રાજકોટ
News of Saturday, 11th May 2019

મને અને મારી પુત્રીને પ્લેકિસઝે કન્સ્લટન્ટ તરીકે નિમ્યા હતાં: જે ફી વસુલવામાં આવી તે કન્સલ્ટન્સી ફી : ટ્રસ્ટના નાણા સાથે કોઇ લેવાદેવા નથીઃ ભૂપેન્દ્ર સચદે

જલારામ હોસ્પિટલના ટ્રસ્ટની કાલે રવિવારે મળનારી મિટીંગના એજન્ડામાં યોજાઈ ગયેલી મીટીંગોની મીનીટસની નકલો અને લેવાયેલા વિવાદાસ્પદ નિર્ણયો, બારોબાર દાનના મુદ્દા એજન્ડામાં ઉમેરોઃ ટ્રસ્ટી મંડળને વિસ્તૃત પત્ર પાઠવ્યો

રાજકોટ, તા. ૧૧ :. શ્રી રઘુવંશી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્પીટલના પૂર્વ મેનેજીંગ ચેરમેન અને આ હોસ્પીટલના કાર્ડિયાક વિભાગને કોન્ટ્રેકટ બેઈઝથી ચલાવતી મેસર્સ પ્લેકસીઝ ઈન્ટરવેન્સનલ પ્રા.લી.ના પાર્ટનર અને ડોકટર અમિત રાજ વચ્ચે ચાલી રહેલી સામસામી પોલીસ ફરીયાદો વચ્ચે આવતીકાલે તા. ૧૨-૫-૨૦૧૯ના રવિવારે મળનારી ટ્રસ્ટીઓની બેઠકમાં એજન્ડામાં ચોક્કસ મુદ્દા ઉમેરવા ભૂપેન્દ્રભાઈ વી. સચદેવે રઘુવંશી ફાઉન્ડેશન ટ્રસ્ટના ચેરમેનને વિધિવત પત્ર પાઠવ્યો છે. આ પત્રમાં અગાઉ તેમના અને તેમના પુત્રી પર થયેલા આર્થિક ગોટાળાના આક્ષેપનો જવાબ આપતા જણાવાયુ છે કે, મને અને મારી પુત્રીને પ્લેકસીઝે ખાનગી કન્સલ્ટન્ટ તરીકે નીમ્યા હતા જેનો વિધિવત એગ્રીમેન્ટ પણ થયેલો. જે ફી વસુલવામાં આવી તે કન્સલ્ટન્સી પેટે ચૂકવવામાં આવી હતી. ટ્રસ્ટના નાણા સાથે આ વ્યવહારને કોઈ લેવાદેવા નથી.

પત્રમાં વધુમાં જણાવાયુ છે કે, હું આપણા ટ્રસ્ટમાં અગાઉ ચેરમેન તરીકે ફરજ બજાવતો હતો, પરંતુ અમારા ઉપર ખોટા અને વાહીયાત આક્ષેપો કરી અન્ય ટ્રસ્ટીઓ મિલાપીપણા અને કુસંયોજન રચી ચેરમેન તરીકે મને દૂર કર્યો હતો. અમારા પર થયેલા આક્ષેપની સત્યતા સમાજના સઘળા લોકોના ખ્યાલ પર આવે તે માટે અમે રાજકોટના પોલીસ કમિશ્નરશ્રીને અરજી કરી હતી. આ પોલીસ ફરીયાદ અનુસંધાને મારૂ (ભૂપેન્દ્ર સચદે) અને અન્ય લાગતાવળગતાના નિવેદનો લેવામાં આવ્યા હતા. પ્લેકસીઝ સાથેનું જે ટ્રાઈપાર્ટી એગ્રીમન્ટ છે તે એગ્રીમેન્ટમાં અમારી ખોટી સહી હોવાનું જાહેર થતા અમે તે સહીની ફોરેન્સીક તપાસ કરવા અરજી કરી હતી. તે કાગળો ફોરેન્સીક વિભાગને મોકલી આપવામાં આવ્યા છે. આવતીકાલે તા. ૧૨-૫-૧૯ની મીટીંગનુ આયોજન કોઈ અંતિમ ઈરાદો બર લાવવાના આશયથી કરવામાં આવ્યુ છે છતા આ મીટીંગમાં કેટલાક મુદ્દા એજન્ડા તરીકે ઉમેરવા અને તે સંબંધે ચર્ચા વિચારણા કરી આવશ્યક નિર્ણય કરવો જોઈએ તેવુ હું માનુ છું.

ટ્રસ્ટ દ્વારા મળતી મીટીંગોની મીનીટસ લખવામાં આવે છે તે મીનીટસ બુકસની મેં અવારનવાર નકલો માંગી છે છતા મને તે ખોવાઈ ગયાનું બહાનુ આપી પુરૂ પાડવામા આવતી નથી. આ બાબત અક્ષમ્ય હોવાથી પોલીસ ફરીયાદ થવી જોઈએ પણ તેમ થતુ નથી. મને મીનીટસની નકલ ન આપવાના એક માત્ર બદઈરાદાથી આવુ થાય છે તે સ્પષ્ટ છે.

ટ્રસ્ટના જે બેંક એકાઉન્ટસ ખોલાવતી વખતે ટ્રસ્ટી અથવા હોદેદારની સહીઓ મેળવવી આવશ્યક હોય છે તે રેકોર્ડ ચેક કરી સહીઓ મેળવવામાં આવી છે કે કેમ ? તે જાણવુ જરૂરી હોય મેં અનેક વખત મુદ્દો એજન્ડામાં ઉમેરવા વિનંતી કરી છે.

આ ઉપરાંત ટ્રસ્ટને અનેક દાતાઓ તરફથી દાન આપવામાં આવે છે. આવુ દાન અગાઉના ટ્રસ્ટીઓ દ્વારા અનેક આસામીઓ પાસેથી સીધેસીધુ વસુલ કરી લીધા બાદ દાનની રકમ ટ્રસ્ટના ચોપડા ઉપર લાવવામાં આવી નહી હોવાનું મારી જાણમાં આવતા આ સંબંધે ટ્રસ્ટી મંડળને માહિતગાર કરવા છતા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આવા દાનની રકમોની યાદી આ સાથે સામેલ રાખુ છું. આ મુદ્દાને ગંભીર ગણી એજન્ડામાં સમાવિષ્ટ કરવો તેમ પોતાના લેખીત પત્રમાં ભૂપેન્દ્ર સચદેએ જણાવ્યુ છે.

વધુમાં સચદેએ લખ્યુ છે કે, મેસર્સ પ્લેકસીઝ ઈન્ટરવેન્સનલ પ્રા.લી. કંપનીએ અમારી તથા અમારા પુત્રી રૂચીની સલાહ મેળવવા ખાનગી કન્સલ્ટન્ટ તરીકે નિમણૂક કરી હતી અને આ બારામાં એગ્રીમેન્ટ પણ થયો હતો. સદરહુ કંપનીને સલાહ આપવા અર્થે રાજકોટ સિવાયના એરીયામાં જ્યારે પણ કામ કરવાનુ થાય તે અર્થે અમારી તથા રૂચીની કન્સલ્ટન્ટ તરીકે નિયુકિત કરવામાં આવી હતી. આ એગ્રીમેન્ટની નકલ પણ આ સાથે સામેલ છે. એગ્રીમેન્ટ મુજબ કન્સલ્ટન્ટ ફી પેટે જે રકમ ચૂકવવામાં આવી હતી તે રકમ ઈન્કમટેક્ષમાં પણ દર્શાવવામાં આવી છે અને આ રકમ સાથે ટ્રસ્ટને કસુ લાગતુ વળગતુ ન હોવા છતા અમારા પર પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવ્યા છે.

એક મીટીંગમાં ભાઈશ્રી પ્રદીપભાઈ ગાંધીને એક દિવસ પુરતા ટ્રસ્ટના ચેરમેન બનાવવા આયોજન થયુ હતુ તેવી મીટીંગોની મીનીટસ તથા પ્રદીપભાઈ ગાંધીની ચેરમેન તરીકેની નિયુકતી સંબંધે થયેલી કાર્યવાહીની નકલ મે અનેક વખત લેખીત અને મૌખીક રીતે માંગી છે છતા શા કારણે આ નકલો આપવામાં આવતી નથી ? તેમને દૂર કરવાની કાર્યવાહીની પણ મીનીટસ હું માંગુ છું. તેમજ ગઈ મીટીંગમાં પ્લેકસીઝ દ્વારા ૨૬ હજાર કેતનભાઈ પાવાગઢીને આપવામાં આવ્યા હોવા સંબંધે ચર્ચા થઈ હતી. ત્યાર બાદ અમીત રાજે આ બારામાં મહેન્દ્રભાઈ ઘેલાણીને સૂચીત કરવામા આવ્યુ હતુ આ મુદ્દે શું નિર્ણય થયો તે પણ કાલની મીટીંગમાં ઉમેરવા મારી માંગણી છે તેમ અંતમાં ભૂપેન્દ્ર સચદે એ જણાવ્યુ છે.

(2:36 pm IST)