાર દ્વારા દેશના ખેડૂતોને ખેત ઉત્પાદનના પુરા ભાવ મળે તેના માટે કેન્દ્રની ભાજપ સરકારે રપ હજાર કરોડ રૂપિયાનું ફંડ કેન્દ્ર સરકારની નોડલ એજન્સી તરીકે નાફેડને સોપેલ છે. તેના ભાગ રૂપે ગુજરાતને કેન્દ્ર સરકાર સૌથી વધુ નેશનલ એગ્રીકલ્ચર ફેડરેશન (નાફેડ) રૂપિયા ૪૦૦૦ કરોડ મગફળી ખરીદવા પેટે આપેલ છે. તેવા સંજોગોમાં કેન્દ્ર સરકારની નોડલ એજન્સી તરીકે નાફેડ કોઇપણ સંજોગોમાં પોતાની જવાબદારીમાંથી નીકળી શકે નહિ. કેન્દ્ર સરકારે જયારે નોડેલ એજન્સી તરીકે નાફેડને કામ સોપીયુ ત્યારે ખરીદીમાં ભ્રષ્ટાચાર, ભેળસેળ, નબળી ગુણવતા, ગોડાઉન પર સી.સી.ટીવી. છે કે નહિ ? ગોડાઉન પર સિકયોરીટી ? તેમજ ગોડાઉનમાં પડેલ માલ સંપૂર્ણ સલામત છે કે નહિ તે કેમ સઘળી બાબતો ચકાસવાની જવાબદારી નાફેડની છે.

નાફેડના ચેરમેન વાઘજીભાઇ બોડાએ કયારેય રાજય કે કેન્દ્ર સરકારને મગફળી ખરીદી બાબતમાં ગોલમાલ, ભેળસેળ કે નબળી ગુણવતા વાળી મગફળીની ફરીયાદો કેન્દ્ર કે રાજય સરકારને કરેલ છે ? અને નાફેડને આવી શંકા હોય તો શા માટે રાજય કેન્દ્ર કે અન્ય કોઇ એજન્સીને જાણ કરેલ નથી. તેવા સવાલો અંતમાં ચેતન રામાણી (મો. ૯૪ર૭ર ૦૭૦૭૯)એ ઉઠાવ્યા છે. (૧૭.૪)

(4:20 pm IST)