રાજકોટ
News of Tuesday, 11th June 2019

ગુરુવારે સત્યપ્રકાશજીનો જન્મ દિનઃ ધ્યાન શિબિર

૭૧માં જન્મદિને ચોમેરથી અભિનંદન વર્ષાઃ નિઃશુલ્ક શિબિરનું આયોજનઃ સંચાલન સ્વામી દેવ રાહુલજી કરશે

રાજકોટ તા. ૧૧ :.. ગુરુવારે ઓશો સન્યાસી સત્યપ્રકાશજીનો ૭૧મો જન્મદિન ઉજવાશે. આ દિને એક દિવસીય નિઃશુલ્ક ધ્યાન શિબિર યોજાશે. સત્ય પ્રકાશજી ૧૯૬૭ થી ઓશોને રૂબરૂ મળ્યા બાદ ઓશોમય જીવન જીવે છે. તેઓનું ધ્યાન મંદિર ૩૪ વર્ષોથી દિવસ-રાત્રી ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધામ છે. સત્યપ્રકાશજીના જન્મ દિને જમ્બો કેક કટિંગ થશે.

 રાજકોટ ઓશોના સૂત્ર 'ઉત્સવ આમાર જાતી આનંદ આમાર ગૌત્ર'ને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબિરો, ઓશો સાહિત્ય પ્રદર્શનો, ઓશો સન્યાસ ઉત્સવો, ભજન-કિર્તન, ગીત-સંગીત, વિવિધ સંપ્રદાયોના ઉત્સવો તથા વિશ્વ દિવસ ઉત્સવ દ્વારા છેલ્લા ૩૪ વર્ષોથી રાજકોટમાં રાત અને દિવસ ૨૪ કલાક ખુલ્લુ રહેતુ ઓશો કાર્યથી ધમધમતુ વિશ્વનું એક માત્ર ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર ઉજવવામાં આવે છે જેનુ સંચાલન સ્વામિ સત્ય પ્રકાશ કરી રહ્યા છે.

આગામી તા. ૧૩-૬-૧૮ને ગુરૂવારના રોજ સ્વામિ સત્ય પ્રકાશના જન્મ દિવસ નિમિતે રાબેતા મુજબ હર સાલની માફક બપોરના ૩ થી રાત્રીના ૮.૩૦ દરમિયાન ઓશો ધ્યાન શિબિરનું આયોજન ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર દ્વારા કરવામાં આવ્યુ છે. શિબિર દરમ્યાન ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો, વિડીયો દર્શન, જન્મ દિવસ ઉત્સવ, સંધ્યા સત્સંગ તથા રાત્રે ૮.૩૦ વાગ્યે મહાપ્રસાદ (હરિહર)નું આયોજન કરવામાં આવ્યુ છે.

 શિબિરની તૈયારીમાં ઈતર સર્કલના મેમ્બરો મહેશભાઈ જાદવ, જયેશભાઈ કોટક, વિજયભાઈ ભુવા,  સંજીવભાઈ રાઠોડ,  અશોકભાઈ લૂંગાતર, પિયુષભાઈ, વિણા ભલાણી, રાજનભાઈ વગેરે મિત્રો તડામાર તૈયારી કરી રહ્યા છે. સ્વામિ સત્ય પ્રકાશ છેલ્લા ૫૦ વર્ષથી ઓશો સાથે જોડાયેલા છે. ઓશો જ્યારે ૧૯૬૭માં રાજકોટ આવ્યા ત્યારે તેઓશ્રીને રૂબરૂ મળ્યા ત્યારથી ઓશો સાથે જોડાયેલા છે. છેલ્લા ૩૩ વર્ષોથી ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરનું સફળ સંચાલન કરે છે. ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર દરરોજ નિયમીત સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૬ થી ૮.૩૦ દરમ્યાન સંધ્યા ધ્યાન થાય છે. તેમજ દર પૂનમે ઓશો ધ્યાન શિબિર તથા રાત્રે સંતવાણીના કાર્યક્રમનું આયોજન હોય છે. એ સિવાય ઓશો જન્મ દિવસ, ઓશો સંબોધિ દિવસ ગુરૂ પૂર્ણિમા, બુદ્ધ પૂર્ણિમા, મહાપરિનિર્વાણ દિવસ, સન્યાસી દિવસ, ઓશો સેલીબ્રેશન  દિવસ વગેરે દિવસે ઓશો ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવે છે.

ઉપરોકત સ્વામિ સત્ય પ્રકાશના જન્મ દિવસે યોજેલ ઓશો ધ્યાન શિબિરમાં સહભાગી થવા ઓશો ઈનર સર્કલના મેમ્બરોએ હાર્દિક અનુરોધ કરેલ છે.શિબિરમાં સહભાગીતા માટે સાધકે પોતાનું નામ રજી. કરાવવા માટે ઓશો ધ્યાન મંદિર પર રૂબરૂ અથવા સાથમાં આપેલા મો. નંબર ઉપર એસએમએસ દ્વારા રજી. કરાવવું અત્યંત જરૂરી છે.

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪-વૈદવાડી, રાજકોટ વિશેષ માહિતી તથા રજી. માટે સ્વામિ સત્ય પ્રકાશઃ ૯૪૨૭૨ ૫૪૨૭૬, જયેષભાઈ કોટકઃ ૯૪૨૬૯ ૯૬૮૪૩,

(3:54 pm IST)