રાજકોટ
News of Thursday, 11th April 2019

કાયદાના રખેવાળ જ બન્યા ખૂની!: બે પોલીસમેને પાંચ મિત્રો સાથે મળી જસદણના કાઠી યુવાનને રહેંસી નાંખ્યોઃ તેનો મિત્ર ગંભીર

જસદણના અભિલવ ખાચર (ઉ.૨૬)ને પાંચ વર્ષ પહેલાના વિપુલ હીરપરા મર્ડર કેસમાં ગઇકાલે તારીખ હોઇ તે મિત્ર કુલદીપ ખવડ (ઉ.૨૨)ને લઇ રાજકોટ આવ્યો હતોઃ કોર્ટ કામ પત્યા બાદ રાત્રે બીજા મિત્રો સાથે જમ્યા પછી બધા ઇન્દિરા સર્કલના પુલ નીચે ગોલા ખાવા ગયા ને સામુ જોઇ ગાળો બોલવા મામલે વાત હત્યા સુધી પહોંચી ગઇ : અભિલવ તેના રાજકોટ સરદારનગરમાં રહેતાં મુળ ગઢડાના ઇતરીયાના દેવેન્દ્ર ઉર્ફ બાઉ ધાધલ તથા કુલદીપ, ભગીરથ ઉર્ફ ધરમ વાળા, સાગર વાળા, સંજય ધાધલ અને મહિપાલ ખાચર રાત્રે આકાશવાણી ચોક પાસે મહાદેવ રેસ્ટોરન્ટમાં જમ્યા પછી જસદણ જતાં પહેલા આઝાદના ગોલા ખાવા ઇન્દિરા સર્કલે ગયા ને બબાલ થઇ પડીઃ પહેલા અભિલવને પડખામાં છરીનો ઘા ઝીંકાતા તે તથા મિત્રો ભાગ્યાઃ તેમાં કુલદીપ ખવડને ત્રણ જણાએ આંતરી આડેધડ છરીના ઘા ઝીંકી દીધાઃ બંનેને વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડાયાઃ જેમાં કુલદીપ ખવડએ દમ તોડી દીધોઃ અભિલવ ગંભીર હાલતમાં સારવાર હેઠળ : હત્યામાં ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલ હિરેન ખેરડીયા, પ્ર.નગરના વિજય ડાંગર, તેના મિત્ર અર્જુનસિંહ ચૌહાણનો સમાવેશઃ આ ત્રણેય સહિત કુલ ૭ શખ્સોની શોધખોળ

કાયદાના રખેવાળો જ બન્યા હત્યાના આરોપીઃ રંગીલા રાજકોટમાં રાત્રીના ઇન્દિરા સર્કલ પાસે જસદણના કાઠી યુવાનો અને તેના મિત્રોની સામે કારણવગર બે પોલીસમેન અને તેના પાંચ મિત્રોએ બૂમબરાડા કરી ગાળો ભાંડતા વાત વણસી જતાં હત્યા અને હત્યાની કોશિષની ઘટના બની હતી. જ્યાં આ બનાવ બન્યો તે ઇન્દિરા સર્કલ પાસે આવેલી દૂકાન, ત્યાં પડેલુ કોઇનું ચપ્પલ તથા બાજુમાં કુલદીપ ખવડનો નિષ્પ્રાણ દેહ અને તેનો ફાઇલ ફોટો તથા નીચેની તસ્વીરમાં મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો તે દ્રશ્ય જોઇ શકાય છે. જેમાં હત્યાનો ભોગ બનનારા કુલદીપ ખવડના સ્વજનો, મિત્રો સાથે રાજકોટના ભોમેશ્વર વાડીના કાઠી સમાજના વજુભાઇ બોરીચા-કાઠી સહિતના જોઇ શકાય છે. (તસ્વીરોઃ સંદિપ બગથરીયા-રાજકોટ તથા વિજય વસાણી-આટકોટ)

રાજકોટ તા. ૧૧: શહેરમાં કાયદો વ્યવસ્થાને પડકાર ફેંકતી વધુ એક ઘટના બની છે. યુનિવર્સિટી રોડ પર ઇન્દિરા સર્કલથી રૈયા ટેલિફોન એક્ષચેન્જ તરફ જતા રોડની સાઇડમાં પુલ નીચે આઝાદ ગોલા સામે મોડી રાત્રે પોણા બારેક વાગ્યે હત્યાની ઘટના બની છે. જેમાં  જસદણના કાઠી યુવાનની લોથ ઢળી છે અને તેના મિત્રને ગંભીર ઇજા થતાં સારવાર હેઠળ છે. ગાંધીગ્રામ પોલીસે હત્યા અને હત્યાની

કોશિષની કલમો હેઠળ મોડી રાત્રે ગુનો દાખલ કર્યો છે. ખળભળાટ મચાવનારી અને પોલીસતંત્ર માટે કાળીટીલી જેવી બાબત એ છે કે હત્યાના આરોપીઓમાં જેના નામ સામે આવ્યા છે તેમાં બે પોલીસમેન (એલઆર-લોકરક્ષક) પણ સામેલ છે!...સામ-સામે મિત્રોના જૂથ બેઠા હતાં તેમાં સામુ જોઇ મોટા અવાજે દેકારો કરી ગાળો બોલવા જેવી બાબતે આ ગંભીર ઘટના બની ગઇ છે.

પોલીસે આ ઘટનામાં મુળ બોટાદ જીલ્લાના ગઢડા તાબેના ઇતરીયા ગામે દરબાર ગઢ પ્રાથમિક શાળા પાસે રહેતાં અને હાલ રાજકોટમાં એસ્ટ્રોન ચોક પાસે સરદારનગર વેસ્ટ શેરી નં. ૨માં શિવશકિત એપાર્ટમેન્ટમાં બીજા માળે રહેતાં તથા સ્વીગી નામની ફૂડ ડિલીવરી કંપનીમાં પાંચ માસથી નોકરી કરતાં દેવેન્દ્ર ઉર્ફ બાઉ હરેશભાઇ ઉર્ફ બાબાભાઇ ધાધલ (ઉ.૨૩) નામના કાઠી યુવાનની ફરિયાદ પરથી અર્જુનસિંહ ચૌહાણ, હિરેન ખેરડીયા, વિજય ડાંગર અને બીજા ચાર અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૩૦૨, ૩૦૭, ૩૨૩, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૫૨૪, જીપીએકટ ૧૩૫ (૧) મુજબ રાયોટીંગ, હત્યા, હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો છે.

દેવેન્દ્ર ઉર્ફ બાઉ ધાધલે એફઆઇઆરમાં જે વિગતો જણાવી છે તે તેના જ શબ્દોમાં જોઇએ તો...'હું મારા મિત્રો સાથે ભાડાના ફલેટમાં એસ્ટ્રોન ચોક પાસે શિવશકિત એપાર્ટમેન્ટમાં રહુ છું અને ચાર પાંચ માસથી સ્વીગી ફૂડ ડિલીવરી કંપનીમાં નોકરી કરુ છું. મારા પિતા ખેતી કામ કરે છે અને માતાનું નામ પુષ્પાબેન છે. અમે બે ભાઇઓ છીએ અને મોટા ભાઇ નરેન્દ્રભાઇ ઉર્ફ મુન્નાભાઇ ઇતરીયા ગામે રહી ખેતી કરે છે. હું નાનો છું અને અમે બંને ભાઇઓ પરિણીત છીએ. બુધવારે રાત્રે સાડા દસેક વાગ્યે હું તથા મારા મિત્રો કુલદીપ ચાંપરાજભાઇ ખવડ (ઉ.૨૨-રહે. જસદણ , પોલારપર રોડ હુડકો વિસ્તાર) તથા અભીલવ ઉર્ફ લાલભાઇ શિવકુભાઇ ખાચર (ઉ.૨૬-રહે. જસદણ) એમ અમે ત્રણેય યુનિવર્સિટી રોડ આકાશવાણી ચોકથી આગળ મહાદેવ રેસ્ટોરન્ટ ખાતે જમવા ગયા હતાં. અમે ત્યાં હતાં ત્યારે બીજા મિત્રો ભગીરથ ઉર્ફ ધરમ અનકભાઇ વાળા (રહે. રાણપર નડાળા તા. બાબરા), સાગર જગદીશભાઇ વાળા (રહે. જસદણ) તથા નિકુંજ હરેશભાઇ જાની (રહે. રાજકોટ) પણ જમવા આવ્યા હતાં.'

દેવેન્દ્રએ આગળ જણાવ્યું હતું કે, 'અમે બધા સાથે જમ્યા બાદ મારા સરદારનગરના ફલેટ ખાતે જવા નીકળ્યા હતાં. આ વખતે હું તથા અભીલવ, સંજય અને કુલદીપ એમ ચારેય અભીલવની ફોર્ચ્યુનર કાર જીજે૧૮એએમ-૦૦૦૫માં બેઠા હતાં. જ્યારે ભગીરથ, સાગર, મહિપાલ અને નિકુંજ બે અલગ-અલગ બાઇક પર નીકળ્યા હતાં. અમે બધાએ નક્કી કર્યુ હતું કે ઘરે જતાં પહેલા રૈયા ટેલિફોન એક્ષચેન્જ તરફ જતાં રોડ પર આવેલા આઝાદ ગોલાવાળાને ત્યાં ગોલા ખાવા જવું. આથી અમે રાત્રીના આશરે પોણા બારેક વાગ્યે આઝાદ ગોલા પાસે ઉભા હતાં અને ગાડી ઉભી રાખી નીચે ઉતર્યા હતાં. આ વખતે ગોલાની દૂકાનની સામે જ આવેલ ઓવર બ્રિજની નીચે બીજા છ-સાત જણા બેઠા હતાં. એ લોકોએ અમને જોઇને ઉંચા અવાજે દેકારો શરૂ કરી ગાળો બોલવાનું ચાલુ કર્યુ હતું. જેથી મારી સાથેના અભિલવે અમને કહ્યું હતું કે આ લોકો આપણને જોઇને રાડો પાડે છે, હાલો આપણે ત્યાં જઇએ...આથી હું, અભિનવ અને કુલદીપ પુલ નીચે બેઠેલા શખ્સો પાસે ગયા હતાં.'

દેવેન્દ્ર ઉર્ફ બાઉએ પોલીસ સમક્ષ એફઆઇઆરમાં આગળ વિગતો જણાવતાં કહ્યું હતું કે, 'અમે પુલ નીચે ગયા ત્યારે ત્યાં હાજર કોઇને અમે ઓળખતા નહોતાં. અભિલવે તેને 'અમને જોઇને તમે શું કામ રાડો પાડો છો, કેમ કારણ વગર ગાળો આપો છો?' તેમ પુછતાં એ શખ્સો ઉશ્કેરાઇ ગયા હતાં અને બોલાચાલી કરવા માંડ્યા હતાં. તેમજ અભિલવ અને કુલદીપને ધક્કો મારી મને ગાળો દેવા માંડ્યા હતાં. એ પછી મેં તેને મારી ઓળખ આપી હતી અને કહ્યું હતું કે જો તમારે ઝઘડો જ કરવો હોય તો તમારે જેને બોલાવવા હોય તેને બોલાવી લો તેમ કહ્યું હતું. એ પછી અમે રોડ ક્રોસ કરી અમારી ગાડી પાસે આવ્યા હતાં. એ પછી મારા મિત્રો ભગીરથ, સાગર, નિકુંજ તથા મહિપાલ થોડા આગળ જતાં રહ્યાં હોઇ તેને ફોન કરી ગાડી પાસે આવવા જણાવ્યું હતું. આ દરમિયાન અભિલવએ તેના યશપાલભાઇ નામના મિત્રને ફોન કરી ઝઘડા બાબતે વાત કરી ઝઘડાના સ્થળે આવવા કહ્યું હતું. ત્યાં યશપાલે અભિલવને એવું કહ્યું હતું કે તમારે જેની સાથે ઝઘડો થયો છે તેમાંથી પણ એક વ્યકિતનો મને ફોન આવે છે, એ મને પણ ઓળખે છે આથી તમે કોઇ ઝઘડો ન કરતાં શાંતિથી ઉભા રહેજો, હું આવું જ છું અને તમારી વચ્ચે સમાધાન કરાવી દઉ છું તેમ કહ્યું હતું.'

દેવેન્દ્રએ વિશેષ વિગતો આપતાં જણાવ્યું હતું કે યશપાલભાઇ સાથે વાત થયા બાદ મારા મિત્રો સાગર, ભગીરથ ઉર્ફ ધરમ, નિકુંજ તથા મહિપાલ આવી ગયા હતાં. મહિપાલ સીધો જતો રહ્યો હતો એ પછી સામે બેઠેલા લોકોએ ફરીથી ગાળો આપવાનું શરૂ કરતાં અભિલવ તે પાછુ ગયેલ અને તેની પાછળ હું તથા કુલદીપ, ભગીરથ, સાગર, નિકુંજ અને સંજય પણ પાછળ ગયા હતાં. અભિલવ ત્યાં પહોંચતા અમે પણ ત્યાં જઇ સમાધાનની વાત શરૂ કરી હતી. પરંતું ત્યાં બેઠેલામાંથી એક જણાએ છરી કાઢી અભિલવને પડખામાં ઘા મારી દીધો હતો. જેથી અભિલવ ત્યાંથી ભાગેલ અને અમને પણ કહેલ કે ભાગો અહિથી, આ લોકો પાસે છરીઓ છે. જેથી અમે ત્યાંથી ભાગતા અજાણ્યા છ-સાત જણા અમારી પાછળ દોડ્યા હતાં. કુલદીપ રોડની સામે આવેલી દૂકાનો પાસે આવતાં ત્રણ શખ્સોએ તેને આંતરી લીધેલ અને પકડીને છરીઓથી ઘા ઝીંકી દીધા હતાં. જેમાં કુલદીપને પેટ, ગળા, હાથ, ગમાં આડેધડ ઘા ઝીંકી દેવાયા હતાં. જેથી કુલદીપ પડી ગયેલ અને બીજા બે શખ્સો અભિલવની પાછળ દોડ્યા હતાં અને તેને પણ છાતીના ભાગે અને હાથમાં છરીના ઘા ઝીંકી દીધા હતાં. હું ભાગતો હતો તે વખતે કોઇએ મારું ટી-શર્ટ પકડી મને મુંઢ માર માર્યો હતો. ત્યાં બીજા લોકો ભેગા થ જતાં મને માર મારનારા શખ્સો ત્યાંથી સફેદ સિલ્વર કલરની સ્કોડા, એક કાળા રંગની સ્કોર્પિયો અને બૂલેટ તેમજ સ્પ્લેન્ડર બાઇક તથા બીજા બાઇકમાં ભાગી ગયા હતાં.

કુલદીપ અને અભિલવ લોહીલુહાણ થઇ ગયા હોઇ અમે બધાએ સાથે મળી કુલદીપને અભિલવની ફોર્ચ્યુનર ગાડીમાં વચ્ચેની સીટીમાં સુવડાવેલ, ગાડીનું ડ્રાઇવીંગ અભિલવએ જ કર્યુ હતું. તેની સાથે ભગીરથ બેઠો હતો. ગાડી વોકહાર્ટ હોસ્પિટલે લઇ જવાનું કહી હું તથા સંજય, નિકુંજ રિક્ષામાં બેસી વોકહાર્ટ હોસ્પિટલે પહોંચ્યા હતાં. સાગર બાઇક લઇને આવ્યો હતો. હોસ્પિટલમાં કુલદીપ અને અભિલવને દાખલ કરવામાં આવ્યા હતા. આ વખતે અભિલવનો મિત્ર યશપાલભાઇ આવ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે તમારી સાથે ઝઘડો કરનારામાં એક અર્જુનસિંહ ચૌહાણ, બીજો હિરેન ખેરડીયા અને ત્રીજો વિજય ડાંગર હતાં અને બાકીના શખ્સો આ ત્રણેયના મિત્રો હતાં. આમ હુમલો કરનારા પૈકીના ત્રણ શખ્સના નામ મને જાણવા મળ્યા હતાં. બીજી તરફ કુલદીપનું સારવાર દરમિયાન મૃત્ય થયાનું ડોકટરે જાહેર કર્યુ હતું. અભિલવ સારવાર હેઠળ છે. અમારી સાથે ઝઘડો કરનારા તમામને હું જોયે ઓળી શકુ છું તેમ વધુમાં દેવેન્દ્ર ઉર્ફ બાઉ ધાધલે પોલીસ એફઆઇઆરમાં જણાવ્યું છે.

દેવેન્દ્રએ પોલીસને જણાવ્યા મુજબ હત્યા પાછળ નજીવુ કારણ જ જવાબદાર હોવાનું હાલ સામે આવ્યું છે. દેવેન્દ્ર, અભિલવ, કુલદીપ, સંજય સહિતના મિત્રો ઇન્દિરા સર્કલના પુલ પાસે ગોલા ખાવા બેઠા ત્યારે અર્જુનસિંહ, હિરેન અને વિજય તથા ચાર અજાણ્યાએ દેવેન્દ્ર સહિતના મિત્રોને જોઇ રાડો દેકારા પાડી ગાળો દેતાં તેની સાથે વાતચીત કરવા અને કારણ વગર ગાળો નહિ બોલવાનું સમજાવવા જતાં બધાએ ઝઘડો કરી પહેલા અભિલવને છરીનો ઘા ઝીંકી દેતાં બધા ભાગતાં પાછળ દોડી કુલદીપને ઘેરી લઇ તેને આડેધડ છરીના ઘા મારી દીધા હતાં અને બધા ભાગી ગયા હતાં. જે પૈકી કુલદીપે હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો.

ચોંકાવનારી બાબત એ છે કે હત્યાના આરોપીઓમાં જેના નામ ખુલ્યા છે તેમાં બે શખ્સ પોલીસ કર્મચારી હોવાની વાત સામે આવી છે. જેમાં હિરેન ખેરડીયા અને વિજય ડાંગરનો સમાવેશ થાય છે. આ બંને રાજકોટ શહેર પોલીસમાં જ ફરજ બજાવે  છે. ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી તમામની શોધખોળ શરૂ કરી છે. હત્યાના બનાવની જાણ થતાં ડીસીપી  મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા, એસીપી પી. કે. દિહોરા, પી.આઇ. વી. વી. ઓડેદરા, પીએસઆઇ જે. એમ. ભટ્ટ, રશ્મીનભાઇ પટેલ, હિતુભા ઝાલા, કનુભાઇ બસીયા, દિવ્યરાજસિંહ, યુનિવર્સિટીના પી.આઇ. એ. એલ. આચાર્ય, પીએસઆઇ રબારી સહિતની ટીમ ઘટના સ્થળે અને હોસ્પિટલે દોડી ગઇ હતી અને કાર્યવાહી કરી હતી.

ગંભીર રીતે ઘાયલ જસદણના અભિલવ ખાચરની જસદણના હત્યા કેસમાં રાજકોટ કોર્ટમાં તારીખ હોઇ મિત્ર કુલદીપને લઇ રાજકોટ આવ્યો'તો

જમ્યા બાદ બધા એસ્ટ્રોન ચોકના રૂમે જવાના હતાં પણ રસ્તામાં ગોલા ખાવા જવાનું નક્કી કર્યુ ને ઘટના બની

. હત્યા-હત્યાની કોશિષની ઘટનામાં જાણવા મળેલી માહિતી મુજબ જેના પર પહેલા છરીનો ઘા થયો તે જસદણના અભિલવ શિવકુભાઇ ખાચર (ઉ.૨૬) સામે પાંચ વર્ષ પહેલા હત્યાનો ગુનો નોંધાયો હતો. જેમાં વિપુલ હીરપરાની હત્યા થઇ હતી. આ ગુનામાં અભિલવ જામીન પર મુકત છે અને હાલમાં કેસ ચાલુ છે. આ કેસની ગઇકાલે ૧૦મીએ ગુરૂવારે રાજકોટ કોર્ટમાં મુદ્દત હોઇ અભિલવ બુધવારે રાત્રે મિત્ર જસદણના જ કુલદીપ ખવડ (ઉ.૨૨)ને પોતાની ફોર્ચ્યુનર કારમાં  સાથે લઇને રાજકોટ આવ્યો હતો અને એસ્ટ્રોન ચોકમાં સરદારનગરમાં રહેતાં મિત્ર દેવેન્દ્ર ઉર્ફ બાઉ ધાધલને ત્યાં રોકાયો હતો. ગઇકાલે બપોર બાદ કોર્ટની તારીખનું કામ પુરૂ થયા બાદ અભિલવ અને કુલદીપ રાજકોટમાં જ રોકાયા હતાં. રાત્રે બીજા મિત્રો દેવેન્દ્ર ઉર્ફ બાઉને લઇને આકાશવાણી ચોક પાસે મહાદેવ રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતાં. જ્યાં બીજા મિત્રો સાગર વાળા, નિકુંજ જાની, સંજય ધાધલ, મહિપાલ ખાચર પણ આવ્યા હતાં.

અહિથી બધા જમીને ઉભા થયા પછી અભિલવ અને કુલદીપ પહેલા મિત્ર દેવેન્દ્રના ફલેટ પર જઇ ત્યાંથી જસદણ જવા રવાના થવાના હતાં. પરંતુ એ પહેલા બધાએ સાથે મળી ઇન્દિરા સર્કલ પાસે આવેલા આઝાદના ગોલા ખાવા જવાનું નક્કી કર્યુ હતું. જો ગોલા ખાવા ન ગયા હોત તો કદાચ આ ગંભીર ઘટના ઘટી જ ન હોત. પણ કાળ જાણે બોલાવતો હોય તેમ બધા મિત્રો ત્યાં પહોંચ્યા હતાં અને ઓર્ડર આપવાની તૈયારી કરતાં હતાં ત્યાં સામે ઓવરબ્રીજની નીચે બેઠેલા છ-સાત શખ્સોએ સામે જોઇ ઉંચા અવાજે બૂમ બરાડા ચાલુ કરી ગાળો બોલતાં તેને અભિલવ સમજાવવા જતાં વાત વણસી હતી અને હત્યા તથા હત્યાના પ્રયાસની ઘટના બની હતી.

હત્યાનો ભોગ બનનાર કુલદીપ ખવડની સગાઇ થઇ ચુકી'તીઃ બે બહેનનો એકનો એક ભાઇ હતો

. રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે જેની હત્યા થઇ તે જસદણમાં પોલારપર રોડ પર હુડકો વિસ્તારમાં રહેતો કુલદીપ ખવડ બે બહેનનો એકનો એક ભાઇ અને માતા-પિતાનો એક જ લાડકવાયો હતો. તેના પિતા ચાંપરાજભાઇ ખવડ સાથે ખેતીવાડી સંભાળતો હતો. તેના મોટા બહેનનું નામ ગાયત્રીબેન અને નાના બહેનનું નામ જયશ્રીબેન છે. તેની સગાઇ બે-અઢી વર્ષ પહેલા બોટાદના તરઘડા ગામે રહેતાં મામાની દિકરી સાથે થઇ હતી અને આગામી સમયમાં લગ્ન થવાના હતાં. કુલદીપ ઘરેથી મિત્ર અભિલવ સાથે રાજકોટ જઇ રહ્યાનું અને ગુરૂવારે આવી જશે તેમ કહીને નીકળ્યો હતો. પણ કોઇને કયાં ખબર હતી કે રાજકોટથી તેનો મૃતદેહ જ પાછો આવશે! એકના એક દિકરાની હત્યાથી ખવડ પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો છે. ઘટનાની જાણ થતાં રાજકોટ રહેતાં કાઠી સમાજના વજુભાઇ કાઠી સહિતના પણ હોસ્પિટલે દોડી ગયા હતાં અને મૃતકના સ્વજનોને મદદરૂપ થયા હતાં.

હત્યાની ઘટનામાં એક આરોપીને પણ ઇજાઃ ખાનગીમાં સારવાર લીધાની શકયતા

. હત્યા-હત્યાની કોશિષની ઘટનામાં જેના આરોપી તરીકે નામ ખુલ્યા છે તેમાં બે પોલીસમેન વિજય ડાંગર અને હિરેન ખેરડીયાનો પણ સમાવેશ થાય છે. જેમાં વિજય ડાંગર પ્ર.નગર પોલીસ મથકમાં અને હિરેન ખેરડીયા ટ્રાફિક બ્રાંચમાં ફરજ બજાવે છે. બંને એલઆર (લોકરક્ષક) છે અને તાજેતરમાં જ ભરતી થયા છે. આ ઘટનામાં એક આરોપીને પણ ઇજા થઇ છે અને તેણે ખાનગીમાં સારવાર લીધાની શકયતા છે. પોલીસ તમામને શોધી રહી છે.

અભિલવ અને આરોપી પક્ષ બંનેએ એક જ વ્યકિતને મદદ માટે ફોન કર્યો...તેણે કહ્યું-ઝઘડો ન કરતાં હું આવીને સમાધાન કરાવી દઉં છું...પણ એ પહેલા વાત વણસી ગઇ

. ઘટનાની શરૂઆત ઇન્દિરા સર્કલ પાસેના આઝાદ ગોલાવાળાની દૂકાન પાસેથી થઇ હતી. એ પછી પુલ નીચેના રોડ પર નિલકંઠ એન્ટરપ્રાઇઝ નામની દૂકાન સામે બધા પહોંચ્યા હતાં. એ પહેલા અભિલવે પોતાની અને મિત્રો સામે જોઇ દેકારો કરી ગાળો આપી રહેલા શખ્સોને સમજાવતાં અને જો ઝઘડો કરવો જ હોય તો જેને બોલાવવા હોય એને બોલાવી લ્યો તેમ કહેતાં સામેના પક્ષ તરફથી યશપાલભાઇ નામના કાઠી યુવાનને ફોન કરાયો હતો. સામા પક્ષે અભિલવે પણ યશપાલભાઇને ફોન કર્યો હતો. આમ બંને જૂથે જેને મદદ માટે ફોન કર્યો હતો એ વ્યકિત બંનેને ઓળખતી હોઇ તેણે બંનેને શાંતિ રાખવા અને ઝઘડો નહિ કરવા ફોનમાં સમજાવ્યા હતાં તેમજ પોતે તુરત જ પહોંચે છે અને સમાધાન કરાવી દે છે તેવી વાત કરી હતી. પરંતુ યશપાલભાઇ ઘટના સ્થળે પહોંચે એ પહેલા વાત વણસી ગઇ હતી અને એકની હત્યા થઇ હતી, તો બીજાની હત્યાનો પ્રયાસ થયો હતો. હત્યા પાછળ માત્ર સામુ જોઇ દેકારો કરવો અને ગાળો દેવી એવું જ કારણ હાલ બહાર આવ્યું છે. આમ છતાં આરોપીઓ પકડાયા બાદ બીજી નવી વિગતો સામે આવે તેવી શકયતા છે.

બનાવ નજરે જોનાર અભિલવના મિત્ર સ્વીગીના ફૂડ ડિલીવરીમેન દેવેન્દ્ર ઉર્ફ બાઉ ધાધલની ફરિયાદ

. ગાંધીગ્રામ પોલીસ મથકના પી.આઇ. શ્રી વી. વી. ઓડેદરા, પીએસઆઇ ભટ્ટ, રશ્મીનભાઇ પટેલ, રાહુલભાઇ વ્યાસ, કિશોરભાઇ ઘુઘલ સહિતની ટીમે ગંભીર રીતે ઘવાયેલા જસદણના અભિલવ ખાચરના રાજકોટ એસ્ટ્રોન ચોકમાં રહેતાં મિત્ર મુળ ગઢડાના ઇતરીયા ગામના દેવેન્દ્ર ઉર્ફ બાઉ ધાધલની ફરિયાદ પરથી ગુનો દાખલ કર્યો છે. ઘટના આ યુવાને નજરે નિહાળી હતી. દેવેન્દ્ર સ્વીગી ફૂડ કંપનીમાં ડિલીવરીમેન તરીકે કામ કરે છે અને કેટલાક સમયથી તે રાજકોટમાં રૂમ ભાડે રાખી રહે છે. તેના ફલેટે જ  અભિલવ, મિત્ર કુલદીપ સહિતના રોકાયા હતાં.

(3:30 pm IST)