રાજકોટ
News of Saturday, 11th August 2018

શાળાના પરિસરમાં ૨૯ જગ્યાએથી મચ્છરના પોરા દેખાયાઃ ૧૦ હજારનો દંડ

રાજકોટ : શહેરમાં માખી - મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે. જેનાં કારણે તાવ-શરદી-ઉધરસનો રોગચાળો વકર્યો છે. ત્યારે મ્યુ. કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળો કાબુમાં લેવા માટે દવા છંટકાવ - મચ્છર ઉત્પતીનાં ચેકીંગની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે.દરમિયાન ગઇકાલે એક ૪ વર્ષનાં બાળકનું ડેંગ્યુંના કારણે મોત નિપજતાં તંત્રવાહકોએ આ બાળક જે શાળામાં ભણતો હતો તે શાળામાં ચેકીંગ હાથ ધરતાં આ શાળામાં ૨૯ જગ્યાએથી મચ્છરોનાં ઉપદ્રવ જોવા મળતા રૂ.૧૦ અજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ અંગે કોર્પોરેશનનાં નાયબ આરોગ્ય અધિકારીની સત્તાવાર યાદીમાં જણાવાયા મુજબ શહેર ડેન્ગ્યુ રોગ માટે સંવેદનશીલ છે. ડેન્ગ્યુ ફેલાવતા મચ્છર ચોખ્ખા અને સ્થિરપાણીમાં ઉત્પન્ન થાય છે. મચ્છર ઉત્૫તિ અટકાયત માટે હાલ જે ઝુબેશ શરૂ કરવામાં આવેલ છે. મેલેરિયા શાખા દ્વારા શહેરના વિવિધ સ્થળોએ રોગચાળો અટકાવવા મચ્છર ઉત્પતિના ચેકીંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત આજે સવારે રાજકુમાર કોલેજમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. આ ચેકીંગ દરમિયાન કેમ્પસનાં પક્ષીકુંજ, છોડનાં કુંડા, નાળીયેરની કાચલી સહિતનાં ૨૯ જગ્યાએથી મચ્છરનાં પોરા જોવા મળ્યા હતા.મચ્છર ઉત્પતિ સબબ રૂ.૧૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.(૧.૨૧)

 

(3:55 pm IST)