રાજકોટ
News of Friday, 10th August 2018

પી.વી. મોદી ટ્રસ્ટના ચેક ચોરી ૨૧ લાખની ઠગાઇઃ બે ઝડપાયા

શહેરમાં ૧૪ શાળાઓ-શૈક્ષણિક સંસ્થાઓ ચલાવતાં ટ્રસ્ટ સાથે થઇ ઠગાઇઃ અમદાવાદની બેંકના અધિકારીએ એક ચેકની ખરાઇ કરવા પૃછા કરતાં ભોપાળુ સામે આવ્યું : અગાઉ એકાઉન્ટનો કોન્ટ્રાકટ ધરાવતાં કૌશિક કોઠારીના પેટા કર્મચારી તુષાર રોકડે ૫૦ ચેકની બૂક ચોરી મેનેજીંગ ટ્રસ્ટી રશ્મિકાંતભાઇ મોદીની ખોટી સહિઓ કરી ૨૭ ચેક વટાવી લીધાઃ તુષાર રોકડ અને અમદાવાદ રહેતાં મુળ બિહારના શશિકાંતસિંઘની ધરપકડ : તુષારે ઇન્દ્રપ્રસ્થનગરની પી.વી. મોદી સ્કૂલમાંથી ૨૦૧૭માં ચેક બૂક ચોરી લીધી'તીઃ વ્યાજમાં ફસાતાં આવું કર્યાનું રટણઃ રિમાન્ડની તજવીજ

રાજકોટ તા. ૧૦: શહેરમાં જે ટ્રસ્ટ હેઠળ ૧૪ શૈક્ષણિક સંસ્થાઓ ચાલે છે તે પી.વી. મોદી ચેરીટેબલ ટ્રસ્ટના બેંક ઓફ બરોડા જાગનાથ પ્લોટ શાખાના કરન્ટ એકાઉન્ટની ૫૦ પાનાની કોરી ચેકબૂક ચોરી લઇ તેમાંથી ૨૭ ચેકોમાં જુદી-જુદી રકમ ભરી મેનેજીંગ ટ્રસ્ટીની ખોટી સહીઓ કરી ચેકો વટાવી લઇ રૂ. ૨૧,૦૬,૮૬૫ની ઉચાપત-ઠગાઇ કરવામાં આવતાં ચકચાર જાગી છે. માલવીયાનગર પોલીસે આ ટ્રસ્ટના એકાઉન્ટનો કોન્ટ્રાકટ ધરાવનાર વણિક કોન્ટ્રાકટરના પેટા કર્મચારી રાજકોટના પટેલ શખ્સ અને તેને મદદગારી કરનાર અમદાવાદ રહેતાં મુળ બિહારના શખ્સને સકંજામાં લઇ વિશેષ પુછતાછ માટે રિમાન્ડ મેળવવા તજવીજ આદરી છે.

બનાવ અંગે પોલીસે પર્ણકુટી સોસાયટીમાં 'સોહમ' ખાતે રહેતાં પી.વી. મોદી ચેરીટેબલ ટ્રસ્ટકના મેનેજીંગ ટ્રસ્ટી રશ્મિકાંતભાઇ પ્રવિણચંદ્ર મોદી (ઉ.૫૮)ની ફરિયાદ પરથી રાજકોટ જીવરાજ પાર્કમાં રહેતાં તુષાર પ્રવિણભાઇ રોકડ (પટેલ) (ઉ.૪૩) તથા અમદાવાદ રહેતાં શશિકાંતસિંઘ રામનારાગણસિંંઘ (ઉ.૪૨) અને તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૪૭૪, ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ ગુનો નોંધી તુષાર અને શશિકાંતસિંઘની ધરપકડ કરી છે.

રશ્મિકાંતભાઇ મોદીએ ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે પી.વી. મોદી ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી છે. આ સંસ્થા શહેરમાં પી.વી. મોદી પ્રાઇમરી ગુજરાતી અને ઇંગ્લીશ મિડીયમ સ્કૂલ તથા સેકન્ડરી ગુજરાતી-અંગ્રેજી માધ્યમની સ્કૂલો મળી ૧૪ સ્કૂલ-શૈક્ષણિક સંસ્થાઓ ચલાવે છે. આ ટ્રસ્ટનું ખાતુ બેંક ઓફ બરોડા જાગનાથ પ્લોટ શાખામાં છે, જે કરન્ટ એકાઉન્ટ છે. આ ખાતાનો વ્યવહાર ફકત તેમની સહીથી જ થાય છે. આ ટ્રસ્ટના એકાઉન્ટ લખવાનું કામ છેલ્લા પાંચ વર્ષથી કૌશિકભાઇ કોઠારી સંભાળતા હતાં. બેંકને લગતી તમામ કામગીરી હિતેષભાઇ દોશી અને રાજેશભાઇ ગાંધી સંભાળે છે. 

એકાઉન્ટની કામગીરી કૌશિકભાઇ જુન-૨૦૧૮ના અંતમાં પુરી કરી હતી. તેને કોન્ટ્રાકટ બેઇઝ ઉપરથી છુટા કરાયા હતાં. ત્યારથી ટ્રસ્ટના એકાઉન્ટ લખવાનું અને તેની કામગીરીનું કામ પલકબેન મહેતા તથા પ્રણવભાઇ દફતરી સંભાળે છે. ૩૦/૭/૧૮ના રોજ બેંક ઓફ બરોડા બારેજા શાખા અમદાવાદથી હિતેષભાઇ દોશીને ફોન આવેલો અને પુછાયેલું કે પી.વી. મોદી ટ્રસ્ટ એજ્યુકેશન સર્વિસ રાજકોટના બેંક ખાતામાંથી શશિકાંતસિંઘ નામનો ચેક રૂ. ૨,૮૪,૦૦૦નો ૧૮/૭/૧૮ના રોજ પાસ થવા માટે આવ્યો છે, તો આ સંસ્થાએ ચેક ઇશ્યુ કર્યો છે કે કેમ? આ બાબતે ખરાઇ કરતાં હિતેષભાઇએ મેનેજીંગ ટ્રસ્ટી રશ્મિકાંતભાઇ મોદીને જાણ કરતાં તેમણે તપાસ કરતાં આવો કોઇ જ ચેક અપાયો નહિ હોવાનું જણાતાં અમદાવાદ બેંકના અધિકારીને એ ચેકનો ફોટો પાડીને મોકલવા કહેવાતાં તેમણે ફોટો મોકલ્યોહ તો. આ ચેકમાં સહી જોતાં તે એમ.ડી. રશ્મિકાંતભાઇ મોદીની નહિ, પણ કોઇએ તેમની નકલી સહી કર્યાનું સ્પષ્ટ દેખાતયુ હતું. જેથી આ ચેક પાસ નહિ કરવા વિનંતી કરાઇ હતી.

ત્યાર બાદ ચેકબૂક અંગે તપાસ થતાં જાણવા મળેલ કે બેંક ઓફ બરોડાના રાજકોટની જાગનાથ પ્લોટ શાખાના કરન્ટ એકાઉન્ટના ૫૦ કોરા ચેક ઇન્દ્રપ્રસ્થ નગરમાં આવેલી પી.વી. મોદી સ્કૂલની પ્રિન્સીપાલની ઓફિસમાંથી ગાયબ થયા છે. ૯/૧૧/૧૭ના રોજ બેંક તરફથી આ ચેકબૂક ઇશ્યુ થઇ હતી. જેમાં ૫૦ ચેક હતાં. આથી ૩૦/૭ના દિવસે જ આ ૫૦ ચેકોના પેમેન્ટ સ્ટોપ કરાવવા હિતેષભાઇ અને રાજેશભાઇએ જાણ કરી હતી. પરંતુ તપાસ થતાં ૧/૧૦/૧૭ થી ૩૧/૭/૧૮ સુધીમાં ગૂમ થયેલા ૫૦ ચેકમાંથી કુલ રૂ. ૨૧,૦૬,૮૬૫ના જુદા-જુદા નામના ૨૭ ચેકો વટાવી લેવાયાનું માલુમ પડ્યું હતું.

બનાવટી સહીઓથી વટાવાયેલા ચેકોની ઉપાડાયેલી કુલ રૂ. ૨૧,૦૬,૮૬૫ની રકમમાંથી ૧૦,૨૪,૭૪૭ શશિકાંતસિંઘના ખાતામાં અને રૂ. ૨,૭૭,૦૦૪ની રકમ ઉપેન્દ્ર રોયના ખાતામાં ટ્રાનસફર થયાની ખબર પડી હતી. આ બંનેને મેનેજીંગ ટ્રસ્ટી રશ્મિકાંતભાઇમોદી ઓળખતા ન હોઇ તેમજ તેના તરફથી કોઇ ચેક અપાયા ન હોઇ તપાસ કરાવતાં આ ચેકો શશીકાંતસિંઘને કમિશન પેટે વટાવવા માટે રાજકોટના તુષાર રોકડે આપ્યાનું ખુલ્યું હતું. તુષાર રોકડ અગાઉ પી.વી. મોદી ટ્રસ્ટના એકાઉન્ટનો કોન્ટ્રાકટ ધરાવતાં કૌશિક કોઠારીના કર્મચારી તરીકે નોકરી કરતો હતો. તે વખતે તેણે ૫૦ પાનાની કોરી ચેકબૂક ચોરી લીધી હતી અને તેમાં મેનેજીંગ ટ્રસ્ટીની ખોટી સહિતો કરી ૨૭ ચેક વટાવી લીધા હતાં. અમદાવાદની બેંકના અધિકારીની સતર્કતાથી આ ભોપાળુ છતુ થયું હતું.

માલવીયાનગરના પી.આઇ. એન. એન. ચુડાસમા, પરેશભાઇ જારીયા, જાવેદભાઇ રિઝવી અને અરૂણભાઇ બાંભણીયાએ બે આરોપી તુષાર પ્રવિણભાઇ રોકડ (ઉ.૪૩-રહે. જીવરાજ પાર્ક) અને અમદાવાદના શશિકાંતસિંઘ રામનારાયણસિંઘ  (ઉ.૪૨-રહે. ચંકા ગામ બિહાર, હાલ અમદાવાદ)ની ધરપકડ કરી છે. બાકીના ૧૩ ચેક કોની પાસે છે? તે સહિતની તપાસ કરવાની હોઇ બંનેના રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે. તુષાર રોકડ વ્યાજમાં ફસાયો હોઇ જેથી આ કૌભાંડ આચર્યાનું રટણ શરૂ કર્યુ છે. (૧૪.૬)

કઇ તારીખે કેટલી રકમના ચેક કોના નામે વટાવાયા?

. ૨૭-૧૨-૧૭ના રોજ રૂ. ૪૪૫૦૦નો ચેક વિશાલ બાબુભાઇ સારાના નામે, ૩૦/૧૨ના રોજ રૂ. ૩૯૯૦૦નો ચેક શાહ રવિ જીતેન્દ્રકુમારના નામે, ૮-૧-૧૮ના રોજ રૂ. ૧૮૬૦૦નો ચેક શશિકાંતસિંઘ રામનારાયણ સિંઘના નામે, ૨૫/૧ના રોજ રૂ. ૨૯૮૦૦નો ચેક પ્રભાતકુમારના નામે, ૭/૨ના રોજ રૂ. ૩૮ હજારનો ચેક શશિકાંતસિંઘના પત્નિ કુસુમલત્તાદેવીના નામે, ૧૩/૨ના રોજ રૂ. ૩૪૭૦૦નો ચેક કુસુમલત્તાદેવીના નામે, ૧૭/૨ના રોજ રૂ. ૩૭ હજારનો ચેક રામેશ્વરસિંહના નામે, ૨૨/૨ના રોજ રૂ. ૨૨૫૦૦નો ચેક જ્ઞાનસિંહના નામે, ૨૩/૨ના રોજ રૂ. ૩૫૧૦૦નો ચેક બીન્દેશ્વરસિંઘના નામે, ૨૩/૨ના રોજ રૂ. ૩૨૪૦૦નો ચેક બીન્દેશ્વરસિંઘના નામે, ૧/૩/૧૮ના રૂ. ૨૩૦૧૦નો જ્ઞાનસિંઘના નામે, ૬/૩ના રોજ રૂ. ૪૮ હજારનો ચેક જ્ઞાનસિંઘના નામે, ૧૩/૩ના રૂ. ૩૩૮૦૦નો રામેશ્વરસિંઘના નામે, ૧૯/૩ના રૂ. ૨૦ હજારનો જ્ઞાનસિંઘના નામે, ૨૦/૩ના રૂ. ૩૮ હજારનો ઉપેન્દ્ર રોયના નામે, ૨૩/૪ના રૂ. ૬૧૦૨૫નો ચેક શશિકાંતસિંઘના નામે, ૨૪/૪ના રૂ. ૧૦ હજારનો શશિકાંતસિંઘના નામે, ૩૦/૪ના રોજ રૂ. ૧,૭૩,૦૦૦નો ચેક, ૮/૫ના રોજ રૂ. ૨૯,૨૦૧નો કુસુમલત્તાદેવીના નામે, ૯/૫ના રૂ. ૭૮૧૧૮નો ચેક અને ૧૫/૫ના રૂ. ૧,૮૬,૦૦૦ના ચેકો શશિકાંતસિંઘના નામે, ૨૪/૫ના રૂ. ૮૬ હજારનો જ્ઞાનસિંઘના નામે, ૨/૬ના રૂ. ૨,૪૪,૦૦૦નો તથા ૧૮/૬ના રૂ. ૧,૮૮,૦૦૦નો શશિકાંતસિંઘના નામે, ૨૦/૬ના રૂ. ૭૮ હજારનો તુષાર રોકડના નામે, ૨૬/૬ના ૨,૩૯,૦૦૪નો શશિકાંતસિંઘના નામે અને ૧૭/૭ના રૂ. ૨,૩૯,૦૦૦૪નો ચેક ઉપેન્દ્ર રોયના નામે વટાવી લેવાયો હતો.

(4:11 pm IST)