રાજકોટ
News of Saturday, 11th August 2018

ગુજરાતની ચિકિત્સા સૌથી શ્રેષ્ઠ : ડો. આરતી પરિમલ

આયુર્વેદ અભ્યાસાર્થે દેશ વિદેશ ઘુમી વળેલા બરોડાના આયુર્વેદ નિષ્ણાંતનો રાજકોટમાં યોજાય ગયેલ સેમીનાર : બાળકોની તંદુરસ્તી માટે શું કાળજી રાખવી તે અંગે આત્મિય કોલેજમાં માગ્ર્દર્શન

રાજકોટ તા. ૧૧ : 'મે દેશ વિદેશની અનેક ચિકિત્સા પધ્ધતીઓનો અભ્યાસ કર્યો છે તેમા સૌથી શ્રેષ્ઠ ગુજરાતી ચિકિત્સા પધ્ધતિ જણાય આવી છે.' તેમ બરોડથી આજે ખાસ રાજકોટ આત્મિય કોલેજમાં સેમીનાર લેવા આવેલ આયુર્વેદ નિષ્ણાંત ડો. આરતી પરિમલે જણાવ્યુ હતુ.

તેઓએ જણાવેલ કે અહીં આર્ટ ઓફ મધર હુડ વિષય પર મારો સેમીનાર હતો. જેમાં બાળકની તંદુરસ્તી માટે માતાએ શું કાળજી રાખવી જોઇએ તેના વિષે માર્ગદર્શન  અપાયુ. ખાસ કરીને બાળકોની દીનચર્યામાં શું ધ્યાન આપવુ જોઇએ તેની સલાહ અપાઇ હતી. પેકેજડ ફુડના સ્થાને માતા ભાવથી ઘરે બનાવેલ ભોજન પીરસતી થશે તો બાળકમાં ચિડીયાપણાની જે ફરીયાદ રહે છે તે કયારેય નહીં રહે તેમ આરતીબેને જણાવ્યુ હતુ.

અહીં ઉલ્લેખનીય છે કે ડો. આરતી પરિમલ આયુર્વેદના ઉંડા અભ્યાસુ છે. આ માટે તેઓ દેશ વિદેશના અનેક સ્થળો ઘુમી વળ્યા છે. હાલમાં જ તેઓ તિબેટના ટ્રાન્સ હિમાલય ગણાતા સ્પીતીના હંસા ગામે આવા જ એક અભ્યાસ અર્થે ગયા હતા. જયાં તેમણે તીબેટની ચિકિત્સા પધ્ધતીઓ અને વનસ્પતિ આધારીત મેડીસીન પર સંશોધન કાર્ય હાથ ધર્યુ હતુ. કોઇ રોગ થવાનો હોય તો છ મહીના પૂર્વેજ ખ્યાલ આવી જાય તેવી ચિકિત્સા પધ્ધતી તીબેટીયનોએ શોધી કાઢી હોવાનું ડો. આરતીબેને જણાવ્યુ હતુ.

તેઓ કહે છે કે દેશના સાઉથમાં પંચકર્મ વગેરે પધ્ધતીઓ અપનાવવામાં આવે છે. આપણે ત્યાં એટલે કે ગુજરાતમાં આયુર્વેદની સારી અસર છે. આપણા આયુર્વેદને આત્મસાત કરવા મેં ૧૯૩ મા પરીક્ષાઓ પાસ કરી અને છેલ્લા પચીસેક વર્ષથી આ ક્ષેત્રના સંશોધનોનો અભ્યાસ કરી રહી છે. ડેંગ્યુ જેવા રોગોના ઇલાજ માટે પણ આપણુ આયર્વેદ સક્ષમ હોવાનું તેમણે જણાવ્યુ હતુ.

આ મુલાકાત સમયે નિવૃત્ત આર્મીમેન વિનાયકભાઇ ભટ્ટ પણ સાથે રહ્યા હતા.

તસ્વીરમાં આયુર્વેદ વિષે છણાવટ કરતા ડો. આરતીબેન પરિમલ (મો.૯૮૨૫૦ ૨૧૨૫૮) નજરે પડે છે. (૧૬.૫)

(4:08 pm IST)