રાજકોટ
News of Monday, 11th January 2021

આ... વળી... નવું

કચરો ઉઘરાવનારા મકાન વેરાની ઉઘરાણી કરશે !

૫ હજારથી વધુનો વેરો બાકી હોય તેવા મકાન ધણીને ટીપરવાન (કચરાગાડી)નો સ્ટાફ નોટીસ આપશે

રાજકોટ તા. ૧૧ : મહાનગરપાલિકા દ્વારા હવેથી મકાન વેરાની ઉઘરાણી ટેકસ ઇન્સ્પેકટરને બદલે ટીપરવાનનો સ્ટાફ એટલે કે ઘરે-ઘરેથી કચરો એકત્રીત કરનાર કર્મચારી મારફત કરાવવા નિર્ણય લેવાયો છે.

આ અંગે મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, આ વર્ષે કોરોના કાળને લીધે વેરાના બાકીદારો સામે અતિકડક પગલા જેવા કે હરરાજી, નળ કનેકશન કપાત જેવી કાર્યવાહી કરવાના બદલે જે લોકોનો રૂ. ૫ હજારથી વધુનો વેરો બાકી છે તેવા લોકોને નોટીસ આપવાની કામગીરી થશે. કમિશનરશ્રીએ જણાવેલ કે, આ નોટીસ આપવાની કામગીરી આ વખતે ટેકસ ઇન્સ્પેકટરોને બદલે ટીપરવાનના કર્મચારીઓને સોંપવામાં આવશે. શ્રી અગ્રવાલે જણાવેલ કે, રૂ. ૫ હજારથી વધુ રકમના બાકીદારોનું વોર્ડ વાઇઝ તેમજ વિસ્તારવાઇઝ લીસ્ટ બનાવી અને ટીપરવાનના સંચાલકોને સોંપી દેવાશે. આ લીસ્ટ મુજબ ટીપરવાનના સંચાલકો ઘરે-ઘરે કચરો ઉઘરાવવા જાય ત્યારે જ બાકીદારને વેરાની માંગણા નોટીસ આપી દેશે. આમ હવે મકાન વેરાની ઉઘરાણી પણ ટીપરવાનના સ્ટાફને સોંપવાનો નવીનતમ પ્રયોગ આ વખતથી મ્યુ. કમિશનરે શરૂ કર્યો છે. નોંધનિય છે કે, વર્ષોથી આ નોટીસો પોસ્ટ વિભાગ મારફત મોકલવાની પ્રથા હતી.

(4:47 pm IST)