રાજકોટ
News of Monday, 11th February 2019

બિહારી યુવાનનો ભોગ લેનાર ગાડી એમ્બ્યુલન્સ હોવાનું આઇ-વે પ્રોજેકટના કેમેરાની મદદથી ખુલ્યું

૧૭મીએ મહાપૂજા ધામ ચોકમાં 'હિટ એન્ડ રન'ની ઘટના બની હતીઃ જીજે૩એઝેડ-૫૪૦૪ નંબરની ટવેરા એમ્બ્યુલન્સના ચાલક સામે માલવીયાનગર પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૧: શહેરના મવડી ૧૫૦ ફુટ રીંગ રોડ પર મહાપૂજાધામ ચોકમાં તા. ૧૭/૧ના રોજ 'હિટ એન્ડ રન'ની ઘટનામાં મુળ બિહારના વતની અને રાજકોટમાં મવડી રીંગ રોડ પર નવા બનતા બિલ્ડીંગની સાઇટ પર લોખંડ બાંધવાનું મજૂરી કામ કરતો મિનહાજ આલમ (ઉ.૨૪) સાઇટ પરથી બપોરે જમવા માટે જતો હતો ત્યારે અજાણ્યા વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો. આ યુવાનનું બાદમાં સારવાર દરમિયાન ૧૯મીએ મોત નિપજ્યું હતું. પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરતાં અકસ્માત સર્જી ભાગી ગયેલુ વાહન ટવેરા એમ્બ્યુલન્સ હોવાનું ખુલતાં ગુનો નોંધાયો છે.

આ બારામાં માલવીયાનગરના પીએસઆઇ એ.આર. મલેક અને અરૂણભાઇ ચાવડાએ મૃતકની સાથે જ કામ કરતાં મુળ ઇવનગર (જુનાગઢ)ના અશ્વિનભાઇ જેન્તીભાઇ જાદવ (કડીયા) (ઉ.૩૮)ની ફરિયાદ પરથી એમ્બ્યુલન્સ નં. જીજે૩એઝેડ-૫૪૦૪ના ચાલક સામે ગુનો નોંધ્યો છે. જે દિવસે અકસ્માત સર્જાયો ત્યારે પોલીસને કયુ વાહન ઠોકરે લઇ ભાગી ગયું તેની જાણકારી મળી નહોતી. એ પછી પોલીસે પોલીસ કન્ટ્રોલ રૂમમાં જઇ આઇ-વે પ્રોજેકટના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરાવતાં મિનહાજને ઠોકરે લઇ ભાગી ગયેલી ગાડી ટવેરા એમ્બ્યુલન્સ હોવાનું ખુલતાં ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. આ ગાડી ઉપલેટા તરફની હોવાની પ્રાથમિક વિગતો મળી છે. (૧૪.૫)

 

(11:40 am IST)