રાજકોટ
News of Thursday, 11th April 2019

ઇન્કમ ટેકસના નિવૃત કમિશનર સાથે છેતરપીંડી અને ૩ કરોડના શેર પડાવનાર બીજોય ઠક્કર પકડાયો

રાજકોટ તા.૧૧: કાલાવડ રોડ પર ગુજરાત હાઉસીંગ બોર્ડ એમ ૫૯/૬૦ ઉપર આવેલા આશુતોષ એપાર્ટમેન્ટમાં રહેતા નિવૃત એડીશ્નલ ઇન્કમટેકસ કમિશનર વિનોદશંકર ધનશ્યામભાઇ વ્યાસ (ઉ.વ.૭૪) સાથે તેમના બ્રોકીંગ હાઉસમાં ઓફિસમાં રૂ. ૪૩ લાખની રોકડની છેતરપીંડી અને ૩ કરોડના શેર ધાક-ધમકીથી પડાવવાના ગુનામાં એ ડીવીઝન પોલીસે બીજોય કાંતિલાલ ઠક્કર (ઉ.વ.૪૧) (રહે. એ/૧૧ વૃંદાવન સોસાયટી અંજાર (કચ્છ)) ની ધરપકડ કરી છે.

 મળતી વિગત મુજબ ફરિયાદી વી.જી. વ્યાસે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, એડીશ્નલ ઇન્કમટેકસ કમિશનર તરીકે નિવૃત થયા બાદ રાજકોટ સરદારનગર મેઇન રોડ ખાતે પોતે તેના પુત્ર કોૈશલે સ્પાન પાવર્સ પ્રા.લી. નામની કંપની શરૂ કરી હતી. પોતે પુત્ર સાથે કંપનીનું સંચાલન કરતા હતા. આજ ઓફિસમાં અમે શેર બ્રોકીંગ સીઆરડી કંપની પણ શરૂ કરી હતી જેમાં પ્રોપ્રાઇટર તરીકે પુત્ર કોૈશલ હતો. પોતે જયારે ૧૯૭૮ની સાલમાં ભૂજ જિલ્લામાં નોકરી કરતા હતા ત્યારથી દેવશીભાઇ નામની વ્યકિત  સાથે મિત્રાચારી હતી અને અમારે બંને પરિવારોને ઘેર આવવા-જવાના સંબંધો હતા. જે નિવૃતિ બાદ પણ ચાલુ રહ્યા હતા. ૨૦૧૪માં દેવશીભાઇએ મને વાત કરી હતી કે, મારો મિત્ર બીજોય ઉર્ફે વિનોદ કાંતીલાલ ઠક્કર અંજારમાં રહે છે. અને તે રાજકોટ માર્કેટનું સારૂ એવું જ્ઞાન ધરાવે છે તેને તમે તમારી સાથે કામ ઉપર રાખો, તેના કહેવાથી પોતે બીજોય ઉર્ફે વિનોદને રૂ. ૨૫ હજારના પગારથી રાખ્યો હતો. અને આલાપ એવન્યુમાં પોતાનું મકાન પણ રહેવા માટે આપ્યું હતું. બીજોયે વિશ્વાસ કેળવી મેટ્રોપોલીસન સ્ટોક એક્ષચેન્જ ઓફ ઇન્ડિયાના શેરમાં પૈસા રોકવાનું અને તેમાં ફાયદો થશે તેમ જણાવી પોતાના અને પત્નીના નામના બેન્ક એકાઉન્ટમાંથી રૂ. ૨૦ લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. અને બીજા શેરનો સોદો કર્યો કે નહી તે બાબતે પૂછતા બીજોયે મારી રીતે શેરનો સોદો કરી અને તમે મારા ખાતામાં હજુ વધુ ૨૦ લાખ જમા કરાવી દેજો તેમ કહી વિશ્વાસમાં લઇ વધુ રૂ. ૨૦ લાખ નેફટથી જમા કરાવી કુલ ૫૯ લાખ આરોપીના ખાતામાં જમા કરાવ્યા હતા. અને પત્નીના નામના શેર નંગ ૩૮,૦૪૩ ડીમેટ કરવા માટે આપ્યા હતા તે પરત ન આવ્યા અને આઠ કંપનીના શેરનંગ ૧૨૬૮ મારી નાખવાની ધમકી આપી બળજબરીથી પડાવી લઇ આશરે ૩ કરોડ જેટલી માતબર રકમ લઇ જઇ છેતરપીંડી કરી આર્થિક રીતે ખુબ જ મોટો ધક્કો આપ્યો હતો. આ અંગે વિનોદશંકર વ્યાસે એ ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પી.આઇ. એન.કે. જાડેજા તથા પીએસઆઇ એસ.વી. સાપરાએ કચ્છના અંજારમાં વૃંદાવન સોસાયટી એ /૧૧માં રહેતો બીજોય કાંતીલાલ ઠક્કર (ઉ.વ.૪૧)ની ધરપકડ કરી છે.

(3:30 pm IST)