રાજકોટ
News of Monday, 11th January 2021

શાળા-કોલેજોમાં પાંખી હાજરીમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ

કોરોના મહામારીમાં છેલ્લા ૧૦ માસથી બંધ રહેલ ફીઝીકલ શિક્ષણ : રાજકોટમાં ધો. ૧૦-૧૨માં ૨૫થી ૩૫ ટકા તેમજ કોલેજોમાં ૫ થી ૧૦ ટકા સરેરાશ વિદ્યાર્થીઓની હાજરીઃ શાળા-કોલેજોના પ્રવેશદ્વારે થર્મલગનથી ચેકીંગ, માસ્ક ફરજીયાત, એક વર્ગમાં ૨૫થી ૩૦ છાત્રોની બેઠક વ્યવસ્થાઃ ઉત્તરાયણ બાદ સંખ્યા વધવાની શકયતા

રાજકોટ, તા. ૧૧ :. કોરોના મહામારીમાં સૌથી વધુ શિક્ષણ ક્ષેત્ર પ્રભાવીત થયુ છે. છેલ્લા ૧૦ માસથી બંધ રહેલા શાળા-કોલેજો તેમજ યુનિવર્સિટીના અનુસ્નાતકો ભવનોમાં આજથી શૈક્ષણિક કાર્ય શરૂ થયુ છે. કોરોનાનો હાઉં હજુ યથાવત હોય તેમ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની હાજરી ખૂબ પાંખી જણાતી હતી.

છેલ્લા ૧૦ માસથી બંધ રહેલ શાળા-કોલેજો ખુલવાનો આજથી પ્રારંભ થયો છે. આજે રાજકોટમા શાળાઓમાં ધો. ૧૦-૧૨માં સરેરાશ ૨૫ થી ૩૫ ટકા તેમજ કોલેજો અને ભવનોમાં તો માંડ ૫ થી ૧૦ ટકા વિદ્યાર્થીઓની હાજરી જોવા મળી હતી.

આજે કેટલીક ખાનગી શાળાના સંચાલકોએ વિદ્યાર્થીઓની હાજરી માટે ખૂબ પ્રયાસો કરવા છતા મોટાભાગના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ ઓનલાઈન ઉપર પસંદગી ઉતારી છે.

રાજકોટની મોદી સ્કૂલ, ધોળકીયા સ્કૂલ, સર્વોદય સ્કૂલ, ઉત્કર્ષ સ્કૂલ, ભૂષણ સ્કૂલ, પાઠક સ્કૂલ સહિતની શાળાઓમાં ૨૫ થી ૩૫ ટકા તો રાજકોટની કણસાગરા મહિલા કોલેજ, માતુશ્રી વિરબાઈમા મહિલા કોલેજ, જસાણી કોલેજ, માલવીયા કોલેજ, સર્વોદય કોલેજમા ૫ થી ૧૦ ટકા વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.

કોરોના મહામારી વચ્ચે છેલ્લા ૧૦ માસથી બંધ રહેલ શાળા-કોલેજો અને યુનિવર્સિટીના ભવનોમાં આજે ખૂબ પાંખી હાજરી વચ્ચે શૈક્ષણિક કાર્ય શરૂ થયુ છે. કોરોનાની મહામારી વચ્ચે રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, સુરેન્દ્રનગર, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં આવેલી શાળાઓમાં ધો. ૧૦-૧૨ અને સ્નાતક કક્ષાએ અંતિમ વર્ષમા શૈક્ષણિક કાર્ય શરૂ થયુ છે.

કોરોનાની સ્થિતિમાં વાલીઓ ખૂબ ચિંતાતુર હતા પરંતુ કોરોનાના કેસમાં સતત ઘટાડો અને લોકો દ્વારા કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવતા કોરોના કાબુમાં આવ્યો ગણાવાય છે. સરકારે શાળા-કોલેજો માટે કોરોનાથી બચવા ખાસ માર્ગદર્શિકા બહાર પાડી છે. જેમા શાળાના કલાસરૂમને સેનેટાઈઝ કરવામાં આવશે.

 વિદ્યાર્થીઓ માટે માસ્ક ફરજીયાત રાખવામાં આવ્યા છે. રીસેષ તેમજ સમુહ પ્રાર્થના નહી કરવા સૂચના આપવામાં આવી છે.

રાજકોટ શહેર જિલ્લાની ધો. ૧૦-૧૨ની ૪૮ સરકારી શાળાઓ, ૨૪૨ ગ્રાન્ટેડ શાળાઓ તેમજ ૬૦૫ ખાનગી શાળાઓ શરૂ કરવામાં આવી છે. આજે પ્રથમ દિવસે ખૂબ પાંખી હાજરી જોવા મળી છે. રાજકોટ શહેર જિલ્લા માટે કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય છે કે નહીં કે નહી ? તેની તપાસ માટે ડીઈઓ એ ટીમ બનાવી છે.

કોરોનાનું સંક્રમણ અટકાવવા શાળા સંચાલકો તેમજ આચાર્યોને ખાસ સૂચના આપવામાં આવી છે. એક વર્ગમાં ૨૫ થી ૩૦ વિદ્યાર્થીઓને જ બેસાડી શકાશે.

(3:29 pm IST)