રાજકોટ
News of Monday, 11th June 2018

વધુ એક ફતવો... હવે ચાના પ્લાસ્ટીક કપ ઉપર પ્રતિબંધ

હવે શહેરમાં પ્લાસ્ટિકના કપમાં ચા આપી નહિ શકાયઃ પર્યાવરણ રક્ષા અને ગંદકી રોકવા મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીનો પ્રયાસ : પાણીના પાઉચના પ્રતિબંધ બાદ વધુ એક જાહેરનામુ પ્રસિદ્ધ થશે

રાજકોટ, તા. ૧૧ :. શહેરમાં પાણીના પાઉચ ઉપર પ્રતિબંધ બાદ વધુ એક ફતવો બહાર પાડી હવે 'ચા'ના પ્લાસ્ટીક કપ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવનાર છે.

આ અંગે મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ સત્તાવાર વિગતો આપતા જણાવ્યુ હતુ કે, પ્લાસ્ટીકથી પ્રદુષણ ફેલાય છે જે પર્યાવરણ માટે હાનીકારક છે. સાથોસાથ પ્લાસ્ટીકના કારણે ગંદકી પણ ખૂબ ફેલાય છે, એટલુ જ નહી આવા પ્લાસ્ટીકને કારણે ભૂગર્ભ ગટરો જામ થઈ જાય છે અને ગંદા પાણી જાહેર માર્ગો ઉપર ફેલાય છે. જેનાથી જાહેર આરોગ્ય પણ જોખમમાં મુકાય છે. આમ આ તમામ કારણોને લઈ વિશાળ જાહેરહીતને ધ્યાને લઈ શહેરમાં પાણીના પ્લાસ્ટીક પાઉચ ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે.જેમા વેપારીઓ તથા જાહેર જનતાએ સહયોગ આપી તંત્રના આ પ્રયાસને સફળ બનાવ્યો છે ત્યારે હવે પર્યાવરણને અને જાહેર આરોગ્યને નુકશાનકર્તા એવા પ્લાસ્ટિકના 'ચા' કપ ઉપર પ્રતિબંધ લાદવામાં આવનાર છે.

કમિશ્નરશ્રીએ જણાવ્યુ હતુ કે, 'આગામી ટૂંક સમયમાં જ 'ચા'ના કપમાં 'ચા' પીરસવા ઉપર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ પ્રસિદ્ધ કરાશે. ત્યાર બાદ તમામ ચાની હોટલો, ચાની કીટલીઓમાં ચેકીંગ કરી અને પ્લાસ્ટીકના કપમા 'ચા' પીરસવા ઉપર પ્રતિબંધની કડક અમલવારી કરાવાશે અને વહીવટી ચાર્જ વસુલ કરશે.

(3:29 pm IST)