રાજકોટ
News of Monday, 11th January 2021

નવા બસ સ્ટેન્ડમાંથી હજુ ભાવનગર - જુનાગઢ તરફની બસો શરૂ નહિ કરાતા મુસાફરોમાં ભારે દેકારો : ૧૦ પ્લેટફોર્મ ખાલી પડયા છે !!

અધુરામાં પુરૃં માધાપર અને ભાવનગર રોડ પર ડેપો બનાવવાની વાતથી મુસાફરોને ભારે હાલાકી થશે : પાર્સલમાં પણ ભારે તકલીફ થશે : ડિવીઝન કચેરી તાકિદે નિર્ણય લ્યે તે જરૂરી : એસટી કર્મચારીઓમાં પણ કચવાટ

રાજકોટ તા. ૧૧ : રાજકોટને રાજ્ય સરકારે ૧૫૦ કરોડના ખર્ચે ગામની વચ્ચે નવુ અદ્યતન એસટી બસ સ્ટેન્ડ બનાવ્યું, પરંતુ રાજકોટ ડિવીઝનનો અણધડ વહિવટને કારણે મુસાફરોને હાલ ભારે હાલાકી ભોગવવી પડતી હોવાની અને ભવિષ્યમાં આ હાલાકી વધે તો નવાઇ નહી તેમ ખુદ એસટી કર્મચારીઓ અને અધિકારીઓ કહી રહ્યા છે.

હાલ નવા બસ પોર્ટ ઉપરથી ભાવનગર તરફની અને ગોંડલ રોડ પરની એટલે કે ગોંડલ, જેતપુર, જૂનાગઢ, વેરાવળ તરફ જતી બસો સિવાયની તમામ બસો જૂના બસ સ્ટેન્ડ શાસ્ત્રી મેદાનથી ઉપાડાય છે, નવુ બસ પોર્ટમાં ૩૬ પ્લેટફોર્મ છે, ૧૦ જેટલા પ્લેટફોર્મ ખાલી પડયા છે, છતાં ભાવનગર - જૂનાગઢ તરફથી બસો ઉપાડાતી નથી, એસટી તંત્ર પોતાની સવલતને કારણે મુસાફરોને હાલાકી આપી રહ્યું છે.

અધુરામાં પુરૃં માધાપર ચોકડી પાસે અને ભાવનગર રોડ પર ૮૦ ફુટના ખૂણે નવા બસ ડેપો બની રહ્યા છે, માધાપર ચોકડીએથી જામનગર - મોરબી તરફથી તો ભાવનગર રોડ પરથી ભાવનગરની બસો ભવિષ્યમાં ઉપાડાશે, પરીણામે જામનગર - ભાવનગર - મોરબી જવા માંગતા મુસાફરોને આ બંને ડેપો સુધી લાંબુ થવું પડશે. મુસાફરોમાં આ બાબતે પ્રચંડ રોષ છે, એટલું જ નહી પાર્સલ સેવામાં પણ વેપારીઓને ભારે હાલાકી પડશે, આથી આ બંને બાબતે ડિવીઝન કચેરી તાકિદે નિર્ણય લ્યે તે જરૂરી બન્યું છે.

(3:49 pm IST)