રાજકોટ
News of Monday, 11th February 2019

ગાંધી વિચાર થયો મંચસ્થ : નાટક 'રંગી મોહન કે રંગ' નિહાળી દર્શકો - ભાવિકો અભિભૂત

રાજકોટ : રાજકોટના કલાકારોએ તૈયાર કરેલું નાટક રંગી મોહન કે રંગ દર્શકો-ભાવિકોમાંઙ્ગ સરસ આવકાર પામ્યું છે. ગાંધીજી અને એમના અનુયાયી મેડેલીન સ્લેડ-મીરાંબહેનના સંબંધોને માધ્યમ બનાવીને ગાંધી વિચાર વહાવવાનો એક સરસ પ્રયાસ લોકોને ગમ્યો હતો. હેમુ ગઢવી હોલ ખાતે ગુજરાત રાજય સંગીત નાટ્ય અકાદમીના આર્થિક સહયોગથી યોજાયેલા આ નાટ્યપ્રયોગ પુર્વે દીપ પ્રાગટ્ય પ્રદેશ ભાજપના અગ્રણી નિતિન ભારદ્વાજે કર્યું હતું અને કહ્યું હતું કે ગાંધીવિચારને રાજકોટના કલાકારો આ રીતે મંચ પર લાવી રહ્યા છે એ બિરદાવવા લાયક છે. આ અવસરે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની, અકાદમીના અધ્યક્ષ પંકજ ભટ્ટ, સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા વગેરે ઉપસ્થિત રહ્યા હતા જયારે યંગમેન ગાંધીઅન એસોસિએશનના બળવંતભાઇ દેસાઇ, જાણીતા અર્થશાસ્ત્રી ડો.કે.કે.ખખ્ખર, યુજીસી એચઆરડીસીના ડાયરેકટર ડો. કલાધર આર્ય, કળાભાવક અને ઉદ્યોગપતિ દીપક મહેતા-ભારતીબહેન મહેતા, ફુલછાબના તંત્રી કૌશિક મહેતા, ડો. ભદ્રાયુ વછરાજાની,કવિ સંજુ વાળા વગેરે પણ આ નાટ્યપ્રયોગના સાક્ષી બન્યા હતા. શોનું આયોજન સેવન્થ સેન્સ કન્સેપ્ટ્સના હારિતઋષિ પુરોહિતે કર્યું હતું.

મહાત્મા ગાંધીના વિચારથી પ્રભાવિત થઇને ઇંગ્લેન્ડથી બધું છોડી ભારતમાં આવીને વસેલા મેડેલીન સ્લેડના પૂર્વજીવનની વિગતો નાટકમાં બહુ ટુંકમાં વણી લેવાઇ હતી. અલગ અલગ ઉંમરની ચાર મેડેલીન મંચ પર દર્શાવાઇ હતી. ૧૦ વર્ષની બાળકી, ૭ વર્ષના બાળક પાસેથી પણ સરસ કામ લેવાયું એ પછી મીરાંબહેનનો ઉછેર, લંડનનો એમનો વસવાટ વગેરે પણ શકય એટલી સજ્જતાથી દર્શાવાયું હતું. જે વ્યકિત એક તબક્કે બધું ત્યાગે એનું બાળપણ કેવું રમતિયાળ, કેટલું આનંદમય હતું એ પણ સરસ રીતે દર્શાવાયું.નાટકમાં ૫૦ ટકાથી વધારે કલાકાર પ્રથમ વાર સ્ટેજ પર હતા.

મહાત્મા ગાંધીની ભૂમિકામાં રક્ષિત વસાવડા, મીરાં બહેનની ભૂમિકામાં શ્રીમતિ સોના કારિયા અને મહાદેવ દેસાઇ તથા પૃથ્વીસિંહની ભૂમિકામાં હર્ષિત ઢેબરે સરસ કામ કર્યું. એની સાથે અલગ અલગ પાત્રોમાં ૨૫થી વધારે કલાકારો હતા. એક જ વ્યકિતએ બે કે ત્રણ પાત્ર ભજવ્યાં હોય એવું પણ અહીં છે. એક જ મંચ પર આશ્રમ,યુરોપ એવા અલગ અલગ પરિવેશ અને ટ્રેન, કાર જેવી રજૂઆતે મંચરચનાકાર કેયુર અંજારિયાની સૂઝબૂઝ અને પરિશ્રમનો પરિચય આપ્યો. ચેતન ટાંકના પ્રકાશ સંચાલન અને ચેતસ ઓઝાના સંગીત સંચાલને નાટકને વધુ રસાળ બનાવ્યું. ફલક છાયાના સંગીતને ત્યાં બેઠેલા સૌ કૌઇએ વખાણ્યું હતું. ૧૯૨૫ થી ૧૯૫૯ સુધી ભારતમાં વસેલા મીરાંબહેનના જીવનનો એક સુંદર દસ્તાવેજ ઙ્ગરજૂ થયો એની સાથે અલગ અલગ પુસ્તક,પ્રવચનમાં પથરાયેલા ગાંધીવિચારને પણ અહીં મંચસ્થ કરાયો હતો. આશ્રમનું જીવન, ઉપવાસનું મહત્વ,રેંટિયો અને કાંતણનું મહત્વ, ગાંધીજીના વિવિધ સિધ્ધાંત-વ્રત પણ નાટકનો ભાગ હતા. દરેક દ્રષ્યમાં ઊંડું સંશોધન,ગાંધી સાહિત્યનો અભ્યાસ સીધાં દેખાઇ આવતાં હતા. દાંડીકૂચ, ગોળમેજી પરિષદ, ભગતસિંહની ફાંસી પછી ગાંધીજી સામેનો આક્રોશ સહિતની ઘટના જીવંત રીતે રજૂ થઇ ત્યારે ઉપસ્થિત દર્શકો વાહ બોલી ઉઠ્યા તો દેશ આઝાદ થયો એ દ્રષ્ય સહિતના અનેક સંવેદનશીલ સીન વખતે દર્શકોની આંખ પણ ભીની થઇ ગઇ હતી. ક્રિએટીલ લીબર્ટીના નામે તથ્ય સાથે કોઇ છેડછાડ કર્યા વગર,વિષયને વિષય રહેવા દઇ,મનોરંજક બનાવવાની કે લોકોની તાળી ઊઘરાવવાની લ્હાય વગર નાટકના રુપમાં ઐતિહાસિક દસ્તાવેજ રજૂ કરવાનો પ્રયાસ અહીં થયો હતો. નાટકનું લેખન જેમણે કર્યું છે એ પત્રકાર જવલંત છાયાએ કર્યું હતું.(૨૧.૩૨)

(3:52 pm IST)