રાજકોટ
News of Monday, 11th January 2021

વચગાળાના જામીન પર છુટી ફરાર રહી ચોરી કરીઃ બાલાગામના અરવિંદને ક્રાઇમ બ્રાંચે પકડ્યો

કેશોદના ચોરીના ગુનામાં કાચા કામના કેદી તરીકે જેલમાં હતો : શાપર વેરાવળમાં બંધ ઉભેલા ટ્રકમાંથી ફોન, પેનડ્રાઇવ, રોકડ, લુંગીની ચોરી કરી'તીઃ આજીડેમ ચોકડીથી પકડાયો

રાજકોટ તા. ૧૧ :.. કેશોદમાં ચોરીના ગુનામાં જુનાગઢની જેલમાંથી વચગાળાના જામીન પર છૂટયા બાદ ફરાર કાચા કેદીને ક્રાઇમ બ્રાંચની ટીમે આજી ડેમ ચોકડી પાસેથી પકડી લઇ શાપર વેરાવળમાં તેણે બંધ ટ્રકમાંથી પણ રોકડ અને મોબાઇલની ચોરી કર્યાની કબુલાત આપી હતી.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર શ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજા, એસીપી ડી. વી. બસીયાએ નાસતા -ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપતા ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી. એમ. ધાખડા, હેડ કોન્સ. મયુરભાઇ પટેલ, અમીતભાઇ, વિરેન્દ્રસિંહ, કુલદીપસિંહ, નગીનભાઇ, સંજયભાઇ, પ્રદિપસિંહ સહિત પેટ્રોલીંગમાં હતાં. ત્યારે પ્રદીપસિંહ જાડેજા, અમીતભાઇ અગ્રાવત અને નગીનભાઇ ડાંગરને મળેલી બાતમીના આધારે કેશોદના બાલાગામના અરવિંદ અરજણભાઇ વાઢીયા (ઉ.ર૬) ને પકડી લીધો હતો. પોલીસે તેની પુછપરછ કરતા તે કેશોદ પોલીસ મથકના ચોરીના ગુનામાં જુનાગઢ જેલમાં હતો. તે વચગાળાના જામીન પર છૂટયા બાદ ફરાર થઇ ગયો હતો.

બાદ તેણે શાપર વેરાવળમાં ચાર દિવસ પહેલા એક ટ્રકમાંથી રોકડ, મોબાઇલ અને એક લૂંગીની ચોરી કર્યાની કબુલાત આપતા પોલીસે રૂ. ૧૪૪૦ રોકડ, મોબાઇલ ફોન, એક પેન ડ્રાઇવ તથા એક લૂંટી કબ્જે કરી તેને જુનાગઢ જેલમાં ધકેલી દીધો હતો. તે અગાઉ કેશોદમાં ચોરી, દારૂ અને રાજકોટના કુવાડવા વિસ્તારમાં મોબાઇલ ચોરીનાં ગુનામાં પણ પકડાઇ ચૂકયો છે.

(3:50 pm IST)