રાજકોટ
News of Saturday, 11th May 2019

મકાન માટે રૂપિયા લઇ આવવા ત્રાસ અપાતાં પૂનમબાએ જીવ દીધો'તોઃસાસરિયા સામે ગુનો

કોઠારીયા સોલવન્ટની ગઇકાલની ઘટનામાં આપઘાત કરનારના સાસુ-જેઠ-જેઠાણી-દિયર-દેરાણી સામે મૃતક પૂનમબાના ભાઇ હરિશ્ચંદ્રસિંહ ઝાલાની ફરિયાદ પરથી ગુનો દાખલ થયો

રાજકોટ તા. ૧૧: કોઠારીયા સોલવન્ટ ગુ.હા. બોર્ડ કવાર્ટર નં. ૪૪૦માં ગઇકાલે પૂનમબા (સંગીતાબા) ભીમદેવસિંહ ગોહિલ (ઉ.૨૮)એ ગઇકાલે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં તેણીને સાસુ-જેઠ-જેઠાણી, દિયર-દેરાણીનો ત્રાસ હોવાનું ખુલતાં તમામ સામે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધાયો છે. મકાન માટે માવતરેથી પૈસા લઇ આવવા દબાણ કરી આ બધા ત્રાસ ગુજારતાં હોવાનો આરોપ મુકાયો છે.

પૂનમબા (સંગીતાબા)એ ગઇકાલે ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લેતાં આજીડેમ પોલીસ મથકના વી.એ. કડછા અને કેતનભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. તેણીના લગ્ન દસ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ ભીમદેવસિંહ છુટક કામ કરે છે. ગઇકાલે આપઘાતનું કારણ બહાર આવ્યું નહોતું. દરમિયાન સાંજે મૃતકના ભાઇ હરિશ્ચંદ્રસિંહ (યુવરાજસિંહ) લખુભા ઝાલા (રહે. કોઠારીયા સોલવન્ટ કવાર્ટર ૨૬૨)એ પોલીસ મથકે પહોંચી પોતાના બહેને ત્રાસને કારણે આ પગલું ભર્યાનું જણાવ્યું હતું.

પોલીસે હરિશ્ચંદ્રસિંહ ઝાલાની ફરિયાદ પરથી આપઘાત કરનાર તેના બહેન પૂનમબાના સાસુ પ્રવિણાબા પ્રવિણસિંહ ઝાલા, જેઠ કુલદીપસિંહ પ્રવિણસિંહ, જેઠાણી ભાવનાબા કુલદીપસિંહ, દિયર વિરમદેવસિંહ, દેરાણી સંગીતાબા (શીલુબા) સામે આઇપીસી ૩૦૬, ૪૯૮ (ક), ૫૦૪, ૧૧૪, દહેજ પ્રતિબંધક ધારાની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

હરિશ્ચંદ્રસિંહે ફરિયાદમાં જણાવ્યું છે કે પોતાના બહેનને લગ્નના બે વર્ષ બાદથી અવાર-નવાર મેણાટોણા મારી શારીરિક માનસિક ત્રાસ ગુજારી ગાળો દઇ મારકુટ કરવામાં આવતી હતી. હવે મકાન બનાવવા માટે માવતરેથી પૈસા લઇ આવવાનું કહી દબાણ કરી દહેજ માંગી સતત ત્રાસ ગુજારાતો હતો. આ ત્રાસ સહન ન થતાં તેના બહેન પૂનમબા (સંગીતાબા) મરી જવા મજબૂર થયા છે. પી.આઇ. પી.એન. વાઘેલા, વિરેન્દ્રસિંહ ઝાલા સહિતે વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:38 am IST)