રાજકોટ
News of Tuesday, 11th May 2021

બજરંગવાડીની હેતલે પૈસા અને મકાન માટે રતનપર રહેતાં વૃધ્ધ માતા સુશિલાબેનને ધમકી દઇ લાફા માર્યા

મા સુશિલાબેન સાથે રહેતી પોતાની જ દિકરી ગ્રિષ્માને પણ હેતલે પોતે વેંચી નંાંખશે તેવી ધમકી દીધીઃ કુવાડવા પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૧: છુટાછેડા થઇ ગયા બાદ અગાઉ રતનપરમાં માતા સાથે રહેતી અને હાલ બજરંગવાડીમાં એકલી રહેતી યુવતિએ પૈસા અને મકાનની મિલ્કત માટે સગી જનેતાને ગાળો દઇ મારી નાંખવાની ધમકી આપી લાફા મારી તેમજ પોતાની જ દિકરી કે જે નાનીમા સાથે રહે છે તેને પણ વેંચી નાંખવાની ધમકી આપતાં ચકચાર જાગી છે.

આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે મોરબી રોડ પર રતનપરમાં ગાયત્રી મંદિર સામે આઇશ્રી ખોડિયાર કૃપા તુલસી પાર્ક ખાતે રહેતાં સુશિલાબેન જીતેન્દ્રભાઇ માણેક (ઉ.વ.૬૫)ની ફરિયાદ પરથી જામનગર રોડ બજરંગવાડી-૧૧ પૂનમ કોમ્પ્લેક્ષ ફલેટ નં. ૧૦૧માં રહેતી તેની દિકરી હેતલ જીતેન્દ્રભાઇ માણેક સામે આઇપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધ્યો છે.

સુશિલાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે હું રતનપર મારા દિકરા સંદિપભાઇ સાથે રહુ છું અને મારી ભાણેજ ગ્રીષ્મા અજય રાયકુંડલીયા પણ સાથે રહે છે. નાનો દિકરો રાજેશભાઇ દસ વર્ષ પહેલા ગુજરી ગયો છે. નાની દિકરી હેતલ પછી સોૈથી નાનો સંદિપભાઇ છે. દિકરી હેતલના પ્રથમ લગ્ન દ્વારકાના ક્રુપેશ ગોકાણી સાથે ૨૦૦૧માં થયા હતાં. એક વર્ષ ઘર ચાલ્યા બાદ છુટાછેડા થઇ ગયા હતાં. એ પછી અજય હરસુખભાઇ રાયકુંડલીયા જે માણાવદરના હતાં તેની સાથે થયેલા, તે ઘર દોઢ વર્ષ ચાલ્યું હતું. તેના થકી હેતલને એક દિકરી ગ્રીષ્મા છે. છુટાછેડા પછી જુનાગઢ વિકાસ ગૃહમાં હેતલ ગઇ હતી. ૨૦૦૩માં હેતલ અને ગ્રીષ્માને હું મારી સાથે લઇ આવી હતી. ત્યારથી મારા ભેગી રહેતી હતી.

પણ ચારેક માસથી હેતલ અલગ રહેવા ગઇ છે. મારી અને દિકરી હેતલની પોસ્ટ બચત તથા રાજ બેંકમાં સંયુકતમાં ૧૨ લાખની એફડી હતી. જે એફડી હેતલે તેના નામે કરી લીધી છે.  મેં હેતલના નામે બજરંગવાડીમાં એક ફલેટ લઇ દીધો છે. રતનપરમાં એક મકાન પણ લઇ દીધુ છે. તેના નામે કોઠારીયા સોલવન્ટમાં એક કવાર્ટર પણ છે. આ બધા મકાન તેના નામે હોવાથી તેણે લઇ લીધા છે. તેની દિકરી ગ્રીષ્મા મારી સાથે રહે છે.

અગાઉ પણ મારે દિકરી હેતલ સાથે મિલ્કત મામલે ઝઘડો થયો હતો. તે બજરંગવાડીના ફલેટથી અવાર-નવાર રતનપર ઝઘડા કરવા આવતી હતી. બેંકના પૈસા અને રતનપરનું મકાન હું તેની પાસે માંગુ છું તો ના પાડે છે અને ૨૪/૨/૨૧ના રોજ પણ હેતલે રતનપર આવી ગાળો દઇ મકાન તરફ આવશો તો મારી નાંખીશ અને ગ્રીષ્માને પણ કયાંક વેંચી નાંખીશ તેવી ધમકી આપી હતી. તેમજ પોતે દવા પી ખોટા કેસમાં ફસાવી દેશે તેવી ધમકી આપી હતી અને મને લાફા મારી લીધા હતાં.

જેથી હું ગભરાઇને દિકરા સંદિપના ઘરે જતી રહી હતી. મારી દોહિત્રી ગ્રિષ્મા એટલે કે હેતલની દિકરીને હેતલ પોતે અવાર-નવાર માર મારતી હતી. અગાઉ ફરિયાદ કરી નહોતી. પણ હવે ફરિયાદ કરવી પડી છે. તેમ વધુમાં સુશિલાબેને જણાવતાં કુવાડવાના એએસઆઇ આર. કે. ડાંગરે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(12:58 pm IST)