રાજકોટ
News of Monday, 11th February 2019

બુધવારે રાજકોટમાં 'સંવિધાન બચાવો, દેશ બચાવો' રેલી : સભા

ટીમ ઈન્દ્રનીલ ફોર યુ અને રાષ્ટ્રવાદી યુવા મંચનું આયોજન : ઈન્દ્રનીલ રાજયગુરૂ - હાર્દિક પટેલ - જીજ્ઞેશ મેવાણી - કનૈયાકુમાર- સ્વામી ચક્રપાણી મહારાજ - આચાર્ય પ્રમોદ કૃષ્ણમ સભા સંબોધશે : હોસ્પિટલ ચોક ખાતે આંબેડકરજીની પ્રતિમાને ફૂલહાર કરી પદયાત્રાનો પ્રારંભ, જ્યુબેલી ચોક ગાંધીજીની પ્રતિમાને વંદના, બહુમાળી ભવન ચોકમાં સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરી સામેના મેદાનમાં જાહેરસભા : હજારો લોકો ઉમટશે

રાજકોટ, તા. ૧૧ : રાજકોટ શહેરમાં આગામી ૧૩મીના બુધવારે ''સંવિધાન બચાવો દેશ બચાવો'' શિર્ષક હેઠળ જબરદસ્ત રેલીનું આયોજન કરાયુ છે. આ રેલીમાં હજારોની સંખ્યામાં ભાઈ - બહેનો જોડાશે. રેલી બાદ ઈન્દ્રનીલ રાજયગુરૂ, હાર્દિક પટેલ, જીજ્ઞેશ મેવાણી, કનૈયાકુમાર, સ્વામી ચક્રપાણી મહારાજ અને આચાર્ય પ્રમોદ કૃષ્ણમ જાહેરસભાને સંબોધશે.

''અકિલા''ની મુલાકાતે આવેલા ટીમ ઈન્દ્રનીલ ફોર યુ અને રાષ્ટ્રવાદી યુવા મંચના આગેવાનોએ જણાવેલ કે તા.૧૩ના  બુધવારે બપોરે ૩ વાગ્યે હોસ્પિટલ ચોકમાં આવેલ ડો. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને ફુલહાર કરી રેલીનો પ્રારંભ થશે. ત્યાંથી જ્યુબેલી ચોકમાં ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કરાશે. ત્યાંથી નહેરૂજીની પ્રતિમાને ફુલહાર કરી સદર થઈ બહુમાળી ભવન ચોકમાં આવેલ સરદાર પટેલની પ્રતિમાએ આ રેલીનું સમાપન થશે. બહુમાળી ભવનના સામેના રેસકોર્ષના મેદાનમાં જાહેરસભાના રૂપમાં ફેરવાશે.

ટીમ ઈન્દ્રનીલ ફોર યુ અને રાષ્ટ્રવાદી યુવા મંચ આયોજીત આ 'સંવિધાન બચાવો દેશ બચાવો' રેલીમાં ઈન્દ્રનીલ રાજયગુરૂ, હાર્દિક પટેલ, જીજ્ઞેશ મેવાણી, કનૈયા કુમાર, સંત મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી ચક્રપાણી મહારાજ અને કલ્કી પીઠાધિશ્વરના આચાર્ય પ્રમોદ કૃષ્ણમ પણ જોડાશે ત્યારબાદ જાહેરસભાને સંબોધશે.

ટીમ ઈન્દ્રનીલ ફોર યુ અને રાષ્ટ્રવાદી યુવા મંચના આગેવાનોએ જણાવેલ કે રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકોને સંવિધાન બચાવો દેશ બચાવોના કાર્યક્રમમાં આવી રહેલા યુવાનો વિશે ફેલાવવામાં આવેલી ગેરસમજ દૂર કરવાનો અમારો આ પ્રયાસ છે. ભાજપ આરએસએસના મુઠ્ઠીભર વ્યકિતઓ (નેતા કાર્યકર્તાઓ નહિં) દેશને મનુવાદી પ્રથાનું લોકો આવે ત્યારે બંધારણ બદલી નાખવાના પ્રયાસમાં છે અને તે ફકત કાયમી સત્તા એકહથુ રાખવા માટે જે યુવાન યુવતી કે વિચારક તેની વિચારધારાને સ્વીકારે નહિં અને લોકશાહીના મુળભુત અધિકાર અને તેની જાળવણીની વાત કરે અને તેને એનકેન પ્રકારે દેશવિરોધી સાબિત કરવાના હિનકક્ષાના પ્રયાસ સંકુચિત માનસિકતા ધરાવતી ભાજપની સરકાર કરતી હોય છે. ગેરસમજથી પીડિત લોકોને માટે જાગૃત કરવા અને ભાજપ કોઈને પણ દેશદ્રોહી ન ઠેરવી દે અને જે યુવાન - યુવતીઓ અને વિચારકો નીડરતાથી લડતા હોય તે નબળી માનસિકતા સામે હિંમત હારી ન જાય તે દરકાર લેવાની ફરજ આપણા સૌની છે.

આગેવાનોએ વધુમાં જણાવેલ કે વધારે વિરોધ થઈ રહ્યો છે કનૈયાકુમારનો. સ્વાભાવિક છે તેની દેશવિરોધના નારાઓની વિડીયો વાયરલ થઈ હતી અને કેન્દ્રની ભાજપ સરકારે તેની સામે એફઆઈઆર દાખલ કરેલ હતી. કનૈયાકુમારના કહેવા મુજબ તેણે આવુ કઈ કર્યુ નથી અને હંમેશા પુરાવા રજૂ કરવા સરકારને ચેલેન્જ કરી છે અને ભાજપ સરકાર ૩ વર્ષ સુધી ચાર્જશીટ રજૂ કરી શકી નથી તેનો મતલબ કે તે આવુ કઈ બોલ્યા નથી.

કનૈયાએ દેશના પ્રાણપ્રશ્નો અને ખાસ કરી માનવ અધિકારના વિચારને આ સંકુચિત સરકારને હલાવવી છે અને દેશભકિત દાખવી છે ત્યારે આવો યુવાન આપણી ગેરસમજને લઈ ઘર ન પકડે તે જોવાની ફરજ આપના સૌની છે તે જાણ પર મૂકવું. સમજવાનું છે કે કનૈયાના ભાઈએ ભારતના સૈનિક તરીકે શહીદી વહોરી હતી. હકીકતની બાબતમાં ગુજરાતની જે તે સમયની સરકાર દ્વારા રાષ્ટ્રદ્રોહી તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. કારણ સમાજનો દરેક વર્ગ તેની પાછળ મજબૂતાઈથી ઉભો રહ્યો હતો. તે ગુજરાતના ખેડૂતોના નાત - જાતથી ઉપર રહી લડત આપી રહ્યા છે અન્ય કોઈ સંસ્થા કરી શકતી નથી.

આપણા સૌની ગેરસમજ બદલાવ લાવી શકયાની ગેરસમજ ધરાવતા યુવાન - યુવતી કે વિચારકને પ્રોત્સાહન નહિં આપે તો લડવાવાળુ કોણ બચશે? બ્રાહ્મણો વિશેય નબળુ બોલનાર જીજ્ઞેશ મેવાણીને પણ મેં બોલાવ્યા છે. તે પણ હવે સ્વીકારે છે કે સદીઓ જૂની માન્યતાઓને લઈને આદિ જાતિના લોકો આમને સામને આવી જાય તેવા પ્રયાસ હંમેશા થયા છે. રાજકીય હેતુ સાધવા અને જે બાબત બંધારણ સૌથી ઉંચા અવાજે કહેવાણી છે કે નાત - જાતએ ઝેર છે સૌ ભારતીય બનીએ એ જ વિકાસ અને દેશનાગરીક માટે શ્રેષ્ઠ છે ત્યારે ચાલો આપણે નવી રીતે વિચારવાનું ચાલુ કરીએ.

ટીમ ઈન્દ્રનીલ ફોર યુ આ બધા વ્યકિત જે કમસે કમસ દેશહિતની વાત મજબૂત કરીને હિંમતથી કરે છે તેને ટેકો આપવાની ફરજ સમજી અને બોલાવેલ છે અને તે પણ બંધારણ બચાવવાના દેશપ્રેમના કાર્યક્રમમાં કોઈ ઉપસ્થિત રહેતુ હોઈ તો શા માટે વિરોધ થઈ રહ્યો છે.

તસ્વીરમાં ''અકિલા''ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે આગામી ૧૩મીની રેલી અને સભા અંગે માહિતી આપતા સામાજીક આગેવાનો સર્વેશ્રી વશરામભાઈ સાગઠીયા, ટીમ ઈન્દ્રનીલના અભિષેક તાળા, ''પાસ''ના હેમાંગ પટેલ, અભય પટેલ તથા રાષ્ટ્રવાદી યુવા મંચના ઘનશ્યામ સરધારા - અંકુર માવાણી, ભરત કાકડીયા, રાષ્ટ્રવાદી યુવા મંચ, ભાવેશ સોરઠીયા તેમજ ટીમ ઈન્દ્રનીલના હિરાલાલ પરમાર, અરવિંદભાઈ મુછડીયા, શૈલેષભાઈ મહેતા, જયાબેન ચૌહાણ, ભરતભાઈ આહિર, લલીતભાઈ નજરે પડે છે.

(3:48 pm IST)