રાજકોટ
News of Monday, 11th February 2019

વીજતંત્રે સૌરાષ્ટ્ર - કચ્છમાં ૮૦ ટકા અન્ડર ગ્રાઉન્ડ કેબલ પાથરી દીધો : ચોમાસામાં લાઇટો ગૂલએ હવે સપનું !!

માર્ચ સુધીમાં ૧૦૦ ટકા કામ પુરૂ કરી લેવાશે : રાજકોટ સહિત કુલ ૬ શહેરોનો સમાવેશ

રાજકોટ તા. ૧૧ : સૌરાષ્ટ્ર અને કચ્છના બધા જ મુખ્ય શહેરોમાં હવે ટૂંક જ સમયમાં કોઈપણ જાતની સમસ્યા કે મુશ્કેલી વિના વીજળી મળશે. ગુજરાત સરકાર દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળી પૂરી પાડતી પશ્ચિમ ગુજરાત વિજ કંપની (PGVCL) ૪૮૦ કિમી લાંબી ઓવરહેડ હાઈટેન્શન પાવર લાઈનને અંડરગ્રાઉન્ડ પાવર નેટવર્કમાં બદલવાની કામગીરી પૂર્ણ થવાની અણી પર છે અને ૧ થી ૨ મહિના કામ પુરૃં થશે તેમ સૂત્રો ઉમેરી રહ્યા છે.

ઈન્ટેગ્રેટેડ પાવર ડેવલપમેન્ટ સ્કિમ હેઠળ (IPDS) અંદાજિત ૮૦ ટકા અંડરગ્રાઉન્ડ પાવર કેબલનું કામકાજ પુરું થઈ ચૂકયું છે. બાકીનું કામ માર્ચ સુધીમાં પુરું કરવાનો અંદાજ છે. આ પ્રોજેકટમાં રાજકોટ, જામનગર, જુનાગઢ, ભાવનગર, પોરબંદર અને ભૂજના ખાસ શહેરોને સમાવેશ કરાયો છે. પ્રોજેકટ હેઠળ મુખ્ય યાત્રાધામ એવા ભાવનગરના પાલિતાણા, દેવભૂમિ દ્વારકાના દ્વારકા અને ગીમ-સોમનાથીમાંથી સોમનાથનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના અધિકારી મુજબ, ઓવરહેડ પાવર લાઈનને અંડરગ્રાઉન્ડમાં ફેરવવા માટે પ્રત્યેક કિલોમીટરે ૨૩ લાખ રૂપિયાનો ખર્ચ આવ્યો છે. જોકે નાના ટ્રાન્સફોર્મર્સની લો-ટેન્શન પાવર લાઈન ખુલ્લી રહેશે.

પાવર લાઈનને અંડરગ્રાઉન્ડ કરવાથી પાવરનો વપરાશ ઘટશે અને કોઈપણ પ્રકારની મુશ્કેલી વિના સતત વીજળી મળતી રહેશે. તેના કારણે ચોમાસા દરમિયાન લાઈટ જવાની ઘટના ઓછી બનશે. નવેમ્બર ૨૦૧૪માં યોજાયેલી યુનિયન કેબિનેટની મીટિંગમાં ગ્રામીણ વિસ્તારમાં લાઈટનું નેટવર્ક મજબૂત કરવા માટે આ સ્કીમ મંજૂર કરવામાં આવી હતી. તેના કારણે ટેકનિકલ અને કોમર્શિયલ નુકસાન ઓછું થશે.

દ્વારકામાં હાઈ ટેન્શન અને લો ટેન્શન બંને પાવર લાઈનને ૧૭ કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ કરવામાં આવી છે. આ નિર્ણયથી અમદાવાદ અને ગાંધીનગર જેમ અહીં મંદિરમાં પણ કોઈપણ મુશ્કેલી વિના સતત વીજળી મળતી રહેશે. PGVCL મુજબ ૩૦ કિમીની હાઈટેન્શન લાઈન, ૪૮ કિમીની લો-ટેન્શન લાઈન અને ૮૦૦૦ ગ્રાહક ઓવરહેડ લાઈનને અંડરગ્રાઉન્ડ કરવામાં આવશે. આથી ૩૧મી માર્ચ બાદ શહેરમાં એક પણ વીજળીના થાંભલા નહીં જોવા મળે. આ ઉપરાંત PGVCL પાલિતાણા અને સોમનાથમાં પણ લો-ટેન્શન લાઈનને અંડરગ્રાઉન્ડ નેટવર્ક તરીકે વિકસાવવા કામ કરી રહ્યું છે. આ માટે ૭ કરોડ અને ૩ કરોડનો ખર્ચ આવશે.

(3:50 pm IST)