રાજકોટ
News of Friday, 10th August 2018

વિકાસ કામો વેગવંતા બનાવવા કોર્પોરેશન વિકસાવશે ઇ.આર.પી. સીસ્ટમઃ પાની

ટેન્ડરની મુદત ત્થા કામની મુદત પૂર્ણ થવા બાબતે એલર્ટ આપતો સોફટવેર અપનાવાશેઃ કર્મચારીની બેદરકારી પકડાશે તો આપો આપ પગાર કપાત થશે

રાજકોટ તા. ૧૦ :.. મ્યુ. કોર્પોરેશનનાં નાના-મોટા વિકાસ કામો અટકી જવાના અથવા મોડા ટેન્ડર પ્રક્રિયા જેવી બેદરકારીને કારણે વિકાસ કામોને માઠી અસર પહોંચતી હોવાની અને તેના કારણે તંત્રની આબરૂને પણ છાંટા ઉઠતાં હોઇ હવે આવી બેદરકારીને રોકવા મ્યુ. કોર્પોરેશન દ્વારા ઇ. આર. પી. સીસ્ટમનો સોફટવેર વિકસાવાશે તેમ મ્યુ. કમિશ્નર બંછાનીધી પાનીએ જણાવ્યું હતું.

આ અંગેની વિગતો મુજબ આ વર્ષ અડધુ ચોમાસુ વિતી ગયા બાદ વૃક્ષારોપણ માટે 'ટ્રી-ગાર્ડ' ખરીદવા ટેન્ડરો બહાર પાડવામાં આવતાં તંત્રની આ ઘોર બેદરકારી સામે લોકો અને કોર્પોરેટરોમાં રોષ ફેલાયો છે.

દરમિયાન હવે પછી આવી બેદરકારી થાય નહી તે માટે ખાસ 'એન્ટર રિસ્પોન્સ પ્રોગ્રામ' સોફટવેર મ્યુ. કોર્પોરેશન દ્વારા ઇન્સ્ટોલ કરાશે. આ સોફટવેરથી નાના - મોટા દરેક વિકાસ કામોનાં ટેન્ડરોની મુદત ત્થા કામ પુર્ણ થવાની મુદત સહિતની મહત્વની બાબતો અંગે જવાબદાર અધિકારીને 'એલર્ટ' મળતા રહેશે અને આમ છતાં જો કોઇ કર્મચારી બેદરકાર રહેશે તો તેનો પગાર પણ આપો આપ કપાઇ જશે.

આમ હવે નાના-મોટા વિકાસ કામો વેગવંતાં બનશે તેવી આશા મ્યુ. કમિશ્નર આ તકે વ્યકત કરી હતી. (પ-રર)

(4:04 pm IST)