રાજકોટ
News of Tuesday, 10th December 2019

વોર્ડ નં.૧રની 'વોર્ડ ઓફીસ' અન્યત્ર ખસેડવા સહીતના પ્રશ્નો ઉકેલવા માંગ

ભાજપ અગ્રણી ગોરધન લીંબાસીયાની મ્યુ.કમિશનરને રજુઆત

રાજકોટ તા.૧૦ : શહેરના વોર્ડ નં.-૧રની વોર્ડ ઓફીસને અન્યત્ર ખસેડવા આ વિસ્તારના ભાજપના અગ્રણી ગોરધનભાઇ લીબાસિયાએ મ્યુ.કમિશનરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે.

આ રજૂઆતમાં જણાવાયું છે કે, રાજકોટની જનતાને સાથ સાહેબના નેતૃત્વમાં સુખ અને સુવિધા અવિરત મળતા રહે તેવી અપેક્ષા સહ વધુમાં જણાવવાનું કે અમારા વોર્ડ નં. ૧૧ માં મવડી ચોકડી પાસે આવેલ વોર્ડ નં. ૧ર ની વોર્ડ ઓફીસ વરસોથી આવેલ છે. જે વોર્ડ નંબર ૧૧ મવડી ચોકડી પાસે ઘણો ટ્રાફીક અને સફાઇ કામદાર તેમજ વાહનથી ભરપુર હોય છે. જે રસ્તો કાયમી માટે બંધ હાલત જેવો હોય, જે અનેક પ્રકારે વાત વાતમાં ઝઘડા ઉભા કરે છે. વોર્ડ નં. ૧ર ની ઓફીસ અહીંથી અન્યત્ર ખસેડવાથી કાયમી ધોરણે ટ્રાફીક તેમજ ઝઘડા હળવા થશે જેથી ઉપરની સોસાયટી વાસીઓને ઝઘડામાંથી હળવાશ અનુભવશે.

ઉપરાંત મવડી રોડ ઉપર વિશ્વેશ્વર મંદિરથી મવડી ચોકડી સુધી મવડી રોડ ઉપર આવેલ શાક માર્કેટને અન્ય જગ્યાએ કાયમી ધોરણે બીજા વિસ્તાર જેવા કે કોઠારીયા રોડ, બેડીપરા, રૈયા રોડ ઉપર આવેલ શાક માર્કેટની માફક મવડી ચોકડીથી વિસ્તારમાં સરકારી કોર્પોરેશનના પ્લોટમાં શાક માર્કેટ ઉભી કરવી. રસ્તો પહોળો કરવા યોગ્ય અમારી લાગણીસભર માગણી છે.

(4:26 pm IST)