રાજકોટ
News of Saturday, 11th January 2020

સૌરાષ્ટ્ર સીડમેન એસોસીએશનના પ્રમુખપદે ડો.ઢોલરીયા

પાકના બિયારણોનું વિતરણ કરતી કંપનીઓનું મંડળઃ બીજ ઉત્પાદક કંપનીઓ ટેકનોલોજી દ્વારા ગુણવત્તાયુકત બીયારણ પૂરૂ પાડવા એસોસીએશન પ્રયત્નશીલ

રાજકોટ, તા. ૧૧ : સૌરાષ્ટ્ર સીડમેન એસોસીએશનની ત્રીજી વાર્ષિક સાધારણ સભામાં પ્રમુખ તરીકે જાણીતા કૃષિ વૈજ્ઞાનિક અને બીજ ઉત્પાદક ડો.થોભણ ઢોલરીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. આ સૌરાષ્ટ્ર સીડમેન એસોસીએશનએ બિયારણ  ઉત્પાદન કરી ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળા વિવિધ પાકના બિયારણોનું વિતરણ કરતી કંપનીઓનું મંડળ છે. જેમાં ખેડૂતોને કૃષિ ઉત્પાદન વધારવા માટે વિવિધ તાલીમ તથા માર્ગદર્શન પણ આપવામાં આવે છે.

ડો. ઢોલરીયા બીજ ઉત્પાદન ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે અને ખેડૂતોના કૃષિલક્ષી પ્રશ્નોથી પૂરા જાણકાર હોય આ સૌરાષ્ટ્ર સીડમેન એસોસીએશનના માધ્યમથી ખેતીના પ્રશ્નોના વિજ્ઞાન મારફત નિરાકરણ લાવવા ખેડૂતોને તાલીમ આપશે. સાથોસાથ આ એસોસીએશન બીજ ઉત્પાદક કંપનીઓને પણ ટેકનોલોજીના ઉપયોગથી વધુ સારી ગુણવત્તા યુકત બિયારણ ખેડૂતોને પૂરૂ પાડી શકાય જેથી કૃષિ ઉત્પાદનમાં વધારો થઈ શકે તેવા કાર્યો પણ કરવામાં આવશે.

હાલમાં કૃષિક્ષેત્રે સુધારા માટે ઘણા નવા કાયદાઓ પણ આવી રહ્યા છે. જેમાં બિયારણ તથા જંતુનાશક દવા ક્ષેત્રે નવો કાયદાના અમલમાં આ એસોસીએશન સરકારશ્રી સાથે મળી સક્રિય પ્રયત્નો કરશે. અંતમાં ડો.ઢોલરીયાના જણાવ્યા પ્રમાણે વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડુતોની આવક બમણી કરવાના પ્રધાનમંત્રીના આહવાન માટે આ એસોસીએશન ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લઈ શકાય તે પ્રકારના બિયારણો પુરા પાડશે અને કૃષિલક્ષી પ્રવૃતિઓ મારફત ખેડૂતોને માર્ગદર્શન પૂરૂ પાડશે.

(3:30 pm IST)