રાજકોટ
News of Saturday, 11th August 2018

મહાત્મા ગાંધી અનુભૂતી કેન્દ્રનું સંચાલન ખાનગી કંપનીને સોંપી દેવાશે

લેસર-શો-લાઇબ્રેરી-બુક શોપ-કીડઝ ઝોન-ફુડ કોર્ટ સહિતની સુવિધા ઉપલબ્ધ બનાવાશેઃ ૧૬ કરોડનાં ખર્ચ ઉપરાંત વધુ ૧૦ કરોડ માંગવામાં આવ્યા : આવતા મહિને મ્યુઝિયમ લોકાર્પણ માટે તૈયાર થઇ જશે

રાજકોટ તા. ૧૧ :.. મ્યુ. કોર્પોરેશન દ્વારા આલ્ફ્રેડ હાઇસ્કુલ ખાતે આંતર રાષ્ટ્રીય કક્ષાનું મહાત્મા ગાંધી મ્યુઝીયમ  (અનુભૂતી કેન્દ્ર) નું નિર્માણ થઇ રહયું છે જે પૂ. બાપુની ૧પર મી જન્મ જયંતિ પ્રસંગની સમગ્ર દેશને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભેટ મળે અને રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસનું ઐતિહાસીક સ્થળ બની રહે.

તે પ્રકારનું બનાવવા માટે મ્યુ. કમિશનર બંછાનીધી પાની અને શાસક પક્ષ ભાજપનાં પદાધિકારીઓ દ્વારા કમ્મર કસવામાં આવી છે અને તેનું સંચાલન ખાનગી કંપનીને સુપ્રત કરાશે.

દરમિયાન સુત્રોનાં જણાવ્યા મુજબ ૧૬ કરોડનાં ખર્ચે સમગ્ર આલ્ફ્રેડ હાઇસ્કુલનું રીનોવેશન કરાઇ રહ્યુ છે. ઉપરાંત વધુ ૧૦ કરોડની ગ્રાન્ટ માંગવામાં આવી છે.

જેમાંથી લેસર-શો, લાયબ્રેરી, બુક-શોપ, કીડસ ઝોન, ફુડ કોર્ટ, સહિતની આંતર રાષ્ટ્રીય કક્ષાની સુવિધા ઉપલબ્ધ બનાવાશે.

આ તમામ સુવિધા સાથેનું એક અનોખુ આજે દેશભરમાં કયાંય નહી હોય તે પ્રકારનું આ 'મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્ર' બનશે અને તેનું સંચાલન અને જાળવણી પણ આંતર રાષ્ટ્રીય સ્તર મુજબ થાય તે માટે હોટલ મેનેજમેન્ટનો બહોળો અનુભવ ધરાવતી ખાનગી કંપનીને સુપ્રત કરવા વિચારાઇ રહ્યુ છે. જેમાં સમગ્ર મ્યુઝિયમની સફાઇ ત્થા  જાળવણી, ટીકીટ, લેસર-શો, મ્યુઝીયમની વેબ સાઇટ તમામનું સંચાલન કોન્ટ્રાકટર એજન્સી કરશે.

આમ હવે આ આંતર રાષ્ટ્રીય કક્ષાનું ગાંધી મ્યુઝિયમ તૈયાર થવામાં જ છે. અને આવતા મહીને એટલે કે સપ્ટેમ્બરનાં બીજા અઠવાડીયામાં આ મ્યુઝિયમ લોકાર્પણ માટે તૈયાર થઇ જશે તેમ જાણવા મળ્યું છે. (પ-ર૩)

(4:03 pm IST)