રાજકોટ
News of Tuesday, 11th June 2019

રાજકોટ સ્માર્ટ સીટી માટે ૮ અધિકારીઓ નિમાશે

કંપની સેક્રેટરી, ચીફ ટેકનોલોજી ઓફિસર, ડે. જનરલ મેનેજરો, આસિ. મેનેજરો સહિતની પોસ્ટ ઉભી કરાઈઃ સ્માર્ટ સીટીમાં રોડ, બ્રીજ, સ્ટ્રીટ લાઈટ, વોટર સપ્લાય સહિતના ઈન્ફ્રાસ્ટ્રકચર માટે ટેન્ડરોઃ લાર્સન એન્ડ ટુબ્રોને કોન્ટ્રાકટ માટે લેવાશે નિર્ણયઃ ૧૭મી જૂને યોજાનાર સ્માર્ટ સીટી કંપનીની મીટીંગમાં ૮ દરખાસ્તોનો થશે નિર્ણય

રાજકોટ, તા. ૧૦ :. શહેરને સ્માર્ટ સીટી બનાવવા માટેની વહીવટી પ્રક્રિયાને આગળ ધપાવવા માટે હવે સ્માર્ટ સીટીમાં વિવિધ સુવિધાઓ ઉભી કરવા માટે ટેન્ડરોની પ્રસિદ્ધિ, કોન્ટ્રાકટો આપવા અને વહીવટી તેમજ ટેકનીકલ અધિકારીઓની નિમણૂકો માટે આગામી તા. ૧૭મી જૂને સ્માર્ટ સીટી માટે બનાવવામાં આવેલી ખાસ કંપની આર.એસ.સી.ડી.એલ.ની મીટીંગ યોજવામાં આવનાર છે.

આ મીટીંગમાં ૮ જેટલી દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. જેમાં સૌ પ્રથમ મીટીંગમાં ચેરમેનની નિમણૂક, સ્માર્ટ સીટી ગ્રાન્ટ બાબતે તેમજ સ્માર્ટ સીટીમાં કન્સ્ટ્રકશન ડીઝાઈન, ટેસ્ટીંગ, કમિશનીંગ એન્ડ ઓપરેશન્સ એન્ડ મેન્ટેનન્સ માટે ટેન્ડરની નેગોસીએશન પ્રક્રિયા થશે અને તેમા રોડ, ભૂગર્ભ ગટર, બ્રીજ, વોટર સપ્લાય, સ્ટ્રીટ લાઈટ વગેરેના ટેન્ડરોનો સમાવેશ થાય છે તથા ઓછા ભાવ રજૂ કરનાર કંપની લાર્સન એન્ડ ટુબ્રો લી. બાબતે નિર્ણય લેવાશે અને સ્માર્ટ સીટીમાં સાયબર સિકયુરીટી બાબતનો નિર્ણય લેવાશે.

આ મીટીંગના એજન્ડામાં સૌથી મહત્વની બાબત આર.એસ.સી.ડી.એલ. કંપનીમાં જુદી જુદી ૮ પોસ્ટ ઉભી કરી તેમા ૧૧ મહિનાના કોન્ટ્રાકટથી અધિકારીઓની નિમણૂક કરવાની છે. જેમાં (૧) કંપની સેક્રેટરી (૨) ચીફ ટેકનોલોજી ઓફિસર (૩) ડે. જનરલ મેનેજર (ટ્રાન્સપોર્ટ, બિલ્ડીંગ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ) (૪) ડે. જનરલ મેનેજર (વોટર સપ્લાય અને ભૂગર્ભ ગટર) (૫) ડે. જનરલ મેનેજર (ઈલેકટ્રીકલ, ડીસ્ટ્રીકટ કુલીંગ સિસ્ટમ, પાવર) (૬) આસિ. મેનેજર (સ્માર્ટ સીટી સેન્ટર) (૭) પ્રોગ્રામર કમ વેબ ડેવલોપર્સ (૮) એકાઉન્ટ ઓફિસર વગેરે અધિકારીઓની નિમણૂક થશે.

(4:22 pm IST)