રાજકોટ
News of Monday, 11th March 2019

મેયર સહિતના પદાધિકારીઓની ૮ ગાડી જમાઃ ૪૮૯ રાજકીય બેનરો - ઝંડીઓ - પોસ્ટરો જપ્ત

રાજકોટમાં લોકસભા ચૂંટણીની આચારસંહિતાની અમલવારી શરૂ

આદર્શ આચારસંહિતાઃ લોકસભાની ચૂંટણીની આદર્શ આચારસંહિતાની અમલવારીના ભાગરૂપે મ્યુ. કોર્પોરેશનમાં મેયર સહિતના ૮ પદાધિકારીઓની મોટર કાર જમા લઈ લેવાઈ છે જે તસ્વીરમાં દર્શાય છે. અન્ય તસ્વીરમાં જગ્યા રોકાણ વિભાગ રાજકિય પોસ્ટર, બેનરો, ઝંડીઓ દૂર કરી રહેલ દર્શાય છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા.૧૧: આગામી એપ્રિલ મહિનામાં દેશની લોકસભાની ચૂંટણીઓ યોજાનાર છે જેનું જાહેરનામું ગઇકાલે દેશનાં ચૂંટણીપંચે બહાર પાડીને તમામ લોકસભા ચૂંટણી ક્ષેત્રોમાં ગઇકાલી આદર્શ આચારસંહિતા લાગુ પાડી દીધી છે. મ્યુ.કોર્પોરેશન દ્વારા આ આચારસંહિતાનો અમલ શરૂ કરી દેતાં આજથી મેયર સહિતના પદાધિકારીઓની મોટરકારોને જમા લેવાઇ છે ત્યાં શહેરમાંથી રાજકીય લખાણો વાળા બેનરો, પોસ્ટરો, ઝંડીઓ વગેરે જપ્તીમાં લેવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ ચૂંટણી પંચના આદેશ અનુસાર મ્યુ.કોર્પોરેશનનાં ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગે (૧) મેયર, (ર) સ્ડેન્ડીંગ કમિટી ચેરમેન, (૩) ડે. મેયર, (૪) શાસકપક્ષ નેતા, (પ) વિપક્ષી નેતા, (૬) શિક્ષણ સમિતી ચેરમેન, (૭) માધ્યમિક શિક્ષણ અને ફાયર બ્રિગેડ સમિતિ ચેરમેન વગેરે પદાધિકારીઓની ઇનોવા મોટરકાર તથા ઝાયલો સહિત કુલ ૮ ગાડીઓ જપ્તીમાં લઇ લેવાઇ છે.આમ, આજથી મેયર સહિતનાં પદાધિકારીઓની સરકારી ગાડીઓની સુવિધા ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી છિનવી લેવાઇ છે.આ ઉપરાંત આચારસંહિતાની અમલવારીનાં ભાગરૂપે આજે સવારથી જગ્યા રોકાણ વિભાગની ૮ ટીમોએ શહેરનાં ત્રણેય ઝોનમાંથી  આજે બપોર સુધીમાં કુલ ૩૪૩ જેટલી રાજકીય પક્ષોની ઝંડીઓ, ૮૬ જેટલા બેનરો, અને ૩૪ જેટલાં રાજકીય લખાણો વાળા પોસ્ટરો સહિત કુલ ૪૮૯ જેટલી ચીજવસ્તુઓ જપ્તીમાં લીધી હતી.

ઉપરોકત બેનરો વગેરે રાજકિય ચીજવસ્તુઓ સરકારી મિલ્કતો, થાંભલાઓ, રોડ, ડીવાઇડરો, હોર્ડીંગ્સ બોર્ડ, બસ સ્ટોપ, ટ્રાફિક સર્કલો વગેરે સ્થળોએથી દૂર કરાયા હતા.

(3:19 pm IST)