રાજકોટ
News of Monday, 11th February 2019

જિલ્લા પંચાયતના દ્વારે પ્રાથમિક શિક્ષકોના ધરણા

રાજકોટ : જીલ્લાના તમામ શિક્ષકોના સરકાર સામેના પડતર પ્રશ્નના ઉકેલ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજીત આજે ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જેમાં જીલ્લામાંથી રપ૦ થી વધુ શિક્ષકો એક દિવસની સી. એલ. મુકીને હાજર રહેલ. દરેક શિક્ષક તેમની ફરજ પર તારીખ ૧૧ થી ૧૬ ફેબ્રુઆરી ૧૯ સુધી કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવના છે. માંગણીના ઉકેલ માટેસરકાર સામે ધરણા યોજી રજૂઆત છે. આ માંગણીઓમાં ૧૯૯૭ થી ફીકસ પગાર નોકરી કરતા શિક્ષકોની સળંગ સીનીયોરીટી ગણવા બાબત, ભથ્થાઓ સાતમાં પગાર પંચ મુજબ અમલવારી કરવી. ઉચ્ચ પ્રાથમિક (ધો. ૬ થી ૮) ના શિક્ષકોનો પગાર ગ્રેડ ૪ર૦૦ આપવો. બિન શૈક્ષણીક કામગીરી બંધ કરવી. નવી પેન્શન યોજના બંધ કરી જૂની પેન્શન યોજના ચાલુ કરવી. મુખ્ય શિક્ષકોના આર. આર. નકકી કરવા. તેમજ નિવૃત શિક્ષકોના સ્થાને ઉ.વી. સહાયકોને પુરા પગારમાં સમાવવા વગેરેનો સમાવેશ થાય છે. જિલ્લા પંચાયતના દરવાજા પાસે ધરણામાં બેઠેલા જિલ્લાભરના શિક્ષક પ્રતિનિધીઓને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રતુભાઇ ચાવડા, મહામંત્રી જયંતીભાઇ આદ્રોજા વગેરેએ સંબોધી એકતાથી લડત કરવાની હાકલ કરી હતી. (તસ્વીરો : સંદીપ બગથરીયા)

(3:51 pm IST)