રાજકોટ
News of Tuesday, 10th December 2019

સપ્તસંગીતિ ૨૦૨૦ : દિગ્ગજો સાથે યુવા પ્રતિભાઓ કલા પીરસશે

નિયો રાજકોટ ફાઉન્ડેશન ફરી લાવી રહ્યુ છે શાસ્ત્રીય ગાયન - વાદન અને નૃત્યનો સંગમ : દેશના ટોચના સ્વરકારો, સંગીતકારો અને નૃત્યકારોની દરેક દિવસને અવિસ્મરણીય બનાવશે : નિઃશુલ્ક કાર્યક્રમ રજીસ્ટ્રેશન માટે અપ્રતિમ પ્રસાદ

રાજકોટ, તા.૧૦ : શહેરના કલાપ્રેમી લોકોને છેલ્લા ત્રણ વર્ષથી સતત શાસ્ત્રીય સંગીત અને નૃત્યના અવિસ્મરણીય કાર્યક્રમોની ભેટ આપી, નીઓ રાજકોટ ફાઉન્ડેશને રાજકોટવાસીઓના દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે. સતત ચોથા વર્ષે 'સપ્ત સંગીતિ' ની પરંપરાને જાળવી રાખતા, ફરી એક વખત ર૦ર૦ના જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહમાં તા.૦૩ જાન્યુઆરી થી તા. ૦૯ જાન્યુઆરી દરમિયાન નીઓ રાજકોટ ફાઉન્ડેશન શાસ્ત્રીય સંગીત અને નૃત્યના ક્ષેત્રમાં દેશના ખ્યાતીપ્રાપ્ત અને ટોચના કલાકારોને રાજકોટના આંગણે આમંત્રીત કરી ભવ્ય સાંસ્કૃતિક કલા મહોત્સવ 'સપ્ત સંગીતિ ર૦ર૦' થકી રાજકોટની કલાપ્રિય જનતાને રસતરબોળ કરવા આવી રહ્યું છે. દર વર્ષની પરંપરાને અનુસરતા આ વર્ષે પણ રાજકોટની ઉભરતી યુવા પ્રતિભાઓને 'સપ્ત સંગીતિ ર૦ર૦'ના માધ્યમથી દિગ્ગજો અને કલારસીકો સમક્ષ પોતાની કલા પ્રસ્તુત કરવાની અમુલ્ય તક સાંપડશે.

નીઓ રાજકોટ ફાઉન્ડેશનનો એક ઉદેશ રાજકોટની જનતામાં શાસ્ત્રીય સંગીત અને નૃત્યને વધુ પ્રચલિત કરવા ઉપરાંત રાજકોટના યુવા કલાકારો, કે જેઓ ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્ય કલામાં રસ દાખવે છે અને ખુબ સારા કલા-સાધકો છે, તેમને પ્રોત્સાહન આપવાનો પણ છે. તેથી દર વર્ષે દેશના ટોચના કલાકારોની પ્રસ્તુતી પહેલા રાજકોટની ઉભરતી યુવા પ્રતિભાઓ (રાઇઝીંગ સ્ટાર્સ) ને દિગ્ગજો સામે પોતાની કલા પ્રસ્તુત કરવાની તક આપવામાં આવે છે. આ વર્ષે પણ કાર્યક્રમના પ્રથમ ચરણમાં આ કલાકારોને તેમની પ્રતિભા પ્રદર્શિત કરવાની તક પ્રાપ્ત થશે.

જાન્યુઆરી ૦૩ તારીખે ઉન્નતી અજમેરા દ્વારા મોહિની અટ્ટમ નૃત્ય રજુ કરાશે, તેમણે શ્રીમતી પૂર્વીબેન શેઠ પાસેથી ભરતનાટ્યમમાં વિશારદ પૂર્ણ અને નાવંદા નૃત્ય કલા મહાવિધાલય, મુંબઈ ખાતે મોહિનીઅટ્ટમમાં અનુસ્નાતક પદવી હાંસલ કરી છે. ઉન્નતી અજમેરા એ પદ્મભૂષણ ડો. કનક રેલેના વિવિધ નાટકો ઉપરાંત કોનાર્ક ફેસ્ટિવલ ઓરિસ્સા, પુણે ખાતે ઇન્ડિયન ડાન્સ ફેસ્ટિવલ, મુંબઈમાં એનસીપીએ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની નૃત્યકલાનો પરિચય આપ્યો છે. તેમને 'કલ કી કલાકાર' શીર્ષક સન્માન, તેમજ નાલંદા નૃત્ય નિપુણ, અને ઇન્ડિયન ડાન્સ ફેસ્ટિવલ પુણે માં 'ફ્યુચર ફેસ' અને કલા તીર્થ જેવા અનેક પુરસ્કારો પ્રાપ્ત થયા છે.

૪ જાન્યુઆરી એ રાજકોટના આદિત્ય શુકલનું શાસ્ત્રીય કંઠય સંગીત માણવા મળશે. તેમણે ફકત ચાર વર્ષની વયમાં સંગીત શીખવાની શરૂઆત કરી હતી. આદિત્ય શુકલએ શાસ્ત્રીય કંઠય સંગીતમાં વિશારદ તથા અલંકારની પદવી હાંસલ કરીને છેલ્લા ત્રણ વર્ષથી ગુરૂ શિષ્ય પરંપરા મુજબ શ્રીમતી પિયુબેન સરખેલ પાસેથી 'ઇન્દોર ધરના'ની તાલીમ લઈ રહ્યા છે. ર૦૧૫માં તેમને લક્ષ્મીકાંત દોશી એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. સપ્ત સંગીતિના બીજા દિવસે આદિત્ય શુકલ સાથે સંદિપ વ્યાસ હાર્મોનિયમ સંગત કરશે. માસ્ટર ઓફ પર્ફોેમીંગ આર્ટસ ગોલ્ડ મેડલ વિજેતા સંદીપ વ્યાસ હાલમાં શ્રીમતી પિયુબેન સરખેલ પાસેથી શાસ્ત્રીય ગાયન તથા હાર્મોનિયમ વાદનમાં માર્ગદર્શન મેળવી રહ્યા છે. તાજેતરમાં વડનગર ખાતે યોજાયેલ તાનારીરી સંગીત સંમેલનમાં શ્રીમતી પીયુબેન સાથે હાર્મોનિયમ સંગત કરેલ છે. નેશનલ યુથ ફેસ્ટીવલ તેમજ કલા મહાકુંભમાં હાર્મોનિયમ એકલ વાદનમાં વિજેતા બન્યા હતા. આ ઉપરાંત પૂજય મોરારીબાપુ અને ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સન્માનિત થયેલ છે. આદિત્ય શુકલ સાથે યશ પંડ્યા તબલા વાદન કરશે. તેમણે તબલાવાદનની પ્રારંભીક તાલીમ શ્રી કિશોરભાઈ ચોટલીયા અને ત્યારબાદ શ્રી હાર્દિક કાનાણી પાસેથી મેળવી છે. તેઓ સંગીત વિશારદ છે. ઉપરાંત તેઓએ એમપીએની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે. કલા મહાકુંભ, યુવક મહોત્સવ જેવી અનેક સ્પર્ધાઓમાં વિજેતા રહ્યા છે. એકલવાદન ઉપરાંત ગાયન, વાદન અને કથક સાથે પણ કુશળતાપૂર્વક તબલા સંગત કરી રહ્યા છે. હાલમાં તેઓ પંડિત યોગેશ સમસીજીના શિષ્ય સ્વપ્નિલ ભીસેજી પાસે તબલાવાદનની તાલીમ લઈ રહ્યા છે.

તા.૫ જાન્યુઆરીના રોજ તેજશ્રી અમોનકર પંડયા દ્વારા શાસ્ત્રીય કંઠય સંગીત માણવા મળશે. તેજશ્રી અમોનકર ભારતના સુપ્રસિદ્ઘ શાસ્ત્રીય ગાયિંકા ગાનસરસ્વતી એવા જયપુર અતરૌલી ઘરાનાનાં ટોચના ગાયિકા શ્રીમતી કિશોરી અમોનકરના પૌત્રી અને રાજકોટના વિખ્યાત વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર ભૂષણભાઇ પંડયા પરિવારના પુત્રવધુ છે. તેમને ગાયનની તાલીમ તેમના દાદી કિશોરી અમોનકર પાસે થી પ્રાપ્ત કરી છે. તેમણે દેશ વિદેશ અનેક પ્રતિષ્ઠિત સંગીત સંમેલનોમાં પોતાનું ગાયન રજૂ કર્યું છે. તેઓ ખ્યાલ ગાયકી ઉપરાંત મરાઠી અભંગ અને ભજનોનો વારસો પણ બખૂબી નિભાવી રહ્યા છે. હાલ તેઓ સમયાંતરે વિવિષ શહેરો માં જયપુર ઘરાનાની કાર્યશાળાઓ તથા તાલીમ શિબિર કરી રહ્યા છે. તેજશ્રી અમોનકર સાથે નિરજ ધોળકિયા દ્વારા તબલા સંગત કરવામાં આવશે. નિરજભાઇ એ શ્રી બલરાજભાઈ ચૌધરી અને શ્રી નિતાઈ ચક્રવર્તીજી પાસે તબલાવાદનની તાલીમ મેળવી છે. નિરજ યોળકીયા એ વડોદરા ખાતે પ્રા.ડો.શ્રી સુધીર કુમાર સકસેના પાસેથી અને હાલમાં પંચોગેશ સમશીજી ની પરંપરામાં શ્રી શેખર ગાંધી પાસેથી તાલીમ મેળવી રહ્યા છે. તેમણે રાજકોટના ખલગ અલગ ઘરાનાના ગાયકો સાથે તબલા સંગત કરી છે. વિદુષી કલા રામનાથજી સાથે બે વખત દ્વારકા અને સોમનાથના નિજ મંદિરમાં ઉપરાંત પદ્મભૂષણ ગોકુલોત્સવજી મહારાજ, રસિકરાઈજી મહારાજ, પં. નીરજ પરીખ વગેરે સાથે તબલા સંગત કરી છે. પ્રતિષ્ઠીત ગ્રેમી એવોર્ડસ નોમીનેટેડ આલ્બમ 'શિવોહમ્'માં કલા પ્રસ્તુત કરી છે. હાલમાં ૨૦૦થી તેઓ સંગીત અકાદમી રાજકોટ ખાતે પ્રશિક્ષક તરીકે રાજકોટની યુવા પ્રતિભાખોને તાલીમ આપી રહ્યા છે.

તા. ૬ જાન્યુઆરીના રોજ ઉર્મી મકવાણા દ્વારા શાસ્ત્રીય કંઠય સંગીત રજુ કરવામાં આવશે. ઇલેકટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેશન એન્જીનીયર ઊર્મિએ ૦૯ વર્ષની વયે સંગીત શીખવાની શરૂઆત કરી હતી. વિશારદ કર્યા બાદ છેલ્લા દોઢ વર્ષથી પલાશ ધોળકિયા પાસે શાસ્ત્રીય ગાયનની તાલીમ લઈ રહ્યા છે, જેની સાથે સાથે તેઓ કલકત્ત્।ા જઈ ગુરૂ શ્રી ઓમકાર દાદરકર પાસેથી પણ જરૂરી માર્ગદર્શન મેળવી રહ્યા છે. તેમની સાથે વેદ શુકલ તબલા સંગત કરશે. જેઓ ૩-૪ વર્ષની વયથી જ ઢોલક, તબલા તરફ રૂચિ ધરાવતા વેદ શુકલ હાલમાં નીરજ ધોળકિયા પાસે ખુબજ નિષ્ઠા, આદર, એકાગ્રતાપૂર્વક 'ગુરૂ શિષ્ય' પરંપરા હેઠળ તબલા વાદનની તાલિમ લઈ રહ્યા છે. તેઓ રામકૃષ્ણ આશ્રમમાં શ્રી કૃપાકરાનંધ્જી (કોલકાતા), સ્વામી વિનીરમુકતનંદજી (કોચી) જેવા સંતો સાથે ધણીવાર સંગત કરી છે. તેઓને તાજેતરમાં પં. ઓમકાર ગુલવાડી પાસેથી તબલા સંગત વિષયમાં વિશેષ માર્ગદર્શન પ્રામ કરવાનો ઉત્ત્।મ અવસર મળ્યો હતો. ઉર્મી મકવાણા સાથે પલાશ ધોળકિયા હાર્મોનિયમ સંગત કરશે. તેઓ સ્વ.આતામહુમદ ખાન પાસે તાલીમ મેળવી, છેલ્લા પાંચ વર્ષથી પદ્મશ્રી પં.અજય ચક્રવર્તીજી પાસેથી તાલીમ લઇ રહ્યા છે. ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી દ્વારા આયોજીત કાર્યક્રમોમાં અનેક શહેરોમાં પ્રસ્તુતિ આપી છે. તેમણે રાજકોટ ખાતે સમસંગીતિમાં ગાયન રજૂ કરી પદ્મભૂષણ વિદુષી એન. રાજમજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. હાલમાં રાજકોટ ખાતે અનેક વિદ્યાર્થીઓને શાસ્ત્રીય ગાયનની તાલીમ આપી રહ્યા છે.

૭ જાન્યુઆરીના રોજ અર્પિત માંડવિયા દ્વારા સારંગી વાદન રજુ કરવામાં આવશે. મૂળ જામનગર ના અર્પિતે ૧ર વર્ષની વયથી જ સંગીત શીખવાની શરૂખઆત કરી હતી. તેઓ હાર્મોનિયમમાં સંગીત વિશારદ છે તથા છેલ્લા ત્રણ વર્ષ થી અમદાવાદના ઉસ્તાદ ઈકરામ ખાન સાહેબ પાસેથી સારંગીની તાલીમ લઈ રહ્યા છે. ઉપરાંત તેઓ અમદાવાદના શ્રી નીરજ પરીખ પાસે જરૂરી માર્ગદર્શન મેળવી રહ્યા છે. તેઓ ઓલ ઇન્ડિયા રેડીયોમાં બી હાઈ ગ્રેડના કલાકાર છે. હાલમાં તેઓ રાજકોટમાં કેમિકલ એન્જીનીયરીંગનો અભ્યાસ કરી રહ્યા છે. અર્પિત માંડવિયા સાથે કૃણાલ વ્યાસ તબલા સંગત કરશે. તેમણે ૯૬ વર્ષની વયે શ્રી રમણિકભાઈ માલકીયા પાસે તબલા શીખવાની શરૂઆત કરી અને વિશારદ પૂર્ણ કર્યુ છે. કૃણાલ વ્યાસે ફકત ૧૧ વર્ષની ઉંમરે પહેલુ સ્ટેજ પર્ફોર્મન્સ આપ્યું હતું. તેમણે ટીજીઈએસ સ્કૂલના મોન્સૂન ફેસ્ટ, જામનગર તથા સુરત ખાતે પોતાનું એકલ તબલા વાદન રજૂ કર્યું છે. આ ઉપરાંત તેમને પંડિત હરિપ્રસાદ ચોરસિયાના શિષ્ય પાર્થ સરકાર સાથે તબલા સંગત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલ. હાલ તેઓ અલ્લારખા ખાન સાહેબના શિષ્યા વિદુષી અનુરાધા પાલના ગંડા-બંધ શિષ્ય છે અને તબલાની વિશેષ તાલીમ લઈ રહ્યા છે.

તા. ૦૮ જાન્યુઆરીના ખ્યાતિ મેર, જયદા પારેખ અને ડોલી ઠાકર દ્વારા કથ્થક નૃત્ય રજુ કરવામાં આવશે. ખ્યાતિ મેરે ૮ વર્ષની વયથી જ હર્ષાબેન ઠકકર પાસે કથક શીખવાની શરૂઆત કરી હતી. તેમણે બૃહદ ગુજરાત સમિતિ તથા ગંધર્વ મહાવિદ્યાલયમાં અલંકાર પૂર્ણ કરેલ છે તથા ઉપાસના સ્કૂલ ઓફ પર્ફોર્મીંગ આર્ટ્સમાં એમપીએની પદવી પ્રાપ્ત કરી છે. તેમણે રાણકપૂર, સોમનાથ, જેસલમેર, મુંબઈ, કટક, ઇન્દોર, દિલ્હી, મોઢેરાના સૂર્યમંદિર જેવા વિવિધ સ્થળોએ નૃત્યની રજુઆત કરી છે. હાલમાં તેઓ રાજકોટ, અમરેલી ખને અમદાવાદમાં કથકની તાલીમ પણ આપી રહ્યા છે. તેમને ર૦૧૯માં 'કલ કે કલાકાર'નું બિરુદ પણ મળેલું છે. જયદા પારેખે કથકની તાલીમ હર્ષાબેન ઠકકર પાસેથી મેળવી, ગંધર્વ મહાવિધાલયમાંથી વિશારદની પદવી તથા બૃહદ ગુજરાતમાંથી અલંકારની પદવી પ્રાપ્ત કરેલ છે. તેમણે રાજકોટ તથા કટક (ઓરિસ્સા) ખાતે યુવક મહોત્સવમાં રાજય કક્ષા એ નૃત્ય પ્રસ્તુતિ કરેલ છે. તેઓને 'કલ કે કલાકાર'નું બિરૂદ આપવામાં આવેલ છે. હાલ તેઓ રાજકોટની વિવિધ શાળાઓ તથા સંસ્થાઓમાં કથકની તાલીમ આપી રહ્યા છે. ડોલી ઠાકરે પ વર્ષની ઉંમરથી હર્ષાબેન ઠકકર પાસે થી કથક શીખવાની શરૂઆત કરી કથકમાં અલંકાર ની પદવી પ્રાપ્ત કરેલ છે. તેમણે ટીજીઈએસ સ્કૂલની નૃત્ય સંધ્યા, યુવક મહોત્સવ, સૂર્ય મંદિર મોઢેરા જેવા સ્થળોએ નૃત્ય પ્રસ્તુતિ આપેલ છે. હાલ તેઓ રાજકોટની વિવિધ શાળા તથા સંસ્થાઓમાં નૃત્યની તાલીમ આપી રહ્યા છે.

આ વર્ષે યોજાનાર 'સપ્ત સંગીતિ ર૦ર૦'માં દિગ્ગજ અને આંતર રાષ્ટ્રિય ખ્યાતિ પ્રાપ્ત કલાકારો સતત સાત દિવસ સુધી પોતાની કલા દ્વારા સૌરાષ્ટ્રની કલા ચાહક જનતાને તરબતર કરવા આવી રહ્યા છે. આ કલાકારોની દિવસ વાર સુચી આ મુજબ છે. તા. ૩ જાન્યુઆરીના રોજ વાયોલિન વાદક વિદુષિ શ્રી કલા રામનાથ અને તબલાપર સંગત કરશે પં. રામદાસ પલસુલે, તા. ૪ જાન્યુઆરીના રોજ જાણીતા સિતારવાઇક શ્રી પુરબયાન ચેટરજીને તબલા સંગત કરશે શ્રી ઇશાન ધોષ, તા. પ જાન્યુઆરીએ પં. પાર્થો સારોથી સરોધના સંગીતથી તરબોળ કરશે અને તેમને તબલા સંગત કરશે પં. યોગેશ સમસી, તા. ૬ જાન્યુઆરીના રોજ જાણીતા બાંસુરી વાદક પં. રોનુ મજુમદાર વાંસળીના સુર રેલાવશે અને તેમને તબલા પર સાથ આપશે શ્રી શુભ મહારાજ, તા. ૭ જાન્યુઆરીએ ધ્રુપદ ગાયીકીના જાણીતા કલાકાર શ્રી ગુંદેયા બ્રધર્સના પં. ઉમાંકાંત ગુંદેયા અને તેમના ભત્રીજા અને સ્વ. રામનાથ ગુંદેયાના પુત્ર શ્રી અનંત ગુંદેયા અને તેમને પખવાજ સંગત કરશે શ્રી અખીલેશ ગુંદેચા, તા. ૮ જાન્યુઆરીના સમર્પણ બેન્ડના તબલા વાદક શ્રી ઓજસ અઢિયા, વાયોલીન વાદક શ્રી માનસ કુમાર, સેકસોફોન પર શ્રી આઇ. ડી. રાઓ, કી-બોર્ડ વાદક શ્રી વિશાલ ધુમલ, પરકયુશન પર શ્રી ગૌતમ શર્મા, અને બાંસુરી વાદક શ્રી નિનાદ મુલાઓકર દ્વારા ફ્યુઝન સંગીત રજુ કરાશે. તા. ૯ જાન્યુઆરી ના રોજ સમ સંગીતિ ર૦ર૦ ના અંતિમ દિવસે સ્વર સમ્રાટ અને દેશમાં મોખરાનુ સ્થાન ધરાવતા પદ્મવિભુષણ પંડિત શ્રી જસરાજજીના કંઠનો લાહવો રાજકોટવાસીખોને મળશે, તેમને શાસ્ત્રીય ગાયનમાં સાથ આપશે પં. રતનમોહન શર્મા અને શ્રી અંકિતા જોષી, તેમને હાર્મોનિયમ સંગત કરશે શ્રી અભિનવ રવાન્ડે અને તબલા પર પં. રામકુમાર મિશ્રા સાથ આપશે અને આવા દિગ્ગજ કલાસાધકો પોતની કલાનો પરિયય આપશે.

આ સંગીત સમારોહની ખાસીયત એ છે કે આ સમગ્ર આયોજન રાજકોટના કલાપ્રેમી પેટ્રનોની દિલાવરીને આભારી છે. જેથી દર વર્ષની માફક આ તમામ કાર્યક્રમો શ્રોતાઓ માટે નિઃશુલ્ક રહેશે. કાર્યક્રમના પાસ મેળવવા માટે સંગીતરસીકોએ 'સપ્ત સંગીતિ'ની વેબસાઈટ www.saptasangeeti.org પર નિઃશુલ્ક રજીસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટના કલાભાવકો દ્વારા રજીસ્ટ્રેશનને અપ્રતિમ પ્રતિસાદ પ્રાપ્ત થયો છે. હવે રજીસ્ટ્રેશન બંધ કરવામાં આવેલ છે. ગત ત્રણેય વર્ષોના આયોજનોમાં શ્રોતાઓએ પણ વ્યવસ્થામાં પૂરતો સહકાર આપીને તમામ કાર્યક્રમોને અપ્રતિમ સફળતા અપાવી હતી. આ વર્ષે પણ આયોજકો રાજકોટવાસીઓને અવિસ્મરણીય કાર્યક્રમોની વણઝાર આપવા કટીબદ્ધ હોવાનું જણાવાયુ છે.

(3:58 pm IST)