રાજકોટ
News of Monday, 11th February 2019

'દિકરાનું ઘર' વૃદ્ધાશ્રમમાં રજૂ થયું રામાયણના એક અનોખા પ્રકરણનું નાટક 'મોક્ષ'

'કૌશિક સિંધવ નાટ્ય તાલીમ ફળીયા' દ્વારા રાવણના સાત્વિક અને આધ્યત્મ સ્વરૂપનું ભવ્ય દર્શન

રાજકોટ : સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી રૂક્ષ્મણીબેન દીપચંદ ગારડી વૃધ્ધાશ્રમ 'દિકરાનું ઘર' રાજકોટ ઢોલરામાં 'કૌશિક સિંધવ નાટ્ય ફળીયુ' એ પોતાનું નાટક 'મોક્ષ'ની અત્યંત મનમોહન રજૂઆત કરી હતી. વૃધ્ધાશ્રમના વડીલોના મનોરંજન માટે સંસ્થાના અગ્રેસરો મુકેશ દોશી, અનુપમ દોશી તથા સુનિલ વોરાના આયોજનમાં રજૂ થયેલ નાટક 'મોક્ષ' રામાયણના એક ઓછા ખેડાયેલા કદાચ કાલ્પનિક પ્રકરણ પર દૃષ્ટિપાત કરાવે છે. જેના લેખક છે જામનગરના વરિષ્ઠ નાટયકાર શ્રી પ્રકાશ વૈદ્ય. નાટકમાં અહી મુખ્યપાત્ર રાવણ છે. જેનું આ નાટકમાં એક એવું સાત્વિક આધ્યાત્મિક સ્વરૂપ દર્શાવાયુ છે જેને જોઇને તેને માટે ધૃણા નહી પણ સહાનુભૂતિ થાય. ગુજરાત સંગીત નાટક અકાદમીના પુરસ્કાર આર્થિક સહયોગે રજૂ થવા પામ્યુ હતુ.

આ નાટકમાં મંદોદરી વિભીષણ, નારદજી તથા બૃહસ્પતિ વિ.જેવા તેજોમયી વ્યકિતત્વ ધરાવતા પાત્રો પણ છે. જે પાત્રોમાં કુ.હેતલ રાવલ, ધવલ પાંભર, કૈરવ ભાર્ગવ, પ્રતિક સોલંકી, શ્રીધર મહેતા, પવન કાપડીયા, નૈમિષ રાજગોર, ભૌમિક મકવાણા, સંકેત મહેતા, આકાશ સલુજા, અક્ષય થોરીયા, નિલેશ ચૌહાણ, કુ.રૂચિતા ટાંક જેવા કુલ ૧૫-૨૦ યુવા તાલીમાર્થી કલાકાર કસબી સહિતનાઓને કૌશિક સિંધવે અભિનય તાલીમ આપી તૈયાર કર્યા હતા. જેઓએ આવા પોષાકી પૌરાણીક નાટકમાં ખાસ જરૂરી ઉચ્ચાર શુધ્ધિ સાથેનો લાજવાબ અભિનય આપ્યો હતો. જે જોઇ સર્વે આયોજકો સ્ટાફ મિત્રો તેમજ વૃધ્ધ વડીલો ખૂબ જ પ્રભાવિત થયા હતા. પીઢ નાટયકાર લેખક મનિષ પારેખે જણાવ્યુ કે, તમે આ અવસ્થાએ તથા નવ યુવાનોએ આવા ભારેખમ નાટકને જીવંત આબાદ રજૂ કરતા દાદ દેવી જ પડે. તો અભિનય તથા પ્રકાશ આયોજક વિમલ નિમ્બાર્કે પ્રશિક્ષક તથા નવોદિત કલાકારોને તેની મહેનત, અભિનય માટે હૃદયથી વધાવ્યા હતા. અંતમાં બાળ કલાકાર (૮ વર્ષ) બ્રિજરાજ સિંધવે નવા જમાનાનું આર.જે.આકાશનું ગીત ગાઇ બધાને હાસ્યથી તરબોળ કર્યા હતા.

આ નાટકમાં ઓસમાણ મીર જેવા પ્રખ્યાત ગાયકે ગાયેલ શિવસ્તુતી નાટકમાં રોમાંચ ભરી દે છે. સંગીત સંશોધન રેકોર્ડીંગ સુવિધા રોકી અને હિતેશ સિનરોજા સ્ટુડીયો વૃજ, પ્રકાશ વિમલ નિમ્બાર્ક, સંગીત સંચાલન મૌલિક ભારદીયા, સિધ્ધાર્થ સિંધવ તથા મેઇક અપ કોસ્ચ્યુમ્સની જવાબદારી રાકેશ કડીયાએ સંભાળી હતી. રાજકોટમાં વાયિકમ સ્વરૂપેનો સૌપ્રથમ વખત પ્રયોગ દોઢેક વર્ષ પૂર્વ આ નાટકથી થયો હતો.

નાટય અભિનય તાલીમ આપતા નાટયફળીયાના પ્રશિક્ષક કૌશિક સિંધવે નાટય વિસ્તૃતી દિગ્દર્શન તથા પરિકલ્પન સાથે સમગ્ર રજૂઆત ઉપરાંત રાવણના એક અનોખા અંદાજની ભૂમિકામાં ૭૪ની સુપર સિનીયરની વયે પણ પોતાના દીર્ધ અભિનય અનુભવના અર્કનો આસ્વાદ આ નાટકમાં સૌને કરાવ્યો હતો.(

કૌશિકભાઇનું નાટક 'મોક્ષ' ખરેખર દર્શનીક છે : મુકેશ દોશી

'દિકરાનું ઘર'  વૃધ્ધાશ્રમના વડીલો, કમીટી સભ્યો ઢોલરાના ગ્રામજનો સમક્ષ ભજવાયેલુ મુ.કૌશિકભાઇનું નાટક 'મોક્ષ' ખરેખર દર્શનીય હતુ. આ નાટકમાં રાવણને જે રીતે રજૂ કરવામાં આવેલ છે તે આશ્ચર્યજનક છતા સુખદ ભાવ પેદા કરે છે. કોઇપણ માધ્યમે આવો રાવણ હજુ સુધી રજૂ કર્યો હોય તેવું જાણમાં નથી. કૌશિકભાઇએ પોતાના દ્વારા નાટય અભિનય શિક્ષણ પામતા કલાકારો તથા ખુદ પોતે રાવણમાં અલ્ઝાઇમર (ભૂલકણા થઇ જવાની) વયે લાંબા લાંબા સંવાદો યાદ રાખી જે મજબૂતાઇથી રાવણ ભજવ્યો તે તો ખૂબ જ વધામણીને પાત્ર રહ્યો. આ નાટક ધાર્મિક આધ્યાત્મિક સંસ્થાઓ, વૃધ્ધાશ્રમો કે મુ.વડીલોએ જોવા જેવુ છે. આવું રામાયણના વિષયનું અલગ પ્રકારનું નાટક 'વન મેન આર્મી' બની તૈયાર કરવા બદલ કૌશિકભાઇ સિંધવ (મો.૭૩૫૯૩ ૨૬૦૫૧) ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.

(3:51 pm IST)