રાજકોટ
News of Monday, 11th February 2019

રાજકોટીયનો માટે સ્વાસ્થ્ય ક્ષેત્રે નવો સૂર્યોદય : વિજયભાઇ રૂપાણી

૧૬ હજારથી વધુ પરિવારોના માં અમૃતમ તથા આયુષ્યમાન કાર્ડનું રજીસ્ટ્રેશન કરાયું : મુખ્યમંત્રીના હસ્તે મેગા કેમ્પનો પ્રારંભ કરાયો હતો

રાજકોટ તા. ૧૧ : ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટમાં મેગા કેમ્પ દ્વારા આયુષ્યમાન કાર્ડ તથા અમૃતમ -  વાત્સલ્ય યોજનાના કાર્ડનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. ગઇકાલે શહેરના ડી.એચ.કોલેજ ખાતે આયોજીત આ કેમ્પમાં ૧૦ હજારથી વધુ પરિવારોનું માં અમૃતમ કાર્ડનું તથા ૨૫૦૦ પરિવારના આયુષ્યમાન કાર્ડનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજયના સર્વપ્રથમ આયુષ્યમાન ભારત યોજના રાજકોટ ખાતે યોજવામાં આવેલા મેગા કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ગરીબ દર્દીઓની ચિંતા સરકારે કરી છે. નાગરિકો પોતાનું દીર્ઘાયુ તંદુરસ્તીસભર વીતાવે એવી રાજય સરકારની નેમ છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વડપણ હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત હેઠળ રાજકોટ શહેરના ૯૬૦૦૦ પરિવારોના અંદાજિત પાંચ લાખ નાગરિકોને આરોગ્ય કવચ આપવા રાજકોટ મહાપાલિકા દ્વારા યોજવામાં મેગાકેમ્પમાં ઉપસ્થિત લાભાર્થીઓને સંબોધતા મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ ઉમેર્યું કે, આયુષ્યમાન ભારતના આ મેગા કેમ્પથી રાજકોટમાં સ્વાસ્થ્ય સુરક્ષાનો નવો સૂર્યોદય થયો છે.

તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કેન્દ્ર સરકારમાં ૫૪ મહિના શાસનકાળમાં જનકલ્યાણના અનેક કાર્યો કર્યા છે. તેમાં આયુષ્યમાન ભારત યોજના ગરીબો માટે આશીર્વાદરૂ૫ છે. જેનો લાભ દેશના ૧૦.૭૪ કરોડ પરિવારોના ૫૦ કરોડથી વધુ પરિવારોને મળવાનો છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, નાણાના અભાવે આરોગ્યલક્ષી સેવાથી કોઇ ગરીબ દર્દી વંચિત ન રહી જાય તેની દરકાર રાજય સરકારે લીધી છે. લોકોના ટેકસના પૈસાનો સદ્દઉપયોગ થાય એવી વ્યવસ્થા વિકસાવવામાં આવી છે. દર્દીઓને દવા, યુવાનોને શિક્ષણ અને રોજગાર તથા ખેડૂતોને સિંચાઇની સુવિધા અગ્રક્રમે આપવામાં આવી છે.

મેયર બિનાબેન આચાર્યએ આ પ્રસંગે કહ્યું કે, રાજકોટ શહેરમાં ૪૨ હજાર વાત્સલ્ય કાર્ડ આપવામાં આવ્યા છે. શહેરના ૯૬ હજાર પરિવારોને આયુષ્યમાન ભારત યોજના હેઠળ આવરી લેવામાં આવશે. આ પરિવારો માટે આ બન્ને યોજના આશીર્વાદરૂપ છે.

ઙ્ગ સ્થાયી સમિતિના ચેરમેન ઉદયભાઇ કાનગડ અને મ્યુનિસિપલ કમિશનરબી. એન. પાનીએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.  કાર્યક્રમના પ્રારંભે જાણીતી ગાયિક સુશ્રી કિંજલ દવેએ ગીતોની રમઝટ બોલાવી હતી. તેમના કાર્યક્રમને લોકોએ રસપૂર્વક માણ્યો હતો.

આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચો પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ભીખાભાઈ વસોયા, પૂર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, આઈ.એમ.એ. રાષ્ટ્રીય ઉપપ્રમુખ ડો.અતુલભાઈ પંડ્યા, આઈ.એમ.એ. વાઈસ પ્રેસી. ગુજરાત ડો.અમિતભાઈ હપાણી, આઈ.એમ.એ. પ્રમુખ રાજકોટ ડો.હિરેનભાઈ કોઠારી, ન્યુરો સર્જન ગોકુલ હોસ્પિટલ ડો.પ્રકાશ મોઢા, મેનેજીંગ ટ્રસ્ટી બી.ટી. સવાણી કીડની હોસ્પિટલ જેન્તીભાઈ ફળદુ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, જીલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તા, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, આરોગ્ય કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, બાંધકામ કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા, સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, ડ્રેનેજ કમિટી ચેરમેન જયોત્સનાબેન ટીલાળા, કોર્પોરેટર જાગૃતિબેન ઘાડીયા, પ્રીતિબેન પનારા, વિજયાબેન વાછાણી, મીનાબેન પારેખ, ડો.દર્શિતાબેન શાહ, વર્ષાબેન રાણપરા તથા રાજકોટ મહાનગરપાલિકાના ડે.કમિશનર ડી.જે.જાડેજા, ચેતનભાઈ ગણાત્રા, સી.કે.નંદાણી, આરોગ્ય અધિકારી ડો.પી.પી.રાઠોડ વિગેરે અધિકારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રેહેલ હતા.

(3:45 pm IST)