રાજકોટ
News of Tuesday, 10th December 2019

ઇ-સ્ટેમ્પીંગમાં લુંટાતી ગરીબ પ્રજાઃ ૧૦થી ૩૦ રૂ.નો ચાંદલો!

લોકોને સરળતાથી સ્ટેમ્પ મળે તે માટે શરૂ કરાયેલ ઇ-સ્ટેમ્પીંગ કેન્દ્રો પાસે અભણ લોકો પાસેથી ફોર્મ ભરવાના ૧૦ થી ર૦ રૂ. અને લાયસન્સદારો (નોટરી-સીએ) પણ વધારે રૂપીયા લેતા હોવાની ઉઠેલ લોકફરીયાદોઃ કલેકટર તંત્ર તપાસ કરી પગલા ભરે તેવી લોકોમાં માંગણી : પ૦ રૂ.ના ઇ-સ્ટેમ્પીંગ માટે લોકોને ૬૦ થી ૭૦ રૂ. ચુકવવા પડે છેઃ રાજકોટમાં ઇ-સ્ટેમ્પીંગના અનેક નોટરીઓને લાયસન્સો અપાયા છે પણ કમીશન ઓછું હોય મોટા ભાગના નોટરીઓએ ઇ-સ્ટેમ્પીંગ ચાલુ કર્યા નથીઃ હજુ પણ ઇ-સ્ટેમ્પીંગ સરળતાથી મળવાના બદલે કલાકો સુધી રાહ જોવી પડે છે : અરજદારો કહે છે કે અમુક નોટરીઓ તેની પાસે કામ કરાવે તો જ ઇ-સ્ટેમ્પીંગ કાઢી આપે છે! અન્યથા બહાના આપી કાઢી મુકે છેઃ ઇ-સ્ટેમ્પીંગ લાયસન્સદારો માટે નિયમાવલી બનાવવી જરૂરી

રાજકોટ, તા., ૧૦: ૧ ઓકટોબરથી રાજકોટ સહિત ગુજરાતમાં મેન્યુઅલી સ્ટેમ્પના બદલે ઇ-સ્ટેમ્પીંગ પેપર શરૂ કરાયા બાદ થોડો સમય ઇ-સ્ટેમ્પીંગ પેપર મેળવવામાં લોકોને હાડમારી ભોગવવી પડતી હતી પરંતુ હવે ગરીબ પ્રજાને ઇ-સ્ટેમ્પીંગ પેપર માટે ફરજીયાત ૧૦ થી ૩૦ રૂ.નો ચાંદલો કરવો પડતો હોવાની અને ઇ-સ્ટેમ્પીંગ  પેપર પણ કલાકો પછી મળતા હોવાની વ્યાપક લોકફરીયાદો ઉઠી છે.

મેન્યુઅલી સ્ટેમ્પને બદલે ઇ-સ્ટેમ્પીંગ   પેપર શરૂ કરાતા રાજકોટ શહેરમાં રાજય સરકાર દ્વારા ઇ-સ્ટેમ્પીંગ કેન્દ્રો ખોલાયા છે. તેમજ લોકોને સરળતાથી ઇ-સ્ટેમ્પીંગ  પેપર મળે તે માટે રાજકોટના અનેક નોટરીઓ અને સીએને પણ લાયસન્સો ઇસ્યુ કરાયા છે. લોકોને ખાસ કરીને ગરીબ પ્રજાને ઇ-સ્ટેમ્પીંગ પેપર માટે હાડમારી સાથે ફરજીયાત ૧૦ થી ૩૦ રૂપીયાનો ચાંદલો કરવો પડતો હોવાની ફરીયાદો ઉઠી છે.  શહેરમાં ધર્મેન્દ્રકોલેજ કેમ્પસ તથા જુની કલેકટર કચેરી ખાતે આવેલ ઇ-સ્ટેમ્પીંગ કેન્દ્રો આસપાસ અભણ અને ગરીબ અરજદારો પાસેથી ઇ-સ્ટેમ્પીંગ પેપરના ફોર્મ ભરવાના ૧૦ થી ર૦ રૂ. લેવાતા હોવાની ફરીયાદો ઉઠી છે. બંન્ને કેન્દ્રો આસપાસ ફોર્મ ભરવા માટે દલાલોએ અડીંગા જમાવી ગરીબ અને અભણ પ્રજા પાસેથી ઇ-સ્ટેમ્પીંગ પેપરના ફોર્મ ભરવા માટે રૂપીયા લ્યે છે.  ગરીબ પ્રજાને પ૦ રૂપીયાના સ્ટેમ્પ માટે ૬૦ થી ૭૦ રૂ. ચુકવવા પડે છે અને કલાકો સુધી ઇ-સ્ટેમ્પીંગ પેપર માટે લાઇનમાં ઉભુ રહેવુ઼ પડે છે.

તેમજ રાજય સરકાર દ્વારા લોકોને ઇ-સ્ટેમ્પીંગ  પેપર સરળતાથી મળી રહે તે માટે અનેક નોટરીઓ અને સીએને ઇ-સ્ટેમ્પીંના લાયસન્સો ઇસ્યુ કરાયા છે પરંતુ ઇ-સ્ટેમ્પીંગ  પેપરમાં કમીશન સાવ નજીવું હોય મોટા ભાગના નોટરીઓએ ઇ-સ્ટેમ્પીંગ  કેન્દ્ર ચાલુ કર્યા નથી અને જે નોટરીઓ અને સીએએ ઇ-સ્ટેમ્પીંગ આપવાનું ચાલુ કર્યુ છે ત્યાં નિયત સ્ટેમ્પ કરતા વધારે રૂપીયા લેવાતા હોવાની લોકફરીયાદો ઉઠી છે. એક અરજદારે વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે અમુક નોટરીઓ પાસે ઇ-સ્ટેમ્પીંગ પેપર લેવા જાય ત્યારે તેની પાસે જ સોગંદનામું  કરાવવાનો આગ્રહ રાખે છે અને ત્યાં સોગંદનામુ કરવાની ના પાડીએ તો નોટરી ખોટા બહાના બતાવી ઇ-સ્ટેમ્પીંગ પેપર આપતા નથી.

શહેરમાં સંખ્યાબંધ નોટરીઓ અને સીએને ઇ-સ્ટેમ્પીંગના લાયસન્સો અપાયા છે પરંતુલોકોને ઇ-સ્ટેમ્પીંગ  પેપર સરળતાથી અને નિયત દરે મળી રહે તે માટે ચોક્કસ નિયમાવલી કલકેકટર તંત્રએ બનાવવી જોઇએ અને તેની અમલવારી કરાવવી જોઇએ તેવી લોકોમાં પ્રબળ લાગણી પ્રવર્તે છે.

(3:57 pm IST)