રાજકોટ
News of Saturday, 11th July 2020

નવલનગરમાં પાણીની પાઇપ લાઇન નાખવા બાબતે રસ્તાની જમીનનો વિવાદ

કોર્પોરેશન કહે છે રસ્તો છે જમીન માલીક જાગાણીએ આ તેઓનો પ્લોટ હોવાનો દાવો કરી રસ્તાના પુરાવા આપવા તંત્ર પાસે માંગણી કરી

રાજકોટ તા. ૧૧ : શહેરના નવલનગર શેરી નં.૩માં પાણીની પાઇપ લાઇન નાખવા બાબતે ખાનગી જમીન માલિક અને મ્યુ.કોર્પોરેશન વચ્ચે વિવાદ સર્જાયો છે. કેમ કે તંત્ર જયા પાઇપલાઇન ખોદે છે તે રસ્તાની જમીન પોતાની માલીકીનો પ્લોટ હોવાનો દાવો ભકતીધામ બ્લોક નં. ૯, (રીંગ રોડ) માં રહેતા હરેશભાઇ કાનજીભાઇ જાગાણીએ કર્યો છે.

આ અંગે શ્રી જાગાણીએ મ્યુ.કોર્પોરશનના સીટી ઇજનેર ત્થા ડે.ઇજનેરને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે રાજકોટ દક્ષીણ વિભાગમાં મવડી રોડ, રાજકોટ ટી.પી.સ્કીમ નં. ૪ ના એફ.પી.૬ર૧, ૧ર મીટરના રોડ પર નવલનગર શેરી નં. ૩માં આવેલ ખોડીયાર ફલેટસની સામે તેઓનો ૪પ૦ ચો.મી.નો પ્લોટ છે.

આ પ્લોટ ખાલી છે ત્યા ૧ર જુન સુધી કોઇ ખોદકામ થતુ ન હતું પરંતુ ૧૮ જુનથી મ્યુ.કોર્પોરેશનના વોટર વર્કસ વિભાગે પીવાના પાણીની પાઇપ લાઇન નાખવા ખોદકામ શરૂ કરતા આ બાબતે સીટી ઇજનેર અને ડે. ઇજનેરને રજૂઆત કરતાં તેઓએ જણાવેલ કે ત્યાં રસ્તો છે. એટલે પાઇપ લાઇન નાખવામાં આવી રહી છે.

આથી શ્રી જાગાણીએ અધિકારીઓને રજૂઆત કરી છે કે તેઓની ખાનગી માલીકીનાં પ્લોટમાં પાણીની પાઇપ લાઇન નાખી ન શકાય. કેમ કે જમીન માલિકીના પુરાવા તેઓ પાસે છે જો કોર્પોરેશન પાસે આ પ્લોટમાં રસ્તો છે તેવા પુરાવા હોય તો રજૂ કરે. આમ આ બાબતે તંત્ર અને ખાનગી પ્લોટ ધારક વચ્ચે વિવાદનાં એંધાણ વર્તાઇ રહ્યા છે.

(3:40 pm IST)