રાજકોટ
News of Thursday, 11th July 2019

રાણી ટાવર નીચે પાનની દૂકાને એમ. જી. હોસ્ટેલમાં રહેતાં ૧૨ શખ્સોની ધબબબાટીઃ પથ્થરમારો-તોડફોડ

ઝલક ડિલકસ પાનવાળા મુળ સુત્રાપાડાના અક્ષય આહિરની ફરિયાદઃ પરમ દિવસે તેના ભાઇ મહેન્દ્રએ સિગારેટના પૈસા માંગતા ડખ્ખો થયો હોઇ તેનો ખાર રાખી ગત રાતે ગુંડાગીરી આચરાયાની તાલુકા પોલીસમાં એફઆઇઆર : હવે દૂકાન ખોલશો તો બંને ભાઇને મારી નાંખશું તેવી ધમકી અપાઇ ઉપરાંત ફોન કરીને પણ ધમકાવાયા

રાજકોટ તા. ૧૧: કાલાવડ રોડ પર રાણી ટાવર નીચે ઝલક ડિલકસ પાન નામની આહિર યુવાનની દૂકાને પરમ દિવસે રાત્રીના સાડા દસેક વાગ્યે એમ.જી. હોસ્ટેલમાં રહેતાં ચાર શખ્સે આવી સિગારેટ માંગતાં તેની પાસે પૈસા માંગવામાં આવતાં દૂકાનદારને ઝાપટ મારી ગાળો ભાંડ્યા બાદ ગત રાત્રે ફરીથી દૂકાને આવી ડખ્ખો કરી તોડફોડ કરી પથ્થરમારો કરી ધમાલ મચાવતાં અને દૂકાન ખોલશો તો જાનથી મારી નાંખશું...તેવી ધમકી આપતાં પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

બનાવ અંગે તાલુકા પોલીસે હાલ કાલાવડ રોડ પર રૂડાનગર-૫માં રહેતાં અને રાણી ટાવર નીચે ઝલક ડિલકસ પાન નામે ભાડાની દૂકાનમાં બેસી ધંધો કરતાં મુળ સુત્રાપાડા ગીરના હરસાણા ગામના અક્ષય ઉકાભાઇ ઝાલા (આહિર) (ઉ.૧૯)ની ફરિયાદ પરથી વિજય, આર.સી., અનિલ, પપ્પુ, અવિનાશ રાઠોડ, ભાવેશ, ઇશ્વર, મયુર સોલંકી, ભરત સોસા, અમૃતસિંહ, રવિ વાઢેર અને રવિ વરાગીયા સામે આઇપીસી ૪૨૭, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪, ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.

અક્ષય ઝાલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું અને મારો ભાઇ મહેન્દ્ર પરમ દિવસે રાત્રે સાડા અગિયારેક વાગ્યે અમારી દૂકાને હતાં ત્યારે એમ. જી. હોસ્ટેલમાં રહેતાં વિજય, આર.સી., અનિલ અને પપ્પુ આવ્યા હતાં અને મારા ભાઇ મહેન્દ્ર પાસે સિગારેટ માંગી હતી. જેથી મારા ભાઇએ પહેલા પૈસા આપો પછી સિગારેટ આપીશ...તેમ કહેતાં   ચારેયે ગાળાગાળી કરી મારા ભાઇને ઝાપટો મારી હતી.

એ પછી ગઇકાલે રાત્રીના સાડા અગિયારેક વાગ્યે એમ.જી. હોસ્ટેલમાં રહેતો અવિનાશ રાઠોડ તેનું એકટીવા લઇને આવ્યો હતો. સાથે ભાવેશ, ઇશ્વર, મયુર સોલંકી પણ હતાં. આ બધાએ આગલી રાતે બનેલા બનાવનો ખાર રાખી અમારી દૂકાનનુ પાનનુ કુંડુ તોડી નાંખ્યુ હતું અને ભાવેશે મને થપ્પડ મારી હતી. ઇશ્વર અને મયુરે ગાળો દીધી હતી અને જોઇ લેવાની ધમકી આપી હતી. ત્યારબાદ આ બનાવની જાણ મેં મારા મિત્ર મોહિત અને અર્જુનને કરતાં તેઓ દૂકાને આવી ગયા હતાં. ત્યારે એમ.જી. હોસ્ટેલમાંથી બીજા છોકરા ભરત સોસા, અમૃત, રવિ વાઢેર, રવિ વરાગીયા લાકડીઓ સાથે આવ્યા હતાં અને મારા મિત્રોને ગાળાગાળી કરી લાકડીથી માર માર્યો હતો. તેમજ દૂકાન પર પથ્થરમારો કરી બોર્ડ તથા માબા મોબાઇલ ફોનમાં નુકસાન પહોંચાડ્યું હતું. તેમજ જો હવે દૂકાન ખોલશો તો બંને ભાઇને મારી નાંખશું તેવી ધમકી આપી ભાગી ગયા હતાં. આ ઉપરાંત ભાઇ મહેન્દ્રને ફોન ઉપર પણ ધમકીઓ આપવામાં આવી હતી. તેમ ફરિયાદમાં જણાવાતાં પીએસઆઇ એન. કે. રાજપુરોહિતે પી.આઇ. વી.એસ. વણઝારાની રાહબરીમાં તપાસ શરૂ કરી છે.

(3:44 pm IST)