રાજકોટ
News of Monday, 11th January 2021

થોરાળા વિસ્તારમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજુર

રાજકોટ, તા.૧૧: રાજકોટના થોરાળા વિસ્તારમાં ધર્મેશભાઇ આનંદભાઇ ચાવડા ઉ.વ.૩૭ની હત્યા કરવાના આરોપસર પકડાયેલ અને જેલમાં રહેલ આરોપી નરેશભાઇ ખોડાભાઇ દવેરા રહે. રાજકોટવાળાએ જામીન અરજી કરતા સેશન્સ અદાલતના જજશ્રી બી.બી. જાદવે આરોપીને જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકિકત એવી છે કે, આ કામમાં મરણ જનાર ધર્મેશભાઇ આનંદભાઇ ચાવડાનાઓની આ કામના અન્ય આરોપી ભીખાભાઇ ચકુભાઇ ચાવડા અને રસીકભાઇ ચકુભાઇ ચાવડા દારૂનો ધંધો કરતા હોય અને દારૂનો ધંધો કરવાની ના પાડેલ તે બાબતનું મનદુઃખ ચાલતુ હોય તે મનદુઃખનો ખાર રાખી આ કામના તમામ આરોપીઓ એક એક સંપ કરી ગેરકાયદેસર મંડળી રચી ઘાતક હથીયારો સાથે આવી મરણ જનાર સાથે બોલાચાલી ઝઘડો કરી લોખંડના પાઇપ, લાકડી, છરીથી ઇજા પહોંચાડેલ જેના કારણે ગુજરનારનુ મૃત્યુ થયાની ફરીયાદ ગુજરનારના પત્નિ જયોત્સનાબેન ધર્મેશભાઇ ચાવડા એ કુલ (૧) રતાભાઇ પરમાર (ર) મૌલીકભાઇ પરમાર (૩) નરેશભાઇ દવેરા (૪) ભીખાભાઇ ચકુભાઇ ચાવડા (પ) રસીકભાઇ ચકુભાઇ ચાવડા આરોપીઓની સામે કરેલ હતી.

ઉપરોકત ગુના સંબંધે પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરેલ અને તે પૈકી નરેશભાઇ દવેરાએ જામીન પર છુટવા અરજી કરેલ અને રજૂઆત કરેલ કે, કહેવાતા નજરે જોનાર સાહેદો ઉભા કરેલા છે અને સ્વતંત્ર સાહેદોના નીવેદનોથી વીરોધાભાસ છે, તેમજ ૨ પ્રકારની સ્ટોરી આવે છે અને પોલીસના કેસ મુજબ આરોપી નરેશ દવેરાએ ગુજરનારને લાકડીથી ઇજા પહોંચાડવાનો આક્ષેપ છે પરંતુ પોસ્ટમોર્ટમ નોટ જોતા લાકડીથી ઇજાનો કોઇ ઉલ્લેખ જણાતો નથી.

ઉપરોકત દલીલો તેમજ રજુ થયેલ દસ્તાવેજી પુરાવા લીસ્ટને ધ્યાનમાં લઇને સેશન્સ અદાલતના જજશ્રી બી.બી. જાદવે આરોપી નરેશભાઇ ખોડાભાઇ દવેરાને જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપી નરેશભાઇ ખોડાભાઇ દવેરા વતી એડવોકેટ પીયુષભાઇ એમ.રાહ, અશ્વિનભાઇ ગોસાઇ, નીવીદભાઇ પારેખ, નીતેષભાઇ કથીરીયા, જીતેન્દ્રભાઇ ધુળકોટીયા, વીજયભાઇ પટગીર, હર્ષીલભાઇ શાહ, વીજયભાઇ વ્યાસ, રાજેન્દ્રભાઇ જોશી, તેમજ પ્રકાશભાઇ પરમાર રોકાયેલા હતા.

(3:50 pm IST)