રાજકોટ
News of Tuesday, 11th June 2019

સરદારનગરમાં સ્મિતાબેનના હાથમાંથી હેલ્મેટ પહેરેલા બે શખ્સ પર્સ ખેંચી ગયા

ગયા મહિનાનો બનાવઃ હવે ગુનો નોંધાયોઃ ભેદ ઉકેલાય તેવી કડી મળી

રાજકોટ તા. ૧૧: રેસકોર્ષ રીંગ રોડ પર બિગ બાઇટ પાછળ ગુરૂદર્શન એપાર્ટમેન્ટ ફલેટ નં. એ-૩માં રહેતાં સ્મિતાબેન મુકેશભાઇ વોરા (ઉ.૬૧) તા.૨૫/૫ના રોજ સરદરનગર રોડ શેરી નં. ૨૧માં ખરીદી કરવા ગયા ત્યારે બપોરે બારેક વાગ્યે તેમના હાથમાંથી હેલ્મેટ પહેરીને બાઇક પર આવેલા બે શખ્સો કાળુ પર્સ ખેંચી ભાગી ગયો હતો. જેમાં એ-૭ સેમસંગ મોબાઇલ ફોન રૂ. ૧૮૯૯૦નો તથા રોકડા રૂ. ૫૦૦ હતાં. ચિલઝડપનો આ ગુનો ઉકેલાઇ જાય તેવી કડી ક્રઇામ બ્રાંચને મળી છે.

સ્મિતાબેન ઘરેથી ૨૫મીએ પોતાનું એકટીવા જીજે૩ઇએમ-૩૪૮૩ લઇને સરદારનગર-૧માં પ્રકાશ હાર્ડવેર ખાતે ખરીદી માટે ગયા હતાં. ત્યાં પોતાનું વાહન પાર્ક કરી રહ્યા હતાં ત્યારે બાઇક પર બે શખ્સ આવ્યા હતાં અને બંનેએ હેલ્મેટ પહેરેલા હતાં. આ બંને નજીક આવ્યા હતાં અને બાઇક પાછળ બેઠેલા શખ્સે સ્મિતાબેનના હાથમાંથી પર્સની ઝોંટ મારી હતી. તેમણે બૂમાબૂમ કરતાં માણસો ભેગા થઇ ગયા હતાં. પરંતુ એ પહેલા બંને ભાગી ગયા હતાં.

આજ સુધી ઘરમેળે તપાસ કરી હતી. પરંતુ ચિલઝડપકારનો પત્તો ન મળતાં અંતે હવે એ-ડિવીજનમાં જાણ કરતાં પીએસઆઇ પી. પી. ચાવડાએ ગુનો દાખલ કર્યો છે.

(3:37 pm IST)