રાજકોટ
News of Tuesday, 11th June 2019

એરપોર્ટ પાસે અમરજીતનગરમાં આટકોટ ટેલિફોન એક્ષચેન્જના સસ્પેન્ડ કર્મચારીનો ઝેર પી આપઘાત

ગેરહાજરી સબબ ચારેક વર્ષ પહેલા હરેશભાઇ વાઘેલાને સસ્પેન્ડ કરાયા હતાં ત્યારથી ચિંતામાં રહેતા'તાઃ ત્રણ સંતાને પિતાનું છત્ર ગુમાવતાં વાલ્મિકી પરિવારમાં અરેરાટીઃ

રાજકોટ તા. ૧૧: એરપોર્ટ રોડ પર અમરજીતનગરમાં રહેતાં વાલ્મિકી યુવાને ઝેર પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. અગાઉ આટકોટ ટેલિફોન એક્ષચેન્જમાં ફરજ બજાવતાં આ યુવાનને સસ્પેન્ડ કરાયા હોઇ તે કારણે સતત ચિંતામાં રહેતાં હતાં. દરમિયાન ગત સાંજે તેણે આ પગલું ભરી લીધું હતું.

અમરજીતનગર-૧માં રહેતાં હરેશભાઇ ચમનભાઇ વાઘેલા (ઉ.૩૫)એ સાંજે સાતેક વાગ્યે ઝેર પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના દેવશીભાઇ ખાંભલા અને દિપસિંહ ચોૈહાણે ગાંધીગ્રામમાં જાણ કરી હતી.

આપઘાત કરનાર હરેશભાઇ બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. પરિવારજનોના કહેવા મુજબ હાલમાં હરેશભાઇ છુટક સફાઇ કામ કરતાં હતાં. અગાઉ તે આટકોટ ટેલિફોન એક્ષચેન્જમાં નોકરી કરતાં હતાં. ગેરહાજરીને કારણે ત્રણ-ચાર વર્ષ પહેલા તેને સસ્પેન્ડ કરી દેવાયા હતાં. અનેક રજૂઆતો છતાં નોકરી પર પરત લેવામાં ન આવતાં તે ચિંતામાં રહેતાં હતાં. આ કારણે પગલુ ભર્યાની શકયતા છે. પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે.

(3:37 pm IST)