રાજકોટ
News of Saturday, 11th August 2018

શિવોહમ.. શિવોહમ.. કાલથી પવિત્ર શ્રાવણ માસ શરૂ

ત્રિદલમ ત્રિગુણાકારમ્ ત્રિનેત્ર ચ ત્ર્યાગયુધ્ધમ્ ત્રિજન્મપાપ સંહારમ્ એક બિલ્વમ શિવાર્પણમઃ વ્રત, જપ, તપનો મહીમા થશે ઉજાગર : મહાદેવજીને રીજજવવા ઠેરઠેર શિવપુજા, અભિષેક, યજ્ઞ, ભજન-સત્સંગના કાર્યક્રમો

રાજકોટ તા. ૧૧ : શિવજીને ભજવા જીવ અધિરો બન્યો છે. કાલથી પવિત્ર શ્રાવણ માસનો થતાની સાથે જ ચોમેર બમ બમ ભોલે, જય ગીરનારીના નાદો ગુંજી ઉઠશે. વ્રત, તપ, જપ, પૂજન અર્ચનનો મહિમા ઉજાગર થશે. શિવાલયોને અનેરા શણગારની તૈયારીઓને આખરી ઓપ અપાય રહ્યો છે.

ભગવાન શિવજીને રીઝવવા ચારે પ્રહરની આરતી ઉપરાંત જલાભિષેક, દુગ્ધાભિષેક, બિલ્વાભિષેક અને રાત્રે ભજન સત્સંગના કાર્યક્રમો ધમધમશે. કોઇ આખા મહીનાના એકટાણા કરશે તો કોઇ શ્રાવણના તમામ સોમવારના એકટાણા કરીને ધન્યતા અનુભવશે.

આ પવિત્ર માસ દરમિયાન લઘુઋદ્રી, મહાઋદ્રી, શિવમહાપુરાણનું વાંચન, શિવમહિમ્નસ્ત્રોત પઠનનો મહિમા વધશે.  દેવાધીદેવને રીજવવા ભાવિકો અધિરા બન્યા છે. ત્યારે શ્રાવણ માસમાં શહેરભરમાં થયેલ વિશેષ આયોજનોની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.

શિવ પરિવાર ગોંડલ રાજકોટ

ભીડભંજન મહાદેવના સાનિધ્યમાં શિવ પરિવાર ગોંડલ રાજકોટ દ્વારા શ્રાવણ માસના ચારેય સોમવારે રાત્રે ૧૦ થી ૧૨ ધુન, ભજન, સંકિર્તન થશે.

રામેશ્વર મહાદેવ રૈયા રોડ

રૈયા રોડ, જીવનનગરમાં આવેલ રામેશ્વર મહાદેવ મંદિરે જાગૃત નાગરીક મંડળ અને મહિલા સત્સંગ મંડળ દ્વારા આખો માસ રૂદ્રાભિષેક, પૂજન, અર્ચન, સત્સંગ અને દરરોજ દિપમાળા સાથે મહાઆરતીના કાર્યક્રમો આયોજીત કરાયા છે.

ચિત્રકુટધામ રામજી મંદિર

ભકિતનગર સર્કલ, ધર્મજીવન સોસાયટી-૪ માં આવેલ ચિત્રકુટધામ રામજી મંદિરે રવિવારથી શરૂ થઇ રહેલ શ્રાવણ માસ દરમિયાન નિત્ય શ્રી રામચરિત માનસ નવાન્હ પારાયણ પાઠ સવારે ૮.૩૦ કલાકે, ષોડષોપચાર પૂજન ૧૦.૩૦ થી ૧૨.૩૦ સુધી થશે. નર્મદેશ્વર મહાદેવજીનું પૂજન અર્ચન અને શણગાર મહાઆરતી થશે

આર્ટ ઓફ લીવીંગ પરિવાર

આર્ટ ઓફ લીવીંગ પરિવાર દ્વારા પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે કાલે રવિવારે સાંજે ૫.૩૦ વાગ્યે વિવેકાનંદ હોલ, સ્વસ્તીક સોસાયટી, આમ્રપાલી એરપોર્ટ ફાટક વચ્ચે મહારૂદ્ર પૂજના રાખેલ છે. જેમાં બેંગ્લોરના પંડીતો પૂજનવિધી કરાવશે.

ગીતા વિદ્યાલય ટ્રસ્ટ

જંકશન પ્લોટ ખાતે આવેલ ગીતા વિદ્યાલય ટ્રસ્ટના ગીતા મંદિરમાં બિરાજતા શ્રી રામેશ્વર મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ માસ નિમિતે બિલ્વપત્ર અભિષેક, ઓમ આકારની ૧૦૮ દીપમાળા આરતી, સત્સંગ ભજન,  સામુહિક રૂદ્રાભિષેક, શિવપુરાણ કથા વાંચન સહીતના કાર્યક્રમો આયોજીત કરાયા છે. સમગ્ર મંદિરેને ધજા, પતાકા, લાઇટીંગ ડેકોરેશનથી સુશોભિત કરાયુ છે. (૧૬.૨)

(4:20 pm IST)