રાજકોટ
News of Wednesday, 11th July 2018

ગાંધીગ્રામમાં લગ્નપ્રસંગે વરઘોડામાં થયેલ ફાયરીંગના કેસમાં આરોપીઓનો છૂટકારો

રાજકોટ તા.૧૧: ગાંધીગ્રામ આવેલ ભારતીનગરમાં લગ્ન પ્રસંગે તમંચામાંથી વરઘોડામાં જાહેરમાં ફાયરીંગ કરતા ૧૪ વર્ષના બાળકને મણકાના ભાગમાં ફાયરીંગની ઇજાના ગુન્હામાં બંને આરોપીઓનો એડી.સેશન્સ જજશ્રી વી.વી.પરમારે નિર્દોષ છૂટકારો ફરમાવેલ છે.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, ગઇ તા.૪-૨-૨૦૧૪ના રોજ ફરીયાદી દિગ્વીજસિંહ નવલસીંહ જાડેજાએ પોતાના ભત્રીજા વિશ્વજીતસિંહ કુલદીપસિંહ ઝાલાને આરોપીએ દેશી હથીયારથી ફાયરીંગ કરી કમરની નીચેનો ભાગ નકામો થઇ જાય તેવી ગંભીર પ્રકારની વ્યથા કરેલની ફરીયાદ તા.૫-૨-૨૦૧૪ના રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આરોપી નવદીપસિંહ જાડેજા વિરૂધ્ધ નોંધાવેલ હતી.

ઉપરોકત ફરીયાદીના કામમાં તપાસના અંતે આરોપી નવદીપસીંહ દીલીપસિંહ જાડેજા તથા યોગીરાજસીંહ કિશોરસીંહ વાઢેરે બંને નાનામવા મેઇન રોડ વાળાઓને પોલીસે અટક કરેલ હતા. ઉપરોકત કેસનો પુરાવો શરૂ થતા ફરીયાદ પક્ષે કુલ-૨૯ જેટલા દસ્તાવેજી પુરાવા લીસ્ટ રજુ રાખેલ હતા અને ૧૨-જેટલા સાહેદોની જુબાની નોંધવામાં આવેલ હતી.

આરોપીઓએ કોઇ ફાયરીંગ કરેલ હોવાનુ પણ ફરીયાદ પક્ષ પુરવાર કરી શકેલ નથી કે આવી ફાયરીંગના ઇજાના કારણે ફરીયાદ પક્ષે મણકામા ઇજા થયેલ હોવાનુ જણાય આવે છે. તેમજ સ્ટલીંગ હોસ્પીટલના પણ હાલના આરોપીઓના કારણે ઇજા થયેલ હોવાનુ જણાવેલ નથી અને મેરેજ ફંકશનમા નાચતા નાચતા પડી ગયેલ હોવાનુ, ડોકટરે જણાવેલ હોવાનુ સ્પષ્ટપણે જણાય આવે છે. આવા કારણોસર હાલના આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદ પક્ષ પોતાના કેસ નિઃશંકપણે પરૂવાર કરી શકેલ ન હોય, બંને આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાની દલીલો કરેલ હતી.

બચાવ પક્ષની ઉપરોકત દલીલોને ધ્યાને લઇને કોર્ટે હાલના બને આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદ પક્ષ પોતાનો કેસ સાબીત કરી શકેલ ન હોય, બંને આરોપીઓને છોડી મુકવાનો હુકમ કરેલ હતો.

આ કામમાં બંને આરોપીઓ તરફે એડવોકેટ તરીકે રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી અભયભાઇ ભારદ્વાજ,દીલીપ પટેલ,ધીરજ પીપળીયા,ગૌતમ પરમાર,વિજય પટેલ,કલ્પેશ નસીત, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, કમલેશ ઉધરેજા, શ્રીકાંત મકવાણા, સુમીત વોરા,અમૃતા ભારદ્વાજ,ગૌરાંગ ગોકાણી રોકાયા હતા.(૭.૩૭)  

(4:14 pm IST)