રાજકોટ
News of Saturday, 11th August 2018

ઓસ્ટ્રેલીયાની યુનીરેક દ્વારા યુનિવર્સિટીનું રેકીંગઃ જીટીયુને ૧૬મો ક્રમાંક પ્રાપ્ત

રાજકોટ, તા., ૧૧: ઓસ્ટ્રેલીયા સ્થિત યુનીરેક નામની આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા દેશભરની યુનિવર્સિટીઓનું ગ્લોબલ અને નેશનલ રેન્કીંગ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ૧૬ મો ક્રમાંક પ્રાપ્ત કરી ટોચની ર૦ યુનિવર્સિટીઓમાં સ્થાન અંકીત કરનાર જીટીયુ ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી છે. યુનિવર્સિટી રેન્ક સંસ્થાએ વિશ્વના વિવિધ દેશોની ૧૩,૬૦૦ જેટલી યુનિવર્સિટીઓને ગ્લોબલ રેન્કીંગ આપ્યું છે. ૧૬મો ક્રમાંક પ્રાપ્ત કરી જીટીયુ આઇઆઇટી, આઇઆઇએસસી, યુનિવર્સિટી ઓફ દિલ્હી વગેરેની હરોળમાં પ્રસ્થાપીત થઇ છે. જવલંત સિધ્ધી બાબતે જીટીયુના વાઇસ ચાન્સેલર ડો.નવીનભાઇ શેઠે જણાવેલ કે વ્યાપાર ક્ષેત્ર સાથે હવે શિક્ષણ ક્ષેત્રે પણ અગ્રતા પ્રાપ્ત કરી ગુજરાતને મોડેલ સ્ટેટ બનાવવાનું ભારતીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું સ્વપ્ન સાર્થક થયું છે.

જણાવેલ કે  ઉપરોકત સિધ્ધી જીટીયુ સંલગ્ન ૪૬૦ કોલેજો, પ્રાધ્યાપકગણ, કર્મચારીગણ, વિદ્યાર્થીગણ અને યુનિવર્સિટી સૌના સહીયારા ભગીરથનું પરીણામ છે અને સમગ્ર રાજય માટે ગૌરવપ્રદ છે.

ડો.નવીનભાઇ શેઠે જીટીયુ સંલગ્ન તમામ કોલેજો, પ્રાધ્યાપક ગણ, કર્મચારીગણ અને વિદ્યાર્થીગણને અભિનંદન તથા આભારની લાગણી સાથે જીટીયુને ટોચની ૧૦ યુનિવર્સિટીઓમાં સ્થાન પ્રાપ્ત કરવા અવિરત પુરૂષાર્થનું આહવાન અને જીટીયુ તરફી તમામ સાથ-સહકારની ખાતરી આપી છે. (૪.૧૪)

 

(3:56 pm IST)