વાયબ્રન્ટ સૌરાષ્ટ્ર ૨૦૧૮ એકસ્પોનો રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બહિષ્કાર
રાજકોટ : એપ્રિલ-મેમાં રાજકોટ ખાતે યોજાનાર વાયબ્રન્ટ સૌરાષ્ટ્ર-૨૦૧૮ એકસ્પો માટે આજે ખાસ બેઠક શ્રી આર.સી.ફળદુ, શ્રી જયેશ રાદડિયા અને શ્રી ગોવિંદભાઇ પટેલની ઉપસ્થિતિમાં ઇમ્પીરીયલ પેલેસ ખાતે સાંજે ૭ વાગ્યે મળી રહી છે. આ બેઠકનો રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે બહિષ્કાર કર્યો છે.
ચેમ્બરે એવું નક્કી કરેલ કે, આ કાર્યક્રમ ચેમ્બરના નેજા હેઠળ જ કરવો જ્યારે અચાનક 'સોમા' (સૌરાષ્ટ્ર - ઓઇલ મીલ એસો.)ને પણ સામેલ કરાતા ખળભળાટ મચી ગયો છે. એવું જાણવા મળે છે ચેમ્બરના પ્રમુખ શ્રી શીવલાલ બારસીયા અને હોદ્દેદારો ખૂબ નારાજ થયા છે અને આજની બેઠકનો સંપૂર્ણ બહિષ્કાર કર્યાનું જાણવા મળે છે.
આજની બેઠકનું આમંત્રણ શ્રી સમીર શાહ અને શીવલાલ બારસીયાના નામથી પ્રિન્ટ થયેલ છે પરંતુ ચેમ્બરના હોદ્દેદારોને આ આમંત્રણ બપોર સુધી મળ્યું નથી. વ્હોટ્સએપ ઉપર આ નિમંત્રણ ફરી રહ્યું છે.
ચર્ચા એવી છે કે, ચેમ્બરના પ્રમુખપદે શ્રી સમીર શાહ હાલમાં નથી. માત્ર સોમાના પ્રમુખ છે ત્યારે આમંત્રણ કાર્ડમાં ચેમ્બરની સાથે સોમાનું નામ પણ પ્રિન્ટ થતા બે દિવસથી ભારે ચર્ચા ચાલી રહી છે. ચેમ્બરમાંથી કોઇ જવાના નથી તેવી બપોરે ભારે ચર્ચા છે.