રાજકોટ
News of Monday, 11th January 2021

સસ્તા અનાજના કૌભાંડકાર ૨૫ દુકાનદારો સામે સવારથી તપાસનો ધમધમાટ : સતત ૧૦ દિવસ સુધી તમામ કાર્ડ હોલ્ડરોના નિવેદન લેવાશે

જે દુકાનદારે માલ વેચી નાંખ્યો છે તે તમામ પાસેથી રકમ વસૂલવાના પણ આદેશો : DSOના માર્ગદર્શન હેઠળ ઇન્સ્પેકટરો પરસાણીયા - ઝાલા અને ટીમો દ્વારા અંકોડા મેળવવાનું શરૂ

રાજકોટ તા. ૧૧ : અમદાવાદ સાયબર ક્રાઇમે ઝડપી લીધેલા રાજ્યવ્યાપી બોગસ ફીંગર પ્રિન્ટ કૌભાંડ અને તેમાં રાજકોટ અને જેતપુર તાલુકાના સસ્તા અનાજના ૨૫ દુકાનદારોની સંડોવણી સાબીત થતા DSO પૂજા બાવડા દ્વારા આ તમામના લાયસન્સ ૯૦ દિ' માટે સસ્પેન્ડ કરી નખાયા અને ત્યારબાદ કલેકટરની સૂચનાથી પુરવઠા અધિકારી દ્વારા ૨૫ જેટલી ટીમો બનાવી દરેક સંડોવાયેલ દુકાનદારને ત્યાં આજે સવારથી તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

DSO શ્રી પૂજા બાવડાના માર્ગદર્શન હેઠળ ઇન્સ્પેકટરો શ્રી હસમુખ પરસાણીયા, કિરીટસિંઞ ઝાલા, અન્ય નાયબ મામલતદારો, મહેસૂલ તલાટીઓની ટીમે તેમને સોંપાયેલ દુકાનો ઉપર સવારથી તપાસ શરૂ કરી છે, વિગતો મુજબ એપ્રિલ-૨૦૧૯થી ડિસેમ્બર ૨૦૧૯ સુધીમાં આ દુકાનદારે કાર્ડ હોલ્ડરોને માલ આપ્યો હતો કે કેમ, કયા મહિનામાં કેટલો માલ આપ્યો, ઓછો આપ્યો કે પછી બરોબર તથા બારોબાર કેટલા ઘઉં - ચોખા સહિતની વસ્તુઓ વેચી નાંખી તે તમામ બાબતો તપાસવાનું શરૂ થયું છે.

પૂરવઠાના સૂત્રોએ ઉમેર્યું હતું કે, તમામ ૨૫ દુકાનો ઉપર ૧૦૦ ટકા કાર્ડ હોલ્ડરોના નિવેદન લેવાશે, સતત ૧૦ દિવસ દુકાનો ઉપર ટીમોનો સવારથી સાંજ સુધી પડાવ રહેશે, તેમજ જે દુકાનદારે માલ બારોબાર વેચી નાંખ્યાનું ખુલશે તેમની સામે સીઝર તથા વેચી નખાયેલ માલ અંગે રોકડ સ્વરૂપે વસૂલાત કરવા પણ આદેશો થયા છે.

જેમને તપાસ સોંપાઇ તેમાં નાયબ મામલતદારો - ઇન્સ્પેકટરો - ઝોન ઓફિસરો - તલાટીઓમાં સર્વશ્રી શૈલેષ હાંસલીયા, એમ.વી.ડઢાણીયા, એચ.ડી.પરસાણીયા, ડી.એમ.ઝાલા, આર.વી.ગોહિલ, વી.બી.ગઢવી, વિજયસિંહ ચુડાસમા, ડો. તેજ બાણુગારીયા, એ.ડી.મોરી, એસ.સી.માનસાતા, આર.આઇ.ઉપાધ્યાય, આર.વી.મઢા, એસ.આર.ગીણોયા, આર.એમ.વાજા, એચ.બી.મકવાણા, યોગીરાજસિંહ ગોહિલ, એ.જે.જાદવ, હરેશભાઇ ગોહેલ, અંકિત શેખડા, નિશાબેન લાખાણી, રાધીકા બુહા, એચ.પી.કોરાટ, સોનલ મેઘાણી, દિવ્યેશ ઠુંમરનો સમાવેશ થાય છે. તમામ ટીમોને જે તે મામલતદાર કચેરીમાંથી રેશનકાર્ડ ધારકોનું લીસ્ટ મેળવવા, રાજનકાર્ડ ધારકોને પ્રમાણ મુજબ જથ્થો મળેલ છે કે તેની ખરાઇ કરવા, આધાર કાર્ડ સીડીંગની સભ્યવાર ખરાઇ કરવા, એનએફએસએની પાત્રતા ધરાવે છે કે કેમ તે ખરાઇ કરવા સહિતના એક ડઝન મુદ્દા અંગે તપાસ કરવા આદેશો કરાયા છે.

(3:48 pm IST)