રાજકોટ
News of Monday, 11th January 2021

કોરોના અને કર્ફયુની અસર વચ્ચે દોરો પાવાના કામમાં છેલ્લા દિવસોમાં ધમધોમકાર તેજી આવી

૩૩ વર્ષથી આ કામ કરતાં કાનપુરના કારીગર મિથુનભાઇએ કહ્યું-માહોલ જામ્યો પણ દર વર્ષ જેવો ઉત્સાહ દેખાતો નથી

મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવા માટે રાજકોટ શહેર દર વર્ષે અધીરૂ બન્યું હોય છે. આ તહેવારની ઉજવણી માટેની તૈયારીઓ અઠવાડીયા અગાઉથી થવા માંડે છે. કોની અગાસીએ પતંગ ચગાવવી, કયાં ડી.જે.ની તાલ પર ડિસ્કો કરવાની સાથે શેરડી, ચીકી, જીંજરાની મોજ માણવી? સવારે કોના ઘરે, બપોર પછી કયાં જવું, રાતે કોના ઘરે ઉંધીયાની જયાફત માણવી? આ સહિતની તૈયારીઓ થઇ જતી હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારી અને કર્ફયુના માહોલમાં ઉતરાયણના તહેવાર માટે પણ નક્કી કરાયેલા નિયમોને કારણે પતંગરસીયાઓનો ઉત્સાહ પડી ભાંગ્યો છે. આની સીધી અસર યુપી-કાનપુરથી વર્ષોથી રાજકોટ શહેરમાં દોરો પાવાનું કામ કરવા આવતાં ધંધાર્થીઓ ઉપર પણ પડી છે. રાજકોટ સદર બજારમાં નુતન પ્રેસવાળી ગલીમાં છેલ્લા ૩૩ વર્ષથી દોરો પાવાનું કામ કરવા માટે સપરિવાર આવતાં અને મિથુનભાઇ જેવો દેખાવ હોવાને કારણે મિથુનભાઇ દોરીવાલા તરીકે જ ઓળખ ઉભી કરનારા કારીગરે કહ્યું હતું કે અમે તો બારેમાસ બસ આ જ કામ કરીએ છીએ. અહિયા રાજકોટમાં અમે નથી હોતા ત્યારે કાનપુરમાં દોરો પાવાનું કામ કરતાં રહીએ છીએ. કારણ કે એ બાજુ ઓગષ્ટમાં પતંગ ચગાવાય છે. કોરોના અને કર્ફયુની અસર અમારા ધંધાને પણ પડી છે તેમ કહી તેણે જણાવ્યું હતું કે અમારે ત્યાં સંક્રાંતના તહેવાર અગાઉ દોરો પાવા માટે રાતે પણ પતંગ રસિકો આવતાં હતાં. એ આ વખતે આવી શકયા નથી. કારણ કે કર્ફયુ નડી ગયો છે. મંદી છે, કાચા માલના ભાવ વધ્યા છે છતાં અમે ગ્રાહકોને સંતોષ આપવા અને તેમને અમારી સાથે જોડી રાખવા દોરો પાઇ આપવાના ભાવમાં એક રૂપિયાનો પણ વધારો કર્યો નથી. હજાર વારના રૂ. ૬૦ રાખ્યા છે, ૨૫૦૦ વારના રૂ. ૧૫૦ અને ૫૦૦૦ વારના રૂ. ૩૦૦નો ભાવ યથાવત રાખ્યો છે. આ વર્ષે છેલ્લા દિવસોમાં દોરો પાવાના ધંધામાં ચોક્કસ તેજી આવી ગઇ છે અને અમારો ઉત્સાહ પણ બેવડાયો છે. પરંતુ આમ છતાં કોરોનાને કારણે દર વર્ષ જેવો માહોલ હજુ જામ્યો નથી. આશા છે કે છેલ્લા ત્રણ દિવસમાં બધા કારીગરોને ભરપુર કામ મળી રહેશ. રંગીલુ શહેર રાજકોટ અમને દર વર્ષે રોજગારી પુરી પાડે છે અને આ વર્ષે પણ અમને સંતોષકારક કામ મળી રહેશે. અમે શુભેચ્છા આપીએ છીએ કે રાજકોટવાસીઓનું પતંગનું પર્વ સુખમયી નીવડે. પરંતુ પતંગ ઉડાડવાની સાથે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, ડી.જે. નહિ વગાડવા સહિતના નિયમોનું પાલન કરવું આવશ્યક રહેશે.

(3:58 pm IST)